AC, LED PLI માટે 24 કંપનીઓના રૂ. 3,516 કરોડના રોકાણને મંજૂરી

મુંબઈ : સરકારે એર કંડિશનર્સ (એસી) અને એલઈડી માટે પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ (પીએલઆઈ) સ્કીમના ત્રીજા રાઉન્ડમાં ૨૪ કંપનીઓના રૂ. ૩,૫૧૬ કરોડના રોકાણની દરખાસ્તોને મંજૂરી આપી છે. ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટરનલ ટ્રેડએ આ માહિતી આપી હતી.
સરકારે રૂ. ૨,૨૯૯ કરોડનું રોકાણ કરવાનું વચન આપતી ૧૮ કંપનીઓની પણ પસંદગી કરી છે. તેમાંથી ૧૦ કંપનીઓ એસી પાર્ટ્સનું ઉત્પાદન કરે છે અને ૮ કંપનીઓ એલઈડી બલ્બનું ઉત્પાદન કરે છે. આ ૧૮ કંપનીઓમાં વોલ્ટાસ, મર્ક ઈલેક્ટ્રોનિક્સ, લુમેક્સ ઈન્ડસ્ટ્રીઝ વગેરેનો સમાવેશ થાય છે.
બાકીના છ અરજદારોમાં હાલના પીએલઆઈ લાભાર્થીઓનો સમાવેશ થાય છે જેમને ઉચ્ચ રોકાણ કેટેગરીમાં અપગ્રેડ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. આ છ અરજદારોએ રૂ. ૧,૨૧૭ કરોડના વધારાના રોકાણની બાંહેધરી આપી છે.
એકંદરે, ૮૪ કંપનીઓ કન્ઝયુમર ડયુરેબલ્સ માટે પીએલઆઈ સ્કીમ હેઠળ રૂ. ૧૦,૪૭૮ કરોડનું રોકાણ કરવા જઈ રહી છે. તેનાથી આશરે રૂ. ૧,૭૨,૬૬૩ કરોડનું ઉત્પાદન થશે. એક કંપનીએ તેની અરજી પાછી ખેંચી લીધી છે.
કન્ઝયુમર ડયુરેબલ્સ માટેની PLI સ્કીમ દેશમાં એસી અને એલઈડી લાઇટ ઉદ્યોગ માટે સંપૂર્ણ સ્પેર્સ ઇકોસિસ્ટમ બનાવવા અને ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનનો અભિન્ન ભાગ બનાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.




