ધીમે-ધીમે વ્યાપક બની રહેલો રિટેલ ફુગાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નાણાકીય વર્ષ ૨૦૨૭માં કોર ઇન્ફ્લેશન સરેરાશ ૪.૩% રહેશે
જુલાઈ મહિનામાં CPI બાસ્કેટની લગભગ ૬૫ ટકા જેટલી વસ્તુઓમાં ઊંચો ફુગાવો જોવા મળ્યો : ૧૦૧ વસ્તુઓનો ફુગાવો ૪ ટકાથી વધુ
અમદાવાદ : જુલાઈ મહિનામાં હેડલાઇન કન્ઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઈ) આધારિત ફુગાવો માત્ર સામાન્ય અને અપેક્ષા મુજબ જ વધ્યો હોઈ શકે છે, પરંતુ આંકડાઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ દર્શાવે છે કે કિંમતોનું દબાણ હવે વધુ વ્યાપક બની રહ્યું છે, ભલે તેની ગતિ હાલ ધીમી હોય.જુલાઈમાં સીપીઆઈ ફુગાવો વધીને ૧૯ મહિનાની સર્વોચ્ચ સપાટી ૪.૪૫% પર પહોંચ્યો હતો, જેમાં ખાદ્ય ફુગાવો શ્રેણીની સૌથી ઊંચી સપાટી ૫.૫૨% પર રહ્યો હતો, જ્યારે કોર ઇન્ફ્લેશન ૩.૯% પર સ્થિર રહ્યો હતો.
અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, એકંદરે, જુલાઈના આંકડા અમારા એ દ્રષ્ટિકોણને મજબૂત કરે છે કે ફુગાવાનું દબાણ ધીમે-ધીમે ખાદ્યપદાર્થો અને ઇંધણથી આગળ વધી રહ્યું છે. જોકે, આ પ્રક્રિયા હાલમાં નિયંત્રિત છે અને કોઈ મોટો વિક્ષેપ પેદા કરે તેવી નથી.
ક્રમિક ગતિ મજબૂત છે, ફેલાવાના સંકેતો વિસ્તરી રહ્યા છે અને આધારભૂત ફુગાવાના કેટલાક માપદંડો સતત ઊંચા જઈ રહ્યા છે. તેમ છતાં, આ ગતિ હાલ માપસરની હોવાથી તાત્કાલિક કોઈ નીતિગત પગલાં લેવાની જરૂર નથી, જેનાથી મોનેટરી પોલિસી કમિટી માટે હાલ ધીરજ રાખવાની તક રહે છે.
કેટલાક માપદંડો ફુગાવાના વિસ્તરણ તરફ નિર્દેશ કરે છે. જૂનની સરખામણીએ જુલાઈમાં સીપીઆઈ બાસ્કેટની ૩૫૮ વસ્તુઓમાંથી લગભગ ૬૫% વસ્તુઓમાં ઊંચો ફુગાવો જોવા મળ્યો હતો. ૪%થી વધુ ફુગાવો ધરાવતી વસ્તુઓની સંખ્યા પણ તાજેતરના મહિનાઓમાં વધી છે. જુલાઈમાં ૧૦૧ વસ્તુઓનો ફુગાવો ૪%થી વધુ હતો, જે જાન્યુઆરીમાં માત્ર ૬૫ વસ્તુઓમાં જ હતો. જોકે, કોર ઇન્ફ્લેશન (જેમાં ખાદ્ય અને ઇંધણનો સમાવેશ થતો નથી) સતત ત્રણ મહિનાથી ૩.૯% પર જળવાઈ રહ્યો છે, જે દર્શાવે છે કે કિંમતોનું દબાણ મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ પૂરતું સીમિત રહ્યું છે. કિંમતી ધાતુઓના ભાવમાં ઘટાડાએ પણ કોર ઇન્ફ્લેશનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરી છે.
સુપરકોર ઇન્ફ્લેશન જેમાં કિંમતી ધાતુઓને પણ બાકાત રાખવામાં આવે છે તે હેડલાઇન સીપીઆઈ અને કોર ઇન્ફ્લેશન બંને કરતાં વધુ ઝડપથી વધ્યો છે. જુલાઈમાં સુપરકોર ઇન્ફ્લેશન જૂનના ૨.૫%થી વધીને ૨.૭% થયો હતો. જોકે તે હજુ સામાન્ય સ્તરે છે, પરંતુ જાન્યુઆરી-માર્ચના સરેરાશ ૨.૧% કરતા ઘણો ઊંચો છે.
RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે કિંમતી ધાતુઓને બાદ કરતાં કોર ફુગાવો નાણાકીય વર્ષના અંત સુધીમાં મુખ્ય કોર ફુગાવા સાથે સુસંગત થવાની ધારણા છે. સેન્ટ્રલ બેંકના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૭માં કોર ઇન્ફ્લેશન સરેરાશ ૪.૩% રહેશે.
ચાર ટકાથી વધુ ફુગાવો ધરાવતી ચીજો
માસ | ચીજની સંખ્યા |
જાન્યુઆરી | ૬૫ |
ફેબુ્રઆરી | ૭૬ |
માર્ચ | ૭૯ |
એપ્રિલ | ૮૪ |
મે | ૯૪ |
જૂન | ૧૦૪ |
જુલાઈ | ૧૦૧ |









