Get The App

AI તરફથી વધતી માંગથી કોપરની વૈશ્વિક અછત વધુ ઘેરી બનવા એંધાણ

- માંગ પ્રમાણે કોપરની પૂરવઠા ખેંચથી આર્થિક વિકાસ સામે એક નવો પડકાર ઉભો થવાની ભીતિ રહેશે

Updated: Jan 10th, 2026

GS TEAM

Google News
Google News
AI તરફથી વધતી માંગથી કોપરની વૈશ્વિક અછત વધુ ઘેરી બનવા એંધાણ 1 - image

મુંબઈ : આર્ટિફિસિઅલ ઈન્ટેલિજન્સ (એઆઈ) તથા ડીફેન્સ ક્ષેત્ર તરફથી વધી રહેલી જોરદાર માગને પરિણામે કોપરની વૈશ્વિક અછત અંદાજ કરતા વધુ ઘેરી બનવાની શકયતા જોવાઈ રહી હોવાનું એસએન્ડપી ગ્લોબલના એક રિપોર્ટમાં જણાવાયું હતું. 

કોપર ઉત્પાદકો પણ ઉત્પાદન વધારવા સંઘર્ષ કરી રહ્યા છે. કોપર ખાણો માળખાકીય મર્યાદાઓનો સામનો કરી રહી છે ત્યારે માગ પ્રમાણે કોપરની પૂરવઠા ખેંચ આર્થિક વિકાસ અને ટેકનોલોજિકલ વિસ્તરણ સામે પડકારરૂપ બની રહેશે. 

વિશ્વ બજારમાં કોપરના ભાવ  ટન દીઠ ૧૩૦૦૦ ડોલરની વિક્રમી સપાટી પાર કરી ગયા છે. અમેરિકા દ્વારા ટેરિફમાં વધારો કરવાની હિલચાલને પરિણામે ટ્રેડરો દ્વારા કોપરનો સ્ટોક કરવામાં આવી રહ્યો છે જેને કારણે પણ ભાવ ઊંચકાયા છે.એઆઈ ક્ષેત્ર કોપરની માગ માટે નવું છે તેને જોતા લાંબા ગાળે કોપરની બજાર તાણ હેઠળ રહેવાની શકયતા નકારાતી નથી. ૨૦૪૦ સુધીમાં કોપરની માગમાં હાલના સ્તરેથી ૫૦ ટકા જેટલો વધારો થઈ ૪.૨૦ કરોડ ટન રહેવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.

બાંધકામ, પરિવહન, વીજ ઉત્પાદન તથા એપ્લાયન્સિસ એ કોપરની માગના પરંપરાગત ક્ષેત્રો છે ત્યારે રિન્યુએબલ ઊર્જા, વીજ વાહનો, એઆઈ જેવા નવા ક્ષેત્રો તરફથી કોપરની માગમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. ૨૦૩૦ સુધીમાં કોપરનું વૈશ્વિક ઉત્પાદન ૩.૩૦ કરોડ ટન સુધી પહોંચવા ધારણાં છે. ઓરની કવોલિટી કથળી રહી છે એટલું જ નહીં હાલની ખાણો અને નવા પ્રોજેકટો નિયમનકારી ધોરણોનો સામનો કરી રહ્યા હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.