ઊંચા ફુગાવાને પગલે રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં વધારો થવાની સંભાવના
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ડિસેમ્બર પહેલા રિટેલ ફુગાવો ૬ ટકાને પાર કરી જવાની શકયતા
મુંબઈ : વર્તમાન નાણાં વર્ષમાં રિટેલ ફુગાવો રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની છ ટકાની મહત્તમ મર્યાદાને પાર કરી જવાની શકયતા જોવાઈ રહી છે ત્યારે આરબીઆઈની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી) તેની ઓકટોબર તથા ડિસેમ્બરની બેઠકમાં રેપો રેટમાં એકંદર ૫૦ બેઝિસ પોઈન્ટ (અડધા ટકા)નો વધારો કરશે તેવી એનાલિસ્ટો ધારણાં રાખી રહ્યા છે.
પશ્ચિમ એશિયા યુદ્ધને કારણે ક્રુડ તેલના ભાવ પ્રતિ બેરલ ૧૦૦ ડોલરને પાર કરી ગયા છે એટલું જ નહીં અલ નિનોની અસરને કારણે દેશમાં અનાજ ઉત્પાદન પર અસર પડવાની ચિંતા રહેલી છે. આવી સ્થિતિમાં ફુગાવો વધવાનું નિશ્ચિત જણાઈ રહ્યું છે, એમ જણાવી એક એનાલિસ્ટે એમપીસી ઓકટોબરની બેઠકમાં ૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો કરશે તેવી ધારણાં વ્યકત કરી હતી. ઓકટોબર ઉપરાંત ડિસેમ્બરમાં પણ ૨૫ બેઝિસ પોઈન્ટનો વધારો કરી એકંદર રેપો રેટ ૫.૭૫ ટકા લઈ જશે.
રિટેલ ફુગાવો જે જુલાઈમાં ૪.૫૦ ટકા હતો તે ઓગસ્ટમાં વધી ૪.૮૨ ટકા પહોંચી ગયો છે. કેટલાક ખાદ્ય પદાર્થોના ભાવમાં વધારાને પરિણામે ખાદ્ય પદાર્થનો એકંદર ફુગાવો વધી ૫.૬૬ ટકા પહોંચી ગયો છે.
સપ્ટેમ્બરના પ્રારંભમાં શાકભાજીના ભાવ ઊંચા રહેવાને કારણે પણ ફુગાવાને બળ મળ્યુ છે. તહેવારોની મોસમ પહેલા ડુંગળી, ખાદ્ય તેલ તથા ખાંડના ભાવ ઊંચે ગયા છે.
ખાદ્ય પદાર્થ તથા તેલના ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખતા રિટેલ ફુગાવો ઓકટોબર-નવેમ્બરમાં જ ૬ ટકાને પાર કરી જવાનો અમારો અંદાજ છે એમ એક બેન્કરે જણાવ્યું હતું. ઊંચા ફુગાવાની સ્થિતિમાં રિઝર્વ બેન્ક વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં રેપો રેટમાં કુલ અડધા ટકાનો વધારો કરે તો નવાઈ નહીં એમ તેમણે ઉમેર્યુ હતું.
૨૦૨૭ના પ્રારંભમાં ૬ ટકાની અંદર ચાલી જવા પહેલા રિટેલ ફુગાવો વધી ૬.૫૦ ટકા સુધી જોવા મળશે એમ એસબીઆઈ રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું હતું.
હાલમાં નાણાં વ્યવસ્થામાં લિક્વિડિટી ભરપૂર માત્રામાં છે. લિક્વિડિટીને કારણે ધિરાણ વૃદ્ધિ થવાની પણ શકયતા જોવાઈ રહી છે જે ફુગાવાને વધુ ઈંધણ પૂરુ પાડશે.
એફસીએનઆર ડિપોઝિટ સ્કીમને કારણે નાણાં વ્યવસ્થામાં ૧૨૭ અબજ ડોલરનો ઈન્ફલો થયો છે.




