Business

રૂપિયો વર્ષાન્તે નવા તળિયે: નીચામાં 85.65 થઈ અંતે 85.61 બંધ રહ્યો

By GS Team
1 Jan 20252 mins read
This article was originally published on 1 Jan 2025
રૂપિયો વર્ષાન્તે નવા તળિયે: નીચામાં 85.65 થઈ અંતે 85.61 બંધ રહ્યો

મુંબઈ : મુંબઈ કરન્સી બજારમાં  આજે રૂપિયા તથા ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં બંધ ભાવના સંદર્ભમાં ૨૦૨૪ના વિદાય લેતા વર્ષના અંતિમ દિવસે રૂપિયો નવા નીચા તળિયે ઉતરી ગયો હતો.  ફોરેન ફંડોનો આઉટફલો વધતાં તથા શેરબજારમાં સુસ્ત હવામાન ઉપરાંત વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચા થતાં રૂપિયા પર દબાણ વધ્યાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા.

ડોલરના ભાવ રૂ.૮૫.૫૪ વાળા આજે સવારે રૂ.૮૫.૫૬ તથા ઉંચામાં રૂ.૮૫.૬૫ થઈ છેલ્લે બંધ ભાવ રૂ.૮૫.૬૧ રહ્યા હતા. 

જો કે વિશ્વ બજારમાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે ૦.૨૨ ટકા ઘટતાં ૧૦૮ની અંદર ઉતરી નીચામાં ૧૦૭.૮૭ થઈ ૧૦૭.૮૯ રહ્યાના સમાચાર મળ્યા હતા. ભારતમાં ફિસ્કલ ડેફીસીટ વેરાકિય ખાધ એપ્રિલથી નવેમ્બરમાં વધી રૂ.૮.૪૭ લાખ કરોડની સપાટીએ પહોંચતા તેના કારણે પણ રૂપિયો ગબડતો જોવા મળ્યો હતો.

વાર્ષિક ધોેરણે રૂપિયો ૨૦૨૪માં ૩ ટકા તૂટયો છે. ભારતમાં તાજેતરમાં વેપાર ખાધ વધ્યા પછી હવે વેરાકિય ખાધ પણ વધી છેે. ૨૦૨૩માં ડિસેમ્બર અંતે ડોલરના ભાવ રૂ.૮૩.૧૬ હતા તે આ વર્ષે આશરે ૩ ટકા વર્ષ દરમિયાનઉંચકાયા હતા. ૧૦ ઓકટોબરે ભાવ  રૂ.૮૪ની ઉપર જતા રહ્યા હતા તથા હવે રૂ.૮૬ પર નજર રહી છે.

આજે કરન્સી બજારમાં અમુક સરકારી બેન્કે ઉંચામાં ડોલર વેંચતી પણ જોવા મળી હતી. વિશ્વ બજારના સમાચાર મુજબડોલર સામે ચીનની કરન્સીની યુઆનના ઓફ શોર ભાવ આજે ગબડી  ૨૦૨૨ પછીના નવા તળિયે ઉતર્યા હતા.  વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ વધી બેરલના ૭૪ ડોલરની ઉપર ગયાના સમાચાર મળ્યા હતા. 

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં આજે રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૯ પૈસા ઘટી નીચામાં ભાવ રૂ.૧૦૭.૩૭ થઈ નીચામાં ભાવ રૂ.૧૦૭.૪૯ રહ્યા હતા. જ્યારે યુરોપીયન કરન્સી યુરોના ભાવ પાંચ પૈસા ઘટી નીચામાં રૂ.૮૯.૦૨ થઈ છેલ્લે ભાવ રૂ.૮૯.૨૦ રહ્યા હતા. રૂપિયા સામે જાપાનની કરન્સી જો કે આજે ૦.૬૩ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી ૦.૦૭ ટકા પ્લસમાં રહી હતી. નવા વર્ષમાં પણ રૂપિયો વધઘટે વધુ નબળો પડવાની શક્યતા બજારના જાણકારો બતાવી રહ્યા હતા. 

રિઝર્વ બેન્કની નીતિ તથા સરકારના બજેટ પર હવે બજારની નજર રહેનાર છે. રૂપિયો ગબડતાં દેશમાં આયાત થતી ક્રૂડ, સોના-ચાંદી સહિતની વિવિધ ચીજોની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે અને તેના પગલે ફુગાવો વધતાં હવે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજમાં ઘટાડો વિલંબમાં પડવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

ફોરેક્સ ભાવ

ડોલર

રૃ ૮૫.૬૧

પાઉન્ડ

રૃ ૧૦૭.૪૯

યુરો

રૃ ૮૯.૨૦

યેન

રૃ ૦.૫૫