Business

રૂપિયામાં ઉથલપાથલ: ઇન્ટાડે વધી 86.28 થયા પછી ફરીથી તૂટીને 86.60 બોલાયો

By GS Team
22 Jan 20252 mins read
This article was originally published on 22 Jan 2025
રૂપિયામાં ઉથલપાથલ: ઇન્ટાડે વધી 86.28 થયા પછી ફરીથી તૂટીને 86.60 બોલાયો

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં  આજે ડોલર સામે રૂપિયામાં મોટી ઉથલપાછલ જોવા મળી હતી. રૂપિયા સામે ડોલરના ભાવ આરંભમાં ઝડપી તૂટી ગયા પછી ફરી સ્પ્રિંગની જેમ ઉછળ્યા હતા.  આવી મોટી ઉછળકુદ વચ્ચે બજારના ખેલાડીઓ પણ સ્તબ્ધ થઈ ગયા હતા એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

વિશ્વ  બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઘટતાં આજે મુંબઈ કરન્સી બજારમાં  આરંભમાં રૂપિયા સામે ડોલર ઝડપી ઘટાડા પર રહ્યો હતો પરંતુ ત્યારબાદ શેરબજારમાં તીવ્ર કડાકો બોલાતાં રૂપિયો બપોર પછી ઝડપી તૂટી ગયો  હતો અને ડોલરના ભાવ આરંભના આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા.  ડોલરના ભાવ રૂ.૮૬.૫૭ વાળા આજે સવારે રૂ.૮૬.૨૮  ખુલી નીચામાં ભાવ એ જ મથાળે રહ્યા પછી બપોર પછી ડોલરના ભાવ ઝડપી વધી ઉંચામાં રૂ.૮૬.૬૦ સુદી ઉછળી છેલ્લે બંધ ભાવ રૂ.૮૬.૫૮ રહ્યા હતા.

વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ટ્રમ્પના આગમન પછી આરંભમાં નીચો ઉતર્યો હતો પરંતુ ત્યારબાદ ટ્રમ્પ દ્વારા કેનેડા તથા મેક્સિકો પર ફેબુ્રઆરીથી ૨૫ ટકા સુધીની ટેરીફ લાદવાનો સંકેત અપાતાં વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ ફરી વધી આવ્યાના નિર્દેશો હતા અને તેના પગલે મુંબઈ કરન્સી બજારમાં પણ રૂપિયા સામે ડોલરના ભાવમાં આજે ખાસ્સી અફડાતફડી  દેખાઈ હતી.

વિશ્વ બજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેક્સ ૧૦૯.૩૫ વાળો એક તબક્કે ગબડી નીચામાં ૧૦૮ની અંદર ઉતરી ૧૦૭.૯૬ સુધી ઉતર્યા પછી આ વૈશ્વિક ઈન્ડેક્સ ફરી વધી ઉંચામાં ૧૦૮.૭૮ થઈ ૧૦૮.૭૦ રહ્યાના નિર્દેશો મળ્યા હતા. આવી ઉછળકુદ  આ પૂવે ખાસ જોવા મળી નથી એવું વિશ્વ બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

મુંબઈ શેરબજારમાં આજે ઈન્ડેક્સ ૧૨૩૫ પોઈન્ટ તૂટયાના સમાચાર હતા.  દરમિયાન, વિશ્વ બજારમાં ડોલરનો ઈન્ડેક્સ તાજેતરમાં ટ્રમ્પના આગમન પૂર્વે ઉંચામાં બે વર્ષની ટોચે પહોંચ્યો હતો તે ગઈકાલે ઓવરનાઈટ ઘટી બે સપ્તાહના તળિયે ઉતર્યા પછી ફરી વધી આવ્યાના સમાચાર હતા. ડોલર ઈન્ડેક્સ ઓવરનાઈટ ૧.૨૦ ટકા ઘટયો હતો.

ટ્રમ્પે શરૂઆતમાં એવા સંકેતો આપ્યા હતા કે એગ્રેસીવ ટેરીફ નહિં આવે પરંતુ ત્યારબાદ કેનેડા તથા મેક્સિકો સામે ટ્રમ્પે ફરી તીવ્ર ટેરીફના સંકેતો આપ્યા હતા. વિશ્વ બજારમાં અમેરિકાના   બોન્ડની યીલ્ડ ઘટી ત્રણ સપ્તાહના તળિયે ઉતર્યા પછી ફરી ઉંચકાયાના સમાચાર હતા.

દરમિયાન, ડોલર-રૂપીના ફોરવર્ડ પ્રીમિયમોમાં પીછેહટ દેખાઈ હતી. મુંબઈ બજારમાં આજે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૬૪ પૈસા વધી ઉંચામાં રૂ.૧૦૬.૩૫ થઈ છેલ્લે રૂ.૧૦૬.૦૬ રહ્યા હતા જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ ૪૨ પૈસા વધી ઉંચામાં રૂ.૮૯.૮૬ થઈ રૂ.૮૯.૬૪ રહ્યા હતા. જાપાનની કરન્સી ૦.૩૪ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૪૬ ટકા ઉંચકાઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃ ૮૬.૫૮

પાઉન્ડ

રૃ ૧૦૬.૦૬

યુરો

રૃ ૮૯.૬૪

યેન

રૃ ૦.૫૬