Business

ડૉલર સામે રૂપિયાનું કમબેક, 47 પૈસાની મજબૂતીનું આ છે મોટું કારણ

By GS Team
3 Sep 20263 mins read
TukuTouch Logo
ગુરુવારે ફોરેક્સ માર્કેટમાં ભારતીય રૂપિયો 47 પૈસા ઉછળી 94.26 પર પહોંચ્યો હતો. RBIની સક્રિયતા, FCNR(B) સ્કીમ થકી $127 અબજનું ભંડોળ, શેરબજારમાં વિદેશી રોકાણ અને ક્રૂડ ઓઇલમાં નરમાશ જેવા પરિબળોએ રૂપિયાને મજબૂત બનાવ્યો. આ સાથે, ભારતનું વિદેશી મુદ્રા ભંડાર $729.32 અબજની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડૉલર સામે રૂપિયાનું કમબેક, 47 પૈસાની મજબૂતીનું આ છે મોટું કારણ

Rupee Surges 47 Paise: ફોરેક્સ માર્કેટમાં ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2026ના રોજ ભારતીય રૂપિયામાં શાનદાર રિકવરી જોવા મળી છે. શરૂઆતી કારોબારમાં જ યુએસ ડોલર સામે રૂપિયો 47 પૈસાની મજબૂત છલાંગ લગાવીને 94.26ના સ્તર પર પહોંચી ગયો હતો. ભારતીય ચલણમાં મજબૂતીનો આ સતત બીજો દિવસ છે; આ અગાઉ બુધવારે પણ રૂપિયો 22 પૈસા સુધરીને 94.73 પર બંધ થયો હતો. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની સક્રિયતા, એનઆરઆઈ ડિપોઝિટ્સ, શેરબજારમાં વિદેશી રોકાણકારોની લેવાલી અને ક્રૂડ ઓઇલમાં નરમાશ જેવા પરિબળોએ રૂપિયાની સ્થિતિ મજબૂત કરવામાં મોટો ભાગ ભજવ્યો છે.

FCNR(B) સ્કીમ થકી રેકોર્ડ $127 અબજથી વધુનું વિદેશી ભંડોળ આવ્યું

રૂપિયામાં આવેલા આ તગડા ઉછાળા પાછળનું સૌથી મોટું કારણ ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ [FCNR(B)] છે. ભારત સરકારે અને બેંકોએ બિન-નિવાસી ભારતીયો (NRIs) થકી રેકોર્ડ 127.23 અબજ ડોલરનું જંગી વિદેશી ભંડોળ એકત્ર કર્યું છે. એનઆરઆઈ તરફથી મળેલો પ્રતિસાદ એટલો અસાધારણ હતો કે ભારતીય રિઝર્વ બેંકે (RBI) આ યોજનાને નિર્ધારિત સમય કરતાં એક મહિનો વહેલી એટલે કે 31 ઓગસ્ટે જ પૂર્ણ જાહેર કરી દીધી હતી. દેશમાં મોટા પાયે આવેલા વિદેશી ચલણના આ પ્રવાહે રૂપિયાને જબરદસ્ત ટેકો આપ્યો છે.

RBI પાસે ઐતિહાસિક ફોરેક્સ રિઝર્વ અને GDPના મજબૂત આંકડા

ડોલર સામે રૂપિયાની અસ્થિરતાને નિયંત્રિત કરવા માટે RBI એ લીધેલા સખત પગલાં અને દેશની બેંકોમાં ભારે માત્રામાં ડોલર આવવાને કારણે ભારતનું વિદેશી મુદ્રા ભંડાર વધીને 729.32 અબજ ડોલરના ઓલ-ટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગયું છે. આ સાથે દેશનો પ્રથમ ત્રિમાસિક ગાળાનો જીડીપી ગ્રોથ પણ અપેક્ષા કરતાં સારો એટલે કે 7.8% નોંધાયો છે. આ મજબૂત આર્થિક આંકડાઓએ રૂપિયાના ઘટાડા પર બ્રેક લગાવી છે.

શેરબજારમાં રિકવરી અને વિદેશી રોકાણકારોની તોતિંગ ખરીદી

ભારતીય શેરબજારમાં સતત ત્રણ દિવસના કડાકા બાદ તેજી પરત ફરી છે. બીએસઈ સેન્સેક્સ આશરે 221 પોઇન્ટના વધારા સાથે 76,791 પર અને નિફ્ટી 59 પોઇન્ટના સુધારા સાથે 23,974 પર કારોબાર કરી રહ્યો છે. તેની સાથોસાથ ફોરેન ઇન્સ્ટિટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ (FIIs) દ્વારા સ્થાનિક શેરબજારમાં ₹6,688 કરોડથી વધુની નેટ ખરીદી કરવામાં આવી છે. સ્થાનિક ઇક્વિટી માર્કેટમાં વિદેશી રોકાણકારોના નાણાં પાછા ફરતાં ચલણ બજારમાં રૂપિયાને સીધો ફાયદો થયો છે.

ડોલર ઇન્ડેક્સ અને કાચા તેલના ભાવમાં રાહત

વૈશ્વિક બજારોમાંથી પણ રૂપિયાને મોટો સપોર્ટ મળ્યો છે. વૈશ્વિક કરન્સી બાસ્કેટ સામે ડોલર ઇન્ડેક્સ સામાન્ય ઘટીને 99.43ના સ્તર પર આવી ગયો છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત પણ ઘટીને $95.48 પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થઈ રહી છે. ભારત મોટા પાયે ક્રૂડ ઓઇલની આયાત કરતો હોવાથી કાચા તેલના ભાવમાં સામાન્ય ઘટાડો પણ દેશના ઇમ્પોર્ટ બિલને નોંધપાત્ર રીતે ઘટાડે છે, જેનાથી ડોલરની સ્થાનિક માંગ ઘટે છે અને રૂપિયો મજબૂત બને છે. બજાર નિષ્ણાતોના મતે જો તેલના ભાવ કાબૂમાં રહેશે અને વિદેશી રોકાણકારોની લેવાલી ચાલુ રહેશે, તો આગામી દિવસોમાં રૂપિયો વધુ મજબૂત બની શકે છે.