Get The App

સૌથી વધુ ટ્રેકટર્સનું વેચાણ વીસ ટકા જેટલું વધી 10.50 લાખ થયું

Updated: Apr 7th, 2026

GS TEAM

Google News
Google News
સૌથી વધુ ટ્રેકટર્સનું વેચાણ વીસ ટકા જેટલું વધી 10.50 લાખ થયું 1 - image

- યુદ્ધ વચ્ચે માર્ચમાં વાહનોના રિેટલ વેચાણમાં 25 ટકાનો વધારો

- ટુ વ્હીલર્સની આગેવાનીમાં ગત નાણાં વર્ષમાં ઓટો વેચાણ આંક 2.96 કરોડ સાથે નવી ટોચે

મુંબઈ : મધ્ય પૂર્વના યુદ્ધ વચ્ચે પણ માર્ચમાં દેશમાં ઓટો રિટેલ વેચાણ આંક ૨૬.૯૦ લાખ  સાથે અત્યારસુધીનો  કોઈ એક મહિનાનો સૌથી  શ્રેષ્ઠ વેચાણ આંક રહ્યો છે. બીજી બાજુ સમાપ્ત થયેલા નાણાં વર્ષ ૨૦૨૫-૨૬માં ઓટો રિટેલ વેચાણ આંક ૨.૯૬ કરોડથી પણ વધુ સાથે વિક્રમી સપાટીએ રહ્યો છે. જો કે યુદ્ધ લંબાઈ જશે તો કાચા માલની અછતથી ઓટો ક્ષેત્ર પર પ્રતિકૂળ અસરની ચિંતા પણ વ્યકત કરવામાં આવી છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (ફાડા) દ્વારા જારી કરાયેલા ડેટા પ્રમાણે માર્ચમાં ઓટો રિટેલ વેચાણ ૨૫.૨૮ ટકા વધી ૨૬.૯૦ લાખ રહ્યું છે.  ટુ વ્હીલર્સના વેચાણમાં વાર્ષિક ધોરણે ૨૮.૬૮ ટકા વધારો થઈને ૧૯.૫૦ લાખ એકમ રહ્યું છે જ્યારે ઊતારૂ વાહનોનું વેચાણ ૨૧.૪૮ ટકા વધી ૪.૪૦ લાખ રહ્યું છે. ટ્રેકટરનું વેચાણ ૧૦.૮૭ ટકા વધી ૮૨૦૮૦ રહ્યું છે જ્યારે કમર્સિઅલ વાહનોનું વેચાણ ૧૫.૧૨ ટકા વધી ૧.૦૩ લાખ એકમ રહ્યું છે.

શહેરી વિસ્તારમાં ૨૩.૮૨ ટકાની સરખામણીએ ગ્રામ્ય બજારમાં રિટેલ વેચાણમાં ૨૬.૪૯ ટકાની નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે.

રિટેલ વેચાણ આંક ઊંચો રહેતા ઊતારૂ વાહનોનું ઈન્વેન્ટરીનું સ્તર પણ નોંધપાત્ર નીચે આવી ગયું છે. ૨૦૨૫ના માર્ચના અંતે ૫૦ દિવસની સરખામણીએ વર્તમાન વર્ષના માર્ચમાં ઊતારૂ વાહનોની ઈન્વેન્ટરી ૨૮ દિવસ જેટલી રહી છે. 

ગત નાણાં વર્ષમાં એપ્રિલથી ઓગસ્ટમાં ંમંદ રહ્યા બાદ સપ્ટેમ્બરથી માર્ચના ગાળામાં જીએસટી કપાતને કારણે વેચાણ વૃદ્ધિ પ્રોત્સાહક રહી હતી. જીએસટીમાં કપાત ઉપરાંત દેશમાં સારા ચોમાસાને કારણે ગ્રામ્ય વિસ્તારમાંથી માગ ઊંચી રહી હતી.

ગત નાણાં વર્ષમાં ટુ વ્હીલર્સનો વેચાણ આંક વાર્ષિક ધોરણે ૧૩.૪૦ ટકા વધી ૨.૧૪ કરોડ એકમ રહ્યો છે જ્યારે ઊતારૂ વાહનોનું વેચાણ ૧૩ ટકા વધી ૪૭.૧૦ લાખ એકમ રહેવા પામ્યુ છે. ટ્રેકટર્સનું વેચાણ વીસ ટકા જેટલું વધી ૧૦.૫૦ લાખ  રહ્યું છે. ઓટોમાં સૌથી વધુ વેચાણ વૃદ્ધિ ટ્રેકટરમાં જોવા મળી છે. 

નવા મોડેલ લોન્ચિસ તથા કિંમતમાં ઘટાડાને કારણે ગત વર્ષમાં વેચાણ આંક ઊંચો રહ્યો છે. 

દરમિયાનપશ્ચિમ એશિયાના યુદ્ધને કારણે કાચા માલના ભાવમાં વધારો થયો છે અને ઓટો પૂરવઠા સાંકળમાં લોજિસ્ટિક ખર્ચ પણ ઊંચે ગયો છે તેથી ટૂંકા ગાળે પૂરવઠામાં ખલેલ પડવાની ફાડા દ્વારા ચિતા વ્યકત કરવામાં આવી છે. 

આ ઉપરાંત વાહન ઉત્પાદનમાં વપરાતા સ્ટીલ, કોપર તથા એલ્યુમિનિયમ જેવા મેટલ્સની કિંમતમાં પણ વધારો થયો છે.