Business Plus

સોના-ચાંદીના ભાવ તૂટતાં પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ કડાકો બોલાયો

By GS Team
28 Jun 20263 mins read
TukuTouch Logo
વૈશ્વિક બજારમાં પ્લેટિનમના ભાવ 3000 ડોલરથી ઘટીને 1600 ડોલરની અંદર આવી ગયા છે, જેથી ખેલાડીઓ સ્તબ્ધ છે. સોના-ચાંદીના ભાવમાં ઉછળકૂદ બાદ, પ્લેટિનમ 7 મહિનાના તળિયે પહોંચ્યું છે. ચાર અઠવાડિયામાં 18-19%નો ઘટાડો નોંધાયો છે. જોકે, ત્રીજા ત્રિમાસિકમાં ભાવ ફરી 2000 ડોલર થવાની શક્યતા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સોના-ચાંદીના ભાવ તૂટતાં પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવમાં પણ કડાકો બોલાયો
  • ઊભી બજારે - દિલીપ શાહ
  • પ્લેટીનમના ભાવ જે ઉંચામાં ઔંશના ૩૦૦૦ ડોલર નજીક પહોંચી ગયા હતા તે તૂટી નીચામાં ૧૬૦૦ ડોલરની અંદર ઉતરી જતાં ખેલાડીઓ સ્તબધ બન્યા

દેશમાં તથા દરીયાપારના ઝવેરીબજારોમાં આ વર્ષે શરૂઆતથી જ કિંમતી ધાતુઓમાં વ્યાપક ઉછળકુદ જોવા મળી છે. સોના તથા ચાંદીના ભાવ ઉંચા ગયા પછી ઝડપથી નીચા આવ્યા હતા તથા આ દરમિયાન પ્લેટીનમ તથા પેલેડીયમ જેવી અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ ખાસ્સી વધઘટ દેખાઈ હોવાનું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. સોના તથા ચાંદીના ભાવ નોંધપાત્ર ઉંચા જતાં બજારના ખેલાડીઓનું ધ્યાન તાજેતરમાં પ્લેટીનમ તરફ વળ્યાના વાવડ પણ મળ્યા હતા.
પ્લેટીનમના ભાવ વિશ્વબજારમાં ૨૦૨૬ના વર્તમાન વર્ષમાં શરૂઆતના મહિનાઓમાં ઉછળી ઉંચામાં ઔંશના ૩૦૦૦ ડોલર નજીક પહોંચી ગયા હતા. જોકે ત્યાર પછીના ગાળામાં પ્લેટીનમના ભાવમાં પ્રત્યાઘાતી ઘટાડાનો દોર પણ જોવા મળ્યો છે. તાજેતરમાં વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ગબડી નીચામાં ભાવ ૧૬૦૦ ડોલરની અંદર ઉતરી ૧૫૮૦થી ૧૫૮૫ ડોલર સુધીના જતા રહ્યાના સમાચાર મળ્યા હતા.
આમ આ વર્ષના ઉંચા ભાવથી ગણતાં પ્લેટીનમના ભાવ અડધા થઈ ગયા છે. ફિઝીકલ બજાર તથા ઈટીએફમાં પ્લેટીનમના નવી માગ ધીમી પડી છે. સોના તથા ચાંદીના ભાવ ઉંચા મથાળેથી તૂટી જતાં તેની ઈમ્પેક્ટ પણ પ્લેટીનમના બજાર ભાવ પર દેખાઈ છે. તાજેતરમાં પ્લેટીનમના ભાવ તૂટી સાત મહિનાના તળીયે ઉતરી ગયા હતા. આ વર્ષે પ્લેટીનમની માગમાં આશરે ૯થી ૧૦ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. પ્લેટીનમના ભાવ તાજેતરમાં ચાર વિકમાં આશરે ૧૮થી ૧૯ ટકા તૂટયા હતા. સોના તથા વૈશ્વિક ભાવ તૂટી ઔંશના ૪૦૦૦ ડોલરની અંદર ઉતરી જતાં તેની અસર પણ ચાંદી, પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ પર દેખાઈ છે. ચાંદીના ભાવ વિશ્વબજારમાં તાજેતરમાં ગબડી ઔંશદીઠ ૬૦ ડોલરની અંદર ઉતરી નીચામાં ભાવ ૫૬.૬૫થી ૫૬.૭૦ ડોલર સુધી ટ્રેડ થતા જોવા મળ્યા હતા. પેલેડીયમના ભાવ તૂટી નીચામાં ૧૨૦૦ ડોલરની અંદર ઉતરી ૧૧૬૫થી ૧૧૭૦ ડોલર સુધી જતા રહ્યા હતા. આની અસર પ્લેટીનમ બજાર પર દેખાઈ હતી. સોનાના ભાવ નીચામાં ૩૯૯૧થી ૩૯૯૨ ડોલર સુધી જોવા મળ્યા હતા.
દરમિયાન, આ વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં પ્લેટીનમ તથા પેલેડીયમના ભાવ નીચા મથાળેથી ફરી ઉંચા જવાની શક્યતા વિશ્વબજારના જાણકારો બતાવી રહ્યા હતા. ૨૦૨૬ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં પ્લેટીનમના ભાવ ફરી વધી ૨૦૦૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ફરી વધી ૧૫૦૦ ડોલરનો આંબી જવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ગબડી તાજેતરમાં ચાર મહિનાના તળીયે ઉતરી જતાં તેની ઈમ્પેક્ટ પણ બુલીયન બજારમાં વૈશ્વિક સ્તરે દેખાઈ હતી. સોનાના ભાવ આ વર્ષે જાન્યુઆરીમાં વધી ઉંચામાં ૫૬૦૦ ડોલર ઉપર જતા રહ્યા હતા તે તાજેતરમાં ગબડી નીચામાં ૪૦૦૦ ડોલરની અંદર ઉતરી ગયા હતા. દરમિયાન, ધી વર્લ્ડ પ્લેટીનમ ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સિલના સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે વૈશ્વિક સ્તરે પ્લેટીમની સપ્લાય ડેફીસીટ આશરે ૨ લાખ ૯૭ હજાર ઔંશ જેટલી રહેવાની શક્યતા છે.
વિશ્વબજારમાં આ વર્ષે પ્લેટીમની સપ્લાયમાં ડેફીસીટ જોવા મળશે જ્યારે સામે પેલેડીયમના સપ્લાયમાં સરપ્લસ જોવા મળશે એવી શક્યતા બેન્ક ઓફ અમેરિકાના સૂત્રોએ બતાવી છે. આગળ ઉપર પ્લેટીમના ભાવ ફરી ૩૦૦૦ ડોલર તથા પેલેડીયમના ભાવ ૨૨૦૦ ડોલર થવાની થવાનો અંદાજ બેન્ક ઓફ અમેરિકા દ્વારા દર્શાવાયો છે. મુંબઈ બજારમાં પ્લેટીમના ભાવ ઘટી ૧૦ ગ્રામના રૂ.૫૬ હજાર બોલાયા હતા.