Business

મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી

By GS Team
12 Mar 20262 mins read
TukuTouch Logo
ગુરુવારે ભારતીય રૂપિયામાં મોટો કડાકો નોંધાયો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, વિદેશી રોકાણકારોની વેચવાલી અને મજબૂત ડૉલરને કારણે રૂપિયો 92.37ની ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો છે. અગાઉ 92.01 પર બંધ થયેલા રૂપિયાને ગગડતો અટકાવવા અને સ્થિરતા લાવવા માટે રિઝર્વ બેન્કે સરકારી બેન્કો મારફતે ડૉલરનું વેચાણ કરીને રૂપિયાને સ્થિર કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટમાં તણાવની ભારત પર અસર, ડૉલર સામે રૂપિયાએ અત્યાર સુધીની સૌથી નીચલી સપાટી વટાવી

Rupee All-Time Low: ગુરુવારે ભારતીય રૂપિયામાં મોટો કડાકો નોંધાયો છે. ક્રૂડ ઓઇલના વધતા ભાવ, વિદેશી રોકાણકારોની વેચવાલી અને મજબૂત ડૉલરને કારણે રૂપિયો 92.37ની ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો છે. અગાઉ 92.01 પર બંધ થયેલા રૂપિયાને ગગડતો અટકાવવા અને સ્થિરતા લાવવા માટે રિઝર્વ બેન્કે સરકારી બેન્કો મારફતે ડૉલરનું વેચાણ કરીને રૂપિયાને સ્થિર કરવાના પ્રયાસો હાથ ધર્યા છે.

વૈશ્વિક સંઘર્ષની રૂપિયા પર અસર

રૂપિયાના આ ઘટાડાનું મુખ્ય કારણ ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો વધારો છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવને લીધે બ્રેન્ટ ક્રૂડનો ભાવ બેરલ દીઠ 100.50 ડૉલર પર પહોંચી ગયો છે. ભારત પોતાની જરૂરિયાતનું 85% તેલ વિદેશથી મંગાવે છે, તેથી ભાવ વધતા દેશની ચાલુ ખાતાની ખાધ વધે છે અને ડૉલરની માંગ પણ વધી જાય છે. બીજી તરફ, ઈરાન અને અમેરિકા વચ્ચેના સંઘર્ષને કારણે રોકાણકારો ડૉલરને વધુ સુરક્ષિત માની રહ્યા છે, જેનાથી ડૉલર ઇન્ડેક્સ 2026ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો છે.

રોકાણકારોની મોટી વેચવાલી

વિદેશી રોકાણકારોએ આ મહિને ₹39,000 કરોડના શેર વેચતા રૂપિયા પર દબાણ વધ્યું છે. જોકે, ભારત પાસે $723 બિલિયનનું મજબૂત વિદેશી હૂંડિયામણ અનામત છે, જે જરૂર પડ્યે રૂપિયાને સ્થિર રાખવામાં RBIને મદદરૂપ થશે. બીજી તરફ, હોર્મુઝ સ્ટ્રેટમાં તેલનો પુરવઠો ખોરવવાની આશંકાએ આગામી સમયમાં મોંઘવારી વધવાની ચિંતા છે.

આ પણ વાંચો: ક્રૂડ ઓઇલના ભાવમાં ભડકો થતાં જ શેરબજારમાં 'બ્લેક થર્સ ડે', સેન્સેક્સ-નિફ્ટી એકઝાટકે ધડામ

વિવિધ ક્ષેત્રો પર મિશ્ર અસર

રૂપિયાના આ અવમૂલ્યનથી દેશના વિવિધ ક્ષેત્રો પર મિશ્ર અસર જોવા મળશે. આઈટી કંપનીઓ માટે નબળો રૂપિયો ફાયદાકારક સાબિત થઈ શકે છે, કારણ કે તેમની ડૉલરમાં થતી કમાણીનું મૂલ્ય રૂપિયામાં વધી જશે. જોકે, સામાન્ય નાગરિકો માટે હવે વિદેશમાં અભ્યાસ કરવો કે ફરવા જવું ઘણું મોંઘું બનશે, કારણ કે તેમને વિદેશી ચલણ ખરીદવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે.

પેટ્રોલિયમ અને કેમિકલ સેક્ટરની કંપનીઓ માટે પણ મુશ્કેલી વધી શકે છે. કાચા માલની આયાત મોંઘી થવાથી તેમના ખર્ચમાં વધારો થશે, જેની સીધી અસર તેમના નફા પર પડી શકે છે. નિષ્ણાતોના મતે, જો ક્રૂડ ઓઇલના ભાવ $100ની ઉપર જળવાઈ રહેશે, તો તે ભારતની આર્થિક નીતિઓ પર દબાણ લાવશે અને સામાન્ય માણસના ખિસ્સા પર મોંઘવારીનો બોજ વધારશે.