712 પોઈન્ટના કડાકા બાદ રિકવરી : સેન્સેક્સ અંતે 50 પોઈન્ટ ઘટયો

બજારમાં મોટી ખાનાખરાબીના એંધાણ..! સ્મોલ, મિડ કેપ ફંડોમાં મોટું રિડમ્પશન
મુંબઈ : અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦, જાન્યુઆરીના સત્તાનું સુકાન સંભાળે એ પૂર્વે તેમના કેનેડાને અમેરિકાનું ૫૧મું રાજ્ય બનાવવાના અને હમાસને ૨૦, જાન્યુઆરી સુધીમાં બંધકોને મુક્ત કરવા અલ્ટિમેટમ વચ્ચે ફરી વૈશ્વિક ટેન્શન વધવાના ફફડાટ અને બીજી તરફ એચએમપીવી વાઈરસનો હાઉ ફેલાવી મંદીવાળાઓ બજાર પર હાવી થવાના પ્રયાસમાં સફળ રહ્યા બાદ આજે ભારતીય શેર બજારોમાં અસાધારણ વોલેટીલિટી જોવાઈ હતી. તેજી અને મંદીવાળા આમને સામને આવી ગયા હોય એમ આજે આરંભમાં સાર્વત્રિક ગાબડાં પાડયા બાદ ઘટાડે તેજીવાળાઓએ બજારને ઉંચકાવ્યું હતું. અલબત મોટી ખાનાખરાબીના એંધાણ મળી રહ્યા છે. મ્યુચ્યુઅલ ફંડોની કથળતી કામગીરી, રોકાણકારોને મળતું વળતર નેગેટીવ થવા લાગતાં ખાસ સ્મોલ, મિડ કેપ ફંડોમાં મોટાપાયે રિડમ્પશન દબાણ તોળાઈ રહ્યું હોઈ આગામી દિવસોમાં વધુ મોટા ધોવાણની શકયતા બતાવાઈ રહી હતી. ફોરેન ફંડોની શેરોમાં સતત વેચવાલી રહી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી ધીમી પડી હતી.
નાસ્દામાં પાછળ ધોવાણે સેન્સેક્સ ૭૧૨ પોઈન્ટ તૂટયા બાદ ટીસીએસ, રિલાયન્સ પાછળ રિકવર થયા
અમેરિકી શેર બજારોમાં નાસ્દાકમાં ગઈકાલે ૩૭૫ પોઈન્ટનો કડાકો બોલાઈ જતાં આઈટી શેરોમાં ભારતમાં મોટું ધોવાણ ચાલુ રહ્યું હતું. આ સાથે બેંકિંગ, કેપિટલ ગુડઝ-પાવર, સિમેન્ટ શેરોમાં ઓફલોડિંગે સેન્સેક્સ આરંભમાં એક તબક્કે ૭૧૨.૩૨ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૭૪૮૬.૭૯ સપાટી સુધી આવી પાછો ફરી ટીસીએસમાં લેવાલી સાથે રિલાયન્સ, આઈટીસી, એચસીએળ ટેકનોલોજી, મારૂતીની આગેવાની રિકવર થઈ અફડાતફડીમાં ઉપરમાં ૭૮૩૨૧૯.૪૫ સુધી જઈ અંતે ૫૦.૬૨ પોઈન્ટ ઘટીને ૭૮૧૪૮.૪૯ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ૨૧૧.૭૫ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૩૪૯૬.૧૫ સુધી આવી પાછો ફરી ઉપરમાં ૨૩૭૫૧.૮૫ સુધી જઈ અંતે ૧૮.૯૫ પોઈન્ટ ઘટીને ૨૩૬૮૮.૯૫ બંધ રહ્યો હતો.
ટીસીએસ રૂ.૭૯ ઉછળીને રૂ.૪૧૦૭ : રિલાયન્સ રૂ.૨૪ વધીને રૂ.૧૨૬૫ : આઈટીસી રૂ.૮ વધ્યો
સેન્સેક્સને ઘટયામથાળેથી ઝડપી રિકવરી આપનાર શેરોમાં ટીસીએસ ત્રિમાસિક પરિણામ આવતીકાલે ૯, જાન્યુઆરીના જાહેર થતાં પૂર્વે આવકમાં ૬.૪ ટકા વૃદ્વિની અપેક્ષાએ રૂ.૭૯.૩૦ વધીને રૂ.૪૧૦૭.૫૦ રહ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત ફંડોના વેલ્યુબાઈંગે રૂ.૨૩.૮૦ વધીને રૂ.૧૨૬૪.૭૦, આઈટીસી લિમિટેડ રૂ.૮.૪૦ વધીને રૂ.૪૪૯.૫૦, એશીયન પેઈન્ટસ રૂ.૪૧.૩૦ વધીને રૂ.૨૩૩૪.૪૦, એચસીએલ ટેકનોલોજી રૂ.૧૫.૮૫ વધીને રૂ.૧૯૩૦.૭૦, મારૂતી સુઝુકી રૂ.૮૯.૭૫ વધીને રૂ.૧૧,૮૧૮.૦૫, ભારતી એરટેલ રૂ.૧૧.૫૦ વધીને રૂ.૧૬૦૨.૫૦, એક્સિસ બેંક રૂ.૭.૪૦ વધીને રૂ.૧૦૭૫ રહ્યા હતા.
