Business

ડોલર સામે રૂપિયો 91.75ના નવા તળિયે : મોંઘવારી વધશે

By GS TEAM
22 Jan 20263 mins read
ડોલર સામે રૂપિયો 91.75ના નવા તળિયે : મોંઘવારી વધશે

- રૂપિયામાં નવે. પછી એક જ દિવસમાં સૌથી વધુ 67 પૈસાનો ઘટાડો

- રિઝર્વ બેન્કની સક્રિયતા ઘટતાં ડોલરમાં ઝડપી આગેકૂચ પાઉન્ડ પણ ઉછળી રૂ.123ની સપાટી પાર કરી ગયો : રૂપિયો ઘટતા આયાતકારોને ચિંતા, પરંતુ નિકાસકારો ખુશખુશાલ 

નવી દિલ્હી : વિશ્વ બજારમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે વિવિધ દેશો તરફ લાલ આંખ કરતાં અજંપો વધ્યો છે. ઉપરાંત ભારત તથા અમેરિકા વચ્ચેના વેપાર કરારમાં પણ વિલંબ થતાં હુડીયામણ બજારમાં રૂપિયા પર તેની નેગેટીવ ઈમ્પેક્ટ જોવા મળી છે. આ અહેવાલો પાછળ આજે રૂપિયા સામે ડોલરના ભાવ ઝડપી વધી જતાં રૂપિયો ગબડી નવા ૯૧.૭૫ના નીચા તળિયે પટકાયો હતો. આના પગલે રુપિયાએ નવેમ્બર મહિના પછી એક જ દિવસનો સૌથી મોટો ૬૭ પૈસાનો ઘટાડો નોંધાવ્યો છે. 

ડોલર સામે રૂપિયો ગગડતા આગામી સમયમાં મોંઘવારી વધવાના એઘાણ મળી રહ્યા છે. રુપિયાએ આ પહેલા  ૧૬ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ ૯૧.૧૪ ડોલરની નીચી સપાટી નોંધાવી હતી. આ મહિનામાં રુપિયો દોઢ  ટકા તૂટયો છે. શેરબજાર તૂટતાં તથા ડોલરનો આઉટફ્લો વધતાં કરન્સી બજારમાં રૂપિયા પર દબાણ વધતું જોવા મળ્યું હતું. ડોલરના ભાવ રૂ.૯૦.૯૮ વાળા આજે સવારે રૂ.૯૧.૧૧ ખુલ્યા પછી નીચામાં ભાવ રૂ.૯૧.૧૦ રહ્યા પછી ઉંચામાં ભાવ રૂ.૯૧.૭૫ની નવી ટોચે પહોંચી કામકાજના અંતે રૂ.૯૧.૬૬ રહ્યા હતા. 

ડોલર ઉછળતાં તથા રૂપિયો ગબડતાં દેશમાં ઈમ્પોર્ટ કોસ્ટમાં વૃદ્ધી થતાં ઘરઆંગણે હવે ફુગાવો તથા મોંઘવારી વધુ વધી જવાની ભીતિ જાણકારો બતાવી રહ્યા હતા. જો કે  રૂપિયો ગબડતાં નિકાસકારો પાસે દરિયાપારની માગ વધવાની આશા પણ બજારના જાણકારો બતાવી રહ્યા હતા.

જો કે વિશ્વ બજારમાં વિવિધ પ્રમુખ કરન્સીઓ સામે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ આજે નરમ હતા. ડોલરનો ગ્લોબલ  ઈન્ડેક્સ ઉંચામાં ૯૮.૬૪ તથા નીચામાં ૯૮.૪૫ થઈ ૯૮.૬૧ રહ્યાના નિર્દેશો હતા. રૂપિયા સામે બ્રિટીશ પાઉન્ડના ભાવ આજે વધુ ૬૧ પૈસા વધ્યા હતા તથા પાઉન્ડના ભાવ ઉંચામાં રૂ.૧૨૩ પાર કરી રૂ.૧૨૩.૩૩ થઈ ૧૨૩.૧૯ રહ્યા હતા. 

યુરોપીયન કરન્સી યુરોના ભાવ રૂપિયા સામે આજે વધુ ૬૯ પૈસા વધ્યા હતા તથા યુરોના ભાવ ઉંચામાં રૂ.૧૦૭.૦૦ પાર કરી ભાવ રૂ.૧૦૭.૪૯ થઈ રૂ.૧૦૭.૩૭ રહ્યા હતા. જાપાનની કરન્સી રૂપિયા સામે ૦.૭૬ ટકા વધી હતી જ્યારે ચીનની કરન્સી રૂપિયા સામે ૦.૭૧ ટરા ઉંચકાઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

અગાઉ જ્યારે ડોલર ઉછળતો તથા રૂપિયો તૂટતો હતો ત્યારે રિઝર્વ બેન્કની સક્રિયતા બજારમાં દેખાતી હતી તથા સરકારી બેન્કો ડોલર વેંચવા નીકળતી હતી પરંતુ આજે રિઝર્વ બેન્કની બજારમાં હાજરી દેખાઈ ન હતી તથા સરકારી બેન્કો પણ માત્ર મુક પ્રેક્ષક તરીકેની ભૂમિકા ભજવતી જોવા મળી હતી.

ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે ઢીલાશ દર્શાવતા ડાઉ જોન્સમાં 500 પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ : વિશ્વભરમાં અરાજકતાનો વિષય બનેલા ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આક્રમક નીતિમાં પીછેહઠ કરતા બુધવારે અમેરિકન બજારમાં તેજીનો ચમકારો જોવા મળ્યો હતો. શરૂઆતી સેશનમાં ડાઉ જોન્સમાં ૫૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.

ટ્રમ્પે એક નિવેદનમાં કહ્યું હતું કે હું ગ્રીનલેન્ડને કબ્જે કરવા મિલિટ્રી ફોર્સનો ઉપયોગ નહિ કરૂ. જોકે ટ્રમ્પે સંપૂર્ણ પીછેહઠ નથી કરી અને કહ્યું કે 'તાત્કાલિક વાટાઘાટો' જરૂરી છે. યુનાઇટેડ સ્ટેટ્સ ફક્ત ગ્રીનલેન્ડ નામની જગ્યા ઈચ્છે છે... ફક્ત યુનાઇટેડ સ્ટેટ્સ જ આ વિશાળ જમીન, બરફના આ વિશાળ ટુકડાનું રક્ષણ કરી શકે છે, તેનો વિકાસ કરી શકે છે અને તેને સુધારી શકે છે.

ટ્રમ્પે ગ્રીનલેન્ડ મુદ્દે ઢીલાશ દાખવતા ડાઉ જોન્સ ૫૧૦ પોઈન્ટ વધીને ૪૯,૦૦૦ના લેવલે અને નાસ્ડાક કોમ્પોસિટ સવા ટકાના ઉછાળે ૨૩,૨૫૦ના લેવલે કારોબાર કરી રહ્યાં હતા. એસ એન્ડ પી ૫૦૦ ઈન્ડેકસ પણ ૧ ટકા વધ્યો હતો.

ફોરેક્સ ભાવ

ડોલર

રૂ. ૯૧.૬૬

પાઉન્ડ

રૂ. ૧૨૩.૧૯

યુરો

રૂ.૧૦૭.૩૭

યેન

રૂ. ૦.૫૮