Business

ફિલ્મો કરતા પણ મોટું બન્યું ગેમિંગનું બિઝનેસ મોડલ, GTA 6ના લોન્ચ પહેલા 49 હજાર કરોડની આવકનો અંદાજો!

By GS Team
18 Nov 20262 mins read
TukuTouch Logo
વીડિયો ગેમિંગ જગતમાં 13 વર્ષની આતુરતાનો અંત લાવવા Grand Theft Auto 6 (GTA 6) તૈયાર છે. રોકસ્ટાર ગેમ્સ દ્વારા 1 અબજ ડોલરના ખર્ચે બનેલી આ ગેમ લોન્ચ પહેલા જ $1.54 અબજ કમાઈ ચૂકી છે. લુસિયા અને જેસન પાત્રોની આ રોમાંચક ગેમ પ્રથમ અઠવાડિયે જ $3.25 થી $5.2 અબજ કમાણીનો અંદાજ છે, જે મનોરંજનના તમામ રેકોર્ડ તોડશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ફિલ્મો કરતા પણ મોટું બન્યું ગેમિંગનું બિઝનેસ મોડલ, GTA 6ના લોન્ચ પહેલા 49 હજાર કરોડની આવકનો અંદાજો!
rockstargames

Grand Theft Auto 6 : વીડિયો ગેમિંગની ઇન્ડસ્ટ્રીમાં વર્ષોની અતુરતાનો અંત લાવવા અને આખી દુનિયામાં ધૂમ મચાવવા Grand Theft Auto 6 (GTA 6) તૈયાર છે. છેલ્લા 13 વર્ષથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે આ ગેમ રિલીઝ થતાંની સાથે જ મનોરંજન અર્થવ્યવસ્થાના તમામ જૂના રેકોર્ડ તોડવા જઈ રહી છે. બજારના નિષ્ણાતોના અંદાજ મુજબ આ ગેમ લોન્ચ થયાના માત્ર પહેલા જ અઠવાડિયામાં અંદાજે 3.25 અબજ ડોલરથી 5.2 અબજ ડોલર (ભારતીય રૂપિયામાં આ રકમ લગભગ 30 હજાર કરોડથી 49 હજાર કરોડ) સુધીની કમાણી કરી શકે છે.

લોન્ચ પહેલા જ અરબોની કમાણી અને પ્રી-ઓર્ડરનો ધોધ

અહેવાલો મુજબ, GTA 6 ગેમના ડિજિટલ પ્રી-ઓર્ડર દ્વારા જ અગાઉથી આશરે 1.54 અબજ ડોલરની કમાણી થઈ ચૂકી છે અને તેની આશરે 1.58 કરોડ ડિજિટલ કોપી અગાઉથી જ બુક થઈ ગઈ છે. રોકસ્ટાર ગેમ્સ દ્વારા આ ગેમને બનાવવા અને તેના માર્કેટિંગ પાછળ અંદાજે 1 અબજથી 1.5 અબજ ડોલરનો જંગી ખર્ચ કરવામાં આવ્યો છે.

આ ગેમની કહાની લુસિયા અને જેસન નામના પાત્રોની આસપાસ ફરે છે, જેમાં અદભુત ગ્રાફિક્સ, જીવંત શહેરો અને અપરાધની રોમાંચક દુનિયા રજૂ કરવામાં આવી છે. આટલો મોટો ખર્ચ અને મહેનત સામેલ હોવાને કારણે આજની વીડિયો ગેમ્સનું કદ અને ખર્ચ ઘણી મોટી હોલીવુડ ફિલ્મો કરતા પણ વ્યાપક બની ગયા છે.

ફિલ્મો કરતા પણ મોટું બન્યું ગેમિંગનું બિઝનેસ મોડલ

કોઈપણ ફિલ્મની કમાણી મોટે ભાગે સિનેમાઘરોની ટિકિટો અને ઓટીટી પ્લેટફોર્મ પૂરતી મર્યાદિત હોય છે, પરંતુ વીડિયો ગેમનો ધંધો વર્ષો સુધી સતત ચાલતો રહે છે. અગાઉ આવેલી ‘GTA 5’ ગેમનું ઉદાહરણ આપતા નિષ્ણાતો જણાવે છે કે તે વર્ષ 2013 માં આવી હોવા છતાં આજે પણ સૌથી વધુ વેચાતી ગેમ્સમાં સામેલ છે અને તેની 23.5 કરોડથી વધુ કોપી વેચાઈ ચૂકી છે. આ ગેમની અંદર રહેલા ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ખેલાડીઓ લાંબા સમય સુધી નવું કન્ટેન્ટ અને અપડેટ્સ મેળવતા રહે છે, જેના કારણે કંપનીની કમાણી લોન્ચના દિવસ પછી પણ સતત ચાલુ રહે છે.

સમગ્ર મનોરંજન ક્ષેત્ર અને અન્ય ઉદ્યોગોને પણ ફાયદો

આ પ્રકારની લોકપ્રિય ગેમ્સના કારણે માત્ર ગેમ બનાવતી કંપનીને જ નહીં, પરંતુ ગેમિંગ કન્સોલ વેચતી કંપનીઓ, ડિજિટલ કન્ટેન્ટ ક્રિએટર્સ, સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ અને યુટ્યુબ જેવા માધ્યમોને પણ જંગી વ્યાપારી લાભ થાય છે. 13 વર્ષના લાંબા અંતરાલ દરમિયાન કંપનીએ ખૂબ જ સાવચેતીપૂર્વક ટ્રેલર્સ અને અપડેટ્સ બહાર પાડીને લોકોમાં જે ઉત્સુખતા જગાડી હતી, તેણે આ ગેમને વૈશ્વિક ઇન્ટરનેટ કલ્ચર અને મનોરંજન જગતનું સૌથી મોટું કેન્દ્ર બનાવી દીધું છે.