પાંચ વર્ષ પછી રેપો રેટમાં ઘટાડાની અપેક્ષા, વ્યાજ દરોમાં 0.25% ઘટાડો થવાની વકી

નવી દિલ્હી : બજેટમાં રાજકોષીય શિસ્ત જાળવીને વપરાશ વધારવાના પગલાંની જાહેરાત કર્યા બાદ હવે અર્થતંત્રને વેગ આપવા માટે પગલાં લેવાનો કેન્દ્રીય બેંકનો વારો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ૬ સભ્યોની મોનેટરી પોલિસી કમિટી લગભગ ૫ વર્ષમાં પ્રથમ વખત રેપો રેટમાં ઘટાડો કરી શકે છે. આગામી નાણાકીય નીતિ સમિતિની બેઠકમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થઈ શકે છે.
RBI ૭ ફેબુ્રઆરીએ નાણાકીય સમીક્ષા અંગેના નિર્ણયની જાહેરાત કરશે. મોનેટરી પોલિસી કમિટીએ મે ૨૦૨૨ અને ફેબ્રુઆરી ૨૦૨૩ વચ્ચે રેપો રેટમાં ૨૫૦ બેસિસ પોઈન્ટનો વધારો કર્યા પછી, સતત ૧૧ મીટિંગમાં તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. કોવિડ-૧૯ રોગચાળા દરમિયાન મે ૨૦૨૦માં રેપો રેટમાં છેલ્લે ઘટાડો કરવામાં આવ્યો હતો.
બજેટમાં વિકાસ દરમાં નરમાઈ, ફુગાવામાં ઘટાડાની અપેક્ષા અને રાજકોષીય કાર્યક્ષમતાને કારણે દરમાં ઘટાડો થવાની શક્યતા છે. ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)નો વૃદ્ધિ દર ઘટીને ૫.૪ ટકા થયો હતો, જે સાત ક્વાર્ટરમાં સૌથી નીચો છે.
અર્થશાસ્ત્રીઓએ જણાવ્યું હતું કે, અમે ફેબુ્રઆરીમાં રેપો રેટમાં ૨૫ બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો થવાની અપેક્ષા રાખીએ છીએ કારણ કે ફુગાવો વધવાનું જોખમ ઘટયું છે.
નાણાકીય વર્ષ ૨૦૨૬માં છૂટક ફુગાવો સરેરાશ ૪ ટકા રહી શકે છે. જાન્યુઆરીમાં છૂટક ફુગાવો ૪.૫ ટકાથી નીચે રહી શકે છે. સામાન્ય બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોની તિજોરી પર વધુ અસર નહીં થાય, જે હકારાત્મક છે.
જો કે, આરબીઆઈ ચાલુ નાણાકીય વર્ષ માટે તેની વૃદ્ધિ અને ફુગાવાના અંદાજમાં સુધારો કરે તેવી સંભાવના પર સહભાગીઓ વિભાજિત થયા હતા. ડિસેમ્બરમાં, આરબીઆઈએ ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપી વૃદ્ધિનો અંદાજ અગાઉના ૭.૨ ટકાથી ઘટાડીને ૬.૬ ટકા કર્યો હતો, જ્યારે ફુગાવાનો અંદાજ ૪.૫ ટકાથી વધારીને ૪.૮ ટકા કર્યો હતો.




