2024માં રિયલ એસ્ટેટ સેક્ટરના IPO થકી રૂ. 13,500 કરોડ એકત્ર કરાયા

મુંબઈ : ભારતના રિયલ એસ્ટેટ સેક્ટરે આ વર્ષે આઈપીઓ ક્ષેત્રે જબરદસ્ત ઉછાળો નોંધાવ્યો છે. ૨૦ ઓક્ટોબર સુધી ૧૨૩ આઈપીઓનું લિસ્ટિંગ થયું છે, જે ગયા વર્ષ કરતા વધુ છે. આ વધારો આર્થિક અપેક્ષાઓ અને બજારમાં સારી તરલતા દર્શાવે છે
૨૦૨૪માં રિયલ એસ્ટેટ આઈપીઓ થકી આશરે ૧૩,૫૦૦ કરોડ એકત્ર કરાયા છે, જે ગયા વર્ષ કરતાં લગભગ બમણા છે. આ સાથે, રિટેલ અને સંસ્થાકીય રોકાણકારોની ભાગીદારી પણ વધી રહી છે, જે કંપનીઓની કમાણી અને બજારની વિશ્વસનીયતામાં સુધારો કરી રહી છે. ૨૦૧૦ થી અત્યાર સુધીમાં ૪૭ રિયલ એસ્ટેટ આઈપીઓ લિસ્ટેડ થયા છે.
આ વૃદ્ધિ મજબૂત હાઉસિંગ માંગ, ઓફિસ લીઝિંગમાં વધારો, ફ્લેક્સિબલ સ્પેસ ઓપરેટર્સનું વિસ્તરણ અને પ્રવાસન વૃદ્ધિને આભારી છે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં માર્કેટ સેન્ટિમેન્ટ સકારાત્મક છે.
૨૦૨૧થી અત્યાર સુધીમાં ૨૧ રિયલ એસ્ટેટ આઈપીઓએ રૂ. ૩૧,૯૦૦ કરોડ એકત્ર કર્યા છે, જે ૨૦૧૭-૨૦૨૦થી બમણા છે. તેમાંથી ૪૬ ટકા મૂડી હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાંથી એકત્ર કરવામાં આવી હતી, જ્યારે રીટ્સનો હિસ્સો ૨૨ ટકા હતો. તે જ સમયે, રેસિડેન્શિયલ ડેવલપર્સે ૫,૬૦૦ કરોડ એકત્ર કર્યા હતા, જે ગયા વર્ષ કરતાં ૧૦ ગણા વધારે છે.
બીએસઈ રિયલ્ટી ઇન્ડેક્સે આ વર્ષે ૩૦ ટકાથી વધુનો વધારો નોંધાવ્યો છે, જે સેન્સેક્સ કરતાં ઘણું સારું પ્રદર્શન છે. રસપ્રદ વાત એ છે કે, રિયલ એસ્ટેટ આઈપીઓએ ૨૦૨૪ સુધીમાં રિયલ્ટી ઇન્ડેક્સને ૨૦૧૦થી લગભગ ૨૦ ટકાથી પાછળ રાખી દીધો છે. આ વર્ષે રિયલ એસ્ટેટના ૯૦ ટકાથી વધુ આઈપીઓ ઓવરસબ્સ્ક્રાઇબ થયા છે, જે હકારાત્મક બજારના સેન્ટિમેન્ટ અને રોકાણકારોના વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે.
રિઅલ એસ્ટેટ કંપનીઓએ ક્યુઆઈપી મારફત રૂપિયા ૧૨૮૦૦ કરોડ ઊભા કર્યા
કોરોના બાદ રહેઠાણ માટેની માગમાં જોરદાર વધારાને ધ્યાનમાં રાખી દેશની લિસ્ટેડ રિઅલ એસ્ટટ કંપનીઓએ વિસ્તરણ માટે ૨૦૨૪ના પ્રથમ નવ મહિનામાં કવાલિફાઈડ ઈન્સ્ટિટયૂશનલ પ્લેસમેન્ટ (ક્યુઆઈપી) મારફત કુલ રૂપિયા ૧૨૮૦૦ કરોડ ઊભા કર્યા છે.
વર્તમાન વર્ષના પ્રથમ નવ મહિનામાં દરેક ક્ષેત્રની કંપનીઓએ ક્યુઆઈપી મારફત એકંદરે રૂપિયા ૭૫૯૨૩ કરોડ ઊભા કર્યા હતા. જેમાં ૧૭ ટકા હિસ્સો રિઅલ એસ્ટેટ કંપનીઓનો રહ્યો છે, જ્યારે બીજા ક્રમે રિન્યુએબલ ઊર્જા ક્ષેત્ર રહ્યું છે. કયુઆઈપીની ઊંચી માત્રાને જોતા દેશના મૂડીબજારમાં રિઅલ એસ્ટેટ ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવી રહ્યું હોવાનું કહી શકાય એમ છે.




