Get The App

એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી

- વેપાર પ્રવૃત્તિ માર્ચમાં ત્રણ મહિનાની નીચી સપાટીએ હતી

- ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો પ્રારંભિક સંયુકત પીએમઆઈ વધી ૫૮ને પાર

Updated: Apr 24th, 2026

GS TEAM

Google News
Google News
એપ્રિલમાં દેશની વેપાર પ્રવૃત્તિમાં જોવાતી રિકવરી 1 - image

મુંબઈ : માર્ચમાં ત્રણ મહિનાની નીચી સપાટીએ રહ્યા બાદ દેશની ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિ વર્તમાન એપ્રિલમાં  મેન્યુફેકચરિંગ સેગમેન્ટની આગેવાનીમાં સુધારા તરફી જોવા મળી રહી છે. ઉત્પાદન તથા વેચાણમાં વધારાને કારણે એકંદર વેપાર પ્રવૃત્તિમાં રિકવરી આવી છે. પશ્ચિમ એશિયાના યુદ્ધને પરિણામે ગયા મહિને વેપાર પ્રવૃત્તિ મંદ પડી હતી.

ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો એપ્રિલ મહિનાનો એચએસબીસી સંયુકત પ્રારંભિક પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ)  વધી ૫૮.૩૦ રહ્યો છે જે માર્ચમાં ૫૭ જોવા મળ્યો હતો.

૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ ગણવામાં આવે છે. 

એસએન્ડપી ગ્લોબલ દ્વારા જે તે મહિનાના અંતિમ સંયુકત પીએમઆઈ જારી કરવાના એક સપ્તાહ પૂર્વે પ્રારંભિક પીએમઆઈ જાહેર કરવામાં આવે છે. અંતિમ પીએમઆઈ માટે હાથ ધરાતા સર્વેમાં ભાગ લેનારામાંથી ૯૦ ટકા સહભાગીઓ પાસેથી માહિતીને આધારે પ્રારંભિક પીએમઆઈ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. 

વર્તમાન મહિનામાં ઉત્પાદન ક્ષેત્રમાં ઉત્પાદન તથા વેચાણ બન્નેમાં વધારો જોવા મળી રહ્યો છે. પીએમઆઈમાં વધારા સાથે ભાવના દબાણમાં પણ વધારો જોવા મળી રહ્યો હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.

ક્ષમતા વિસ્તરણ, માગમાં વધારો તથા ટેકનોલોજી ઈન્વેસ્ટમેન્ટને પરિણામે વેપાર પ્રવૃત્તિ વધવામાં ટેકો મળ્યો હોવાનું સર્વેમાં ભાગ લેનારી કંપનીઓએ જણાવ્યું હતું.

વર્તમાન મહિનામાં માલસામાન પેટેની માગમાં તથા નવા ઓર્ડરમાં વધારો થયો છે. પૂરવઠા બાજુના આંચકા કેટલા લાંબા ચાલશે તે બાબતે પ્રવર્તતી અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખી કંપનીઓ બફર સ્ટોકસ ઊભી કરી રહી હોવાનું પણ સર્વેમાં જણાયું છે.

એપ્રિલમાં ઉત્પાદન ક્ષેત્રનો પ્રારંભિક પીએમઆઈ ૫૫.૯૦ અને સેવા ક્ષેત્રનો ૫૭.૯૦ જોવા મળ્યો છે. સેવા ક્ષેત્રની સરખામણીએ ઉત્પાદન ક્ષેત્રને ઓર્ડર મળવાની માત્રા ઊંચી રહી છે. 

નિકાસ મોરચે માલસામાનની નિકાસ ઓર્ડર નવ મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યા છે જ્યારે સેવા ક્ષેત્રમાં ઓર્ડરની ગતિમાં એક વર્ષનો ધીમો વધારો થયો છે.  ઉત્પાદન તથા સેવા ક્ષેત્રના સંયુકત નિકાસ ઓર્ડરમાં માર્ચની સરખામણીએ એપ્રિલમાં નબળો વધારો થયો છે.