માંદી સરકારી કંપનીઓ માટે રૂ.13,000 કરોડના રાહત પેકેજની યોજના બનાવાઇ

નવી દિલ્હી : ૨૦૨૫ના એક મહિના કરતાં પણ ઓછા સમય પહેલા, કેન્દ્ર સરકાર બે સરકારી માલિકીની કંપનીઓને બચાવવા માટે લગભગ ૧.૫ બિલિયન ડોલરના (રૂ.૧૩ હજાર કરોડ) બેલઆઉટ પેકેજની યોજના બનાવી રહી છે, જેને તે ખાનગી કંપનીઓને વેચવામાં નિષ્ફળ ગઈ છે. સરકારે ઓછામાં ઓછા નવ સરકારી એકમોના ખાનગીકરણને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે, જેનો સંબંધિત મંત્રાલયો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
જે કંપનીઓનું ખાનગીકરણ મુલતવી રાખવામાં આવ્યું છે તેમાં મદ્રાસ ફર્ટિલાઇઝર્સ, ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, MMTC અને NBCC (ઇન્ડિયા)નો સમાવેશ થાય છે. હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશનને પણ ખાનગીકરણ માટે ચિહ્નિત કરવામાં આવ્યું હતું.
સરકારી ભંડોળથી પુનર્જીવિત થનારી સરકારી માલિકીની કંપનીઓમાં હેલિકોપ્ટર ઓપરેટર પવન હંસનો સમાવેશ થાય છે. સરકારી સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર તેના જૂના કાફલાને આધુનિક બનાવવા માટે પવન હંસમાં ૨૩૦-૩૫૦ મિલિયન ડોલરનું રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. આ કંપનીને વેચવાના ચાર પ્રયાસો નિષ્ફળ ગયા છે.
ગયા અઠવાડિયે, સરકારે દેવામાં ડૂબેલી સ્ટીલ ઉત્પાદક રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (RINL)ના પુનરુત્થાન માટે ૧.૩ બિલિયન ડોલરના પેકેજની જાહેરાત કરી હતી. ચાલુ વર્ષના બજેટ દસ્તાવેજો અનુસાર, સરકારે ૨૦૨૪-૨૫માં સરકારી ટેલિકોમ કંપની MTNLના બોન્ડ ચુકવણી માટે ૮૦ અબજ રૂપિયા ફાળવ્યા છે.
ખાનગીકરણ નીતિની જાહેરાત કર્યાના ૪ વર્ષ પછી, મોદી સરકારને ફક્ત ૩ સફળતા મળી છે. આમાં સૌથી મોટી સિદ્ધિ એર ઇન્ડિયાને ટાટા ગ્રુપને વેચવાની હતી. સ્ટીલ ઉત્પાદક નીલાચલ ઇસ્પાત નિગમ લિમિટેડનો હિસ્સો ટાટા સ્ટીલને અને ફેરો સ્ક્રેપ નિગમનો હિસ્સો કોનોઇક ટ્રાન્સપોર્ટ કંપનીને વેચવામાં આવ્યો હતો.




