અમેરિકાના ડયૂટી લાગુ નહીં કરવાના નિર્ણયથી જ્વેલરી નિકાસકારોને રાહત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

નાતાલ માટે અમેરિકા ખાતેથી મોટા ઓર્ડર મળવાની આશા
મુંબઈ : ભારતના માલસામાન પર ૧૦૦ ટકા ડયૂટી લાગુ કરવાની દરખાસ્તને અમેરિકાએ મોકૂફ રાખતા દેશના જેમ એન્ડ જ્વેલરી નિકાસકારોને અમેરિકા ખાતેથી નવા ઓર્ડરમાં વધારો થવાની આશા જાગી છે.
અમેરિકામાં ફુગાવો વધી જતા ટ્રમ્પે રશિયા પાસેથી ડીઝલ ખરીદવાની જાહેરાત કરી છે એટલું જ નહીં રશિયા પરના પ્રતિબંધો પણ હળવા કર્યા છે.
ટ્રમ્પના આ નિર્ણયથી વર્તમાન નાતાલની મોસમ સારી રહેવાની અપેક્ષા છે એમ જેમ એન્ડ જ્વેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
અમેરિકા તરફથી ટેરિફની ચીમકીઓને કારણે ભારતના જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે અન્ય નિકાસ મથકો તરફ નજર દોડાવવાનું શરૂ કર્યુ હતું જેને પરિણામે જેમ અને જ્વેલરીની નિકાસ વૃદ્ધિ સપ્ટેમ્બરમાં જળવાઈ રહી હતી અને ગત મહિને ડોલરની દ્રષ્ટિએ નિકાસ વાર્ષિક ધોરણે ૯.૪૩ ટકા વધી ૨.૯૫ અબજ ડોલર રહી હતી જ્યારે રૂપિયાની દ્રષ્ટિએ નિકાસ ૧૮.૨૪ ટકા વધી રૂપિયા ૨૮૧૫૭.૫૫ કરોડ રહી હતી એમ કાઉન્સિલ દ્વારા તાજેતરમાં જારી એક નિવેદનમાં જણાવાયું હતું.
વર્તમાન વર્ષના એપ્રિલ-સપ્ટેમ્બરના ગાળામાં જેમ એન્ડ જ્વેલરીની નિકાસ ડોલરની દ્રષ્ટિએ ૩.૦૭ ટકા વધી ૧૪.૩૦ અબજ ડોલર રહી છે જ્યારે રૂપિયાની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ૧૩.૪૦ ટકા વધી રૂપિયા ૧૩૬૦૬૮.૨૭ કરોડ રહી હતી.
અનિશ્ચિત વૈશ્વિક વેપાર વાતાવરણ છતાં, ભારત ખાતેથી જેમ અને જ્વેલરીની નિકાસ વૃદ્ધિ પ્રોત્સાહક રહી હોવાનું નિવેદનમાં જણાવાયું હતું.
ભારત-યુકે વચ્ચે વેપાર કરાર તથા હોંગકોંગ, સિંગાપુર તથા ફ્રાન્સ જેવી મુખ્ય બજારોમાં પણ મજબૂત કામગીરી જોવા મળી છે.નવેમ્બરમાં અમેરિકામાં વચગાળાની ચૂંટણી યોજાવાની છે ત્યાંસુધી ટ્રમ્પ ટેરિફમાં વધારો નહીં કરે તે નિશ્ચિત હોવાથી અમેરિકાના આયાતકારોએ જેમ એન્ડ જ્વેલરીની મોટેપાયે આયાત ઓર્ડર આપવાનું શરૂ કરી દીધું હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું હતું.




