Business

ડૉલર સામે રૂપિયો 97ને પાર, સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ કડાકો, ચાંદી પણ તૂટી, ક્રૂડ ઓઈલમાં ભડકો

By GS Team
8 Oct 20263 mins read
TukuTouch Logo
શેરબજારમાં સતત બીજા દિવસે કડાકો બોલાયો છે. સેન્સેક્સ બે દિવસમાં 1283 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 476 પોઈન્ટ તૂટ્યો છે. સોના-ચાંદીમાં પણ ઘટાડો નોંધાયો છે, ચાંદી 2 દિવસમાં 5000 રૂપિયાથી વધુ ગગડી છે. બ્રેન્ટ ક્રૂડ 104 ડોલર થતાં પેટ્રોલ-ડીઝલ મોંઘા થઈ શકે છે. ડોલર સામે રૂપિયો 97ની ઐતિહાસિક નીચલી સપાટીએ પહોંચી ગયો છે, જે મોંઘવારી વધવા માટે સંકેત માની શકાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ડૉલર સામે રૂપિયો 97ને પાર, સેન્સેક્સ-નિફ્ટીમાં પ્રચંડ કડાકો, ચાંદી પણ તૂટી, ક્રૂડ ઓઈલમાં ભડકો

Stock market and Gold and Silver Price News : ગઇકાલે અને આજે એમ બે દિવસથી શેરબજાર હોય કે એમસીએક્સ બજાર બંને જગ્યાએ કડાકાનો જ દોર જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી હોય કે સોના કે ચાંદીની બંને જગ્યાએ કડાકો જ દેખાયો છે. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ભડકો બોલાયો છે. જ્યારે ડૉલર સામે રૂપિયો આજે ઐતિહાસિક રીતે 97 રૂપિયાના લેવલને પાર કરી ગયો છે જે ભારત માટે ચિંતાનો વિષય છે.

સેન્સેક્સમાં બે દિવસમાં પ્રચંડ કડાકો

ગઈકાલે સેન્સેક્સમાં 72965 પર બજાર ઓપન થયું હતું. જ્યારે તેણે 73018ની ટોચ બનાવી હતી. જોકે જોત જોતામાં સેન્સેક્સ ગબડીને 72468 પર આવી ગયું હતું. છેલ્લે બજાર બંધ થવા સુધીમાં થોડી રિકવરી સાથે સેન્સેક્સ 72638 પર બંધ થયું હતું. તેના પરથી કહી શકાય કે સેન્સેક્સમાં ગઇકાલે 380 પોઇન્ટનો કડાકો બોલાયો હતો. જ્યારે આજે સેન્સેક્સ ફરી એકવાર 72,638.70 પર ખુલ્યો હતો અને પછી 71,735.91 ની નીચલી સપાટી બનાવી હતી. એટલે કે આજે કુલ 903 પોઈન્ટનો કડાકો બોલાઈ ગયો છે. બે દિવસમાં સેન્સેક્સની સ્થિતિની વાત કરીએ તો કુલ 1283 પોઇન્ટનો કડાકો અત્યાર સુધી થઇ ચૂક્યો છે.

નિફ્ટીની શું છે સ્થિતિ?

બે દિવસમાં નિફ્ટીની પણ હાલત દયનીય દેખાઈ છે. નિફ્ટી ગઈકાલે 22690 પર ખુલી હતી અને 22717 ની ટોચે પહોંચી હતી. ત્યારબાદ 22546 ની નીચલી સપાટીને સ્પર્શી ગઈ હતી. જ્યારે બજાર બંધ થતા થતા 22603 પર બંધ થઇ હતી. નિફ્ટીમાં ગઇકાલનો કડાકો 171 પોઈન્ટનો રહ્યો હતો. જોકે આજે પણ નિફ્ટીમાં ભયાનક સ્તરે કડાકાની સ્થિતિ જોવા મળી રહી છે. નિફ્ટીમાં આજે 305 પોઈન્ટથી વધુનો કડાકો આવી ચૂક્યો છે. આજે નિફ્ટી 22,599.05 પર ઓપન થઇ હતી અને પછી 22,599.05 સપાટીથી જ તેમાં કડાકાની સ્થિતિ જોવા મળી હતી. પછીથી 22,294.35 ની નીચલી સપાટીએ ગબડી પડી હતી. નિફ્ટીમાં બે દિવસમાં જ કુલ 476 પોઈન્ટનો મસમોટો કડાકો બોલાઈ ચૂક્યો છે.

સોના-ચાંદીની કેવી છે સ્થિતિ?

ચાંદી બે દિવસમાં મસમોટો કડાકો બોલાઈ ગયો છે. ગઇકાલે ચાંદીમાં કુલ 4385 રૂપિયાનો કડાકો બોલાયો હતો. પછીથી થોડીક રિકવરી આવતા ચાંદી રાતે 2647 રૂપિયાના કુલ કડાકા પર બંધ થઇ હતી. ચાંદીનું ગઇકાલનું ક્લૉઝિંગ 223561 રૂપિયા રહ્યું હતું. જે આજે એક ઘડીએ ઉછાળા સાથે 224652 પર પહોંચી ગયું હતું. જોકે પછીથી કડાકો બોલાતા ચાંદી એકઝાટકે ગગડીને 220769 ની નીચલી સપાટીએ પહોંચી ગઇ હતી. એટલે કે આજે ચાંદીમાં કુલ 3883 નો કડાકો બોલાઈ ગયો હતો પરંતુ સમાચાર લખવા સુધીમાં ચાંદી થોડીક રિકવરી સાથે 2226 રૂપિયાના કડાકા સાથે 221335 રૂપિયાની સપાટીએ ટ્રેડ થઇ રહી હતી. જો કુલ કડાકાની અત્યાર સુધીની વાત કરીએ તો ચાંદી બે દિવસમાં 5000 રૂપિયાથી વધુ તૂટી ચૂકી છે. જ્યારે સોનું બે દિવસથી વધારે વધઘટ દર્શાવી રહ્યું નથી પરંતુ તેની કિંમત પ્રતિ દસ ગ્રામ દોઢ લાખની નીચે જ રહી છે. હાલમાં સોનાની કિંમત 149292 વાયદા બજાર પ્રમાણે ચાલી રહી છે.

બ્રેન્ટ ક્રૂડમાં ભડકો, ડૉલર સામે રૂપિયો ઐતિહાસિક નીચલી સપાટીએ

બ્રેન્ટ ક્રૂડની વાત કરીએ તો હાલમાં તેની કિંમત 104 ડૉલરના લેવલે પહોંચી ગઇ છે. આજે તેમાં સાડા ત્રણ ડૉલરથી વધુની તેજી જોવા મળી છે. જેના કારણે ફરી એકવાર પેટ્રોલ-ડીઝલ મોંઘા થવાના એંધાણ સર્જાયા છે. જ્યારે બીજી બાજુ રૂપિયાએ તમામ રેકોર્ડ બ્રેક કરતાં આજે એક ડૉલર સામે 97 રૂપિયાની સપાટી કૂદાવી દીધી છે જે મોંઘવારીનો વિસ્ફોટ થવા માટે એક મોટો સંકેત માની શકાય છે.