Business

જાન્યુઆરીમા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં રિકવરી: પીએમઆઈ વધી 55ને પાર

By GS TEAM
3 Feb 20261 min read
જાન્યુઆરીમા ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં રિકવરી: પીએમઆઈ વધી 55ને પાર

મુંબઈ : સમાપ્ત થયેલા જાન્યુઆરી મહિનામાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં રિકવરી જોવા મળી હતી. ડિસેમ્બરમાં ઘટી બે વર્ષની સપાટીએ પહોંચ્યા બાદ ઉત્પાદન ક્ષેત્રનો પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) જાન્યુઆરીમાં સાધારણ વધી ૫૫.૪૦ રહ્યો હતો. 

નવા ઓર્ડરો, ઉત્પાદન તથા કર્મચારીઓની ભરતીમાં ગયા મહિને વધારો જોવા મળ્યો હોવાનું એસએન્ડપી ગ્લોબલ  દ્વારા એકત્રિત કરાયેલા ડેટામાં જણાવાયું હતું. જો કે પીએમઆઈ હજુપણ ૫૦ની ઉપર છે જે ઉત્પાદન ક્ષેત્રનું વિસ્તરણ થયાનું સૂચવે છે. 

ઉત્પાદન પ્રવૃત્તિમાં વધારો થતા માલસામાનના ઉત્પાદકોએ નવી ભરતી કરવાની ફરજ પડી હતી. રોજગાર નિર્માણની માત્રા ત્રણ મહિનાની ટોચે રહી હતી એમ એસએન્ડપી ગ્લોબલ દ્વારા તૈયાર કરાયેલા એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પીએમઆઈના સર્વે રિપોર્ટમાં  જણાવાયું હતું.

કાચા માલના ભાવમાં સાધારણ વધારો થયો હતો જ્યારે પ્રોડકટસની કિંમતમાં વૃદ્ધિની ગતિ ધીમી પડી હતી જેને કારણે ઉત્પાદકો માટે માર્જિન દબાણ સાધારણ વધ્યું હતું એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

ઉત્પાદન ક્ષેત્રમાં ઉપભોગના માલસામાન સેગમેન્ટ મજબૂત સેગમેન્ટ તરીકે જોવા મળ્યું હતું, જ્યારે કેપિટલ ગુડસમાં કામકાજની સ્થિતિમાં સુધાર અત્યારસુધીનો ધીમો રહ્યો હતો એમ સર્વે રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.

નવા નિકાસ વેપારની વૃદ્ધિની ગતિ ૧૫ મહિનાની નીચી સપાટીએ રહી હતી.  નવા ઓર્ડરમાં ઝડપી વધારો થવા છતા, બિઝનેસ કોન્ફિડેન્સ સ્થિર રહ્યો હતો અને ભાવિ આઉટપુટ માટેની અપેક્ષા ઘટી જુલાઈ, ૨૦૨૨ બાદની નીચી સપાટીએ પહોંચી હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.