કેપિટલ ગુડઝ ૯૦૨ પોઈન્ટ તૂટયો : કેયન્સ રૂ.૨૭૮, સીજી પાવર રૂ.૨૪, સિમેન્સ રૂ.૧૮૦ તૂટયા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફંડોએ મોટું હેમરિંગ કરતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૯૦૨.૨૦ પોઈન્ટ તૂટીને ૬૬૩૭૫.૩૧ બંધ રહ્યો હતો. કેયન્સ રૂ.૨૭૭.૬૫ તૂટીને રૂ.૬૯૬૪, સીજી પાવર રૂ.૨૩.૭૦ તૂટીને રૂ.૬૯૩.૮૦, થર્મેક્સ રૂ.૧૨૩.૬૦ તૂટીને રૂ.૩૯૮૦.૩૫, સિમેન્સ રૂ.૧૮૦.૪૫ તૂટીને રૂ.૬૨૯૩, આઈનોક્સ વિન્ડ રૂ.૪.૧૦ ઘટીને રૂ.૧૬૮.૯૫, પાવર ઈન્ડિયા રૂ.૩૨૭.૫૦ ઘટીને રૂ.૧૪,૩૯૫, ફિનોલેક્ષ કેબલ્સ રૂ.૨૨.૭૦ ઘટીને રૂ.૧૦૯૭.૪૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૨૬ ઘટીને રૂ.૧૨૪૬.૩૦ રહ્યા હતા.
કન્ઝયુમર ઈન્ડેક્સ ૧૨૧૫ પોઈન્ટ તૂટયો : ડિક્સન ટેકનો રૂ.૧૫૪૩ તૂટયો : વ્હર્લપુલ, બ્લુ સ્ટાર ઘટયા
કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ મોટાપાયે વેચવાલી કરતાં બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૨૧૫.૩૪ પોઈન્ટ તૂટીને ૬૪૧૧૯.૪૭ બંધ રહ્યો હતો. ડિક્સન ટેકનોલોજી રૂ.૧૫૪૨.૮૦ તૂટીને રૂ.૧૬,૯૦૬.૫૫, વ્હર્લપુલ ઓફ ઈન્ડિયા રૂ.૫૨.૧૦ તૂટીને રૂ.૧૭૦૭, બ્લુ સ્ટાર રૂ.૪૮.૩૦ ઘટીને રૂ.૨૧૦૬.૮૦, કલ્યાણ જવેલર્સ રૂ.૧૬ ઘટીને રૂ.૭૦૬.૫૫, વોલ્ટાસ રૂ.૧૯.૯૦ ઘટીને રૂ.૧૭૫૮.૩૫, ટાઈટન રૂ.૨૩.૪૫ ઘટીને રૂ.૩૪૮૪.૯૦ રહ્યા હતા.
આઈટી શેરોમાં ઘટયા બાદ મજબૂત રિકવરી : ઝેનસાર, એલટીઆઈ માઈન્ડટ્રી, એચસીએલ વધ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં ગઈકાલે અમેરિકાના શેર બજાર નાસ્દાકમાં કડાકા પાછળ આરંભિક વેચવાલી થઈ હતી. જે ઘટયામથાળે ફંડોની કંપની પરિણામોની અપેક્ષાએ રિકવરી જોવાઈ હતી. ટીસીએસ વધી આવ્યા સાથે ઝેનસાર ટેકનોલોજી રૂ.૧૬.૨૫ વધીને રૂ.૭૮૯.૧૦, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૦૪.૨૦ વધીને રૂ.૫૮૫૯.૧૦, વિપ્રો રૂ.૫.૬૦ વધીને રૂ.૪૩૯.૭૦, એલ એન્ડ ટી ટેકનો રૂ.૩૯.૬૦ વધીને રૂ.૪૯૧૫, ટાટા ટેકનોલોજી રૂ.૪.૭૫ વધીને રૂ.૮૮૬.૬૦, તાન્લા રૂ.૨.૩૫ વધીને રૂ.૭૦૧.૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૧૪૪.૫૮ પોઈન્ટ વધીને ૪૩૪૭૨.૨૭ બંધ રહ્યો હતો.
ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૧૭ વધ્યો : ઓએનજીસી રૂ.૮ વધી રૂ.૨૭૧ : ઓઈલ ઈન્ડિયા રૂ.૧૮ વધી રૂ.૪૯૧
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં સતત બીજા દિવસે ખરીદીએ ભાવ વધતાં અને અન્ય શેરોમાં આકર્ષણે બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૧૬.૭૫ પોઈન્ટ વધીને ૨૬૭૭૨.૬૫ બંધ રહ્યો હતો.ઓઈલ ઈન્ડિયા રૂ.૧૭.૭૦ વધીને રૂ.૪૯૧.૫૫, ઓએનજીસી રૂ.૭.૭૫ વધીને રૂ.૨૭૧.૨૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૪.૩૦ વધીને રૂ.૧૯૦.૫૫, એચપીસીએલ રૂ.૪.૭૦ વધીને રૂ.૩૯૧.૧૦, બીપીસીએલ રૂ.૩.૩૦ વધીને રૂ.૨૮૬.૦૫ રહ્યા હતા.
આઈટીસીની આગેવાનીએ એફમસીજી શેરોમાં આકર્ષણ : પરાગ મિલ્ક, એન્ડ્રયુ યુલે, ડાબરમાં તેજી
આઈટીસીની આગેવાનીએ ફંડોની આજે ફંડોની એફએમસીજી શેરોમાં પસંદગીની લેવાલી રહી હતી. એન્ડ્રયુ યુલે રૂ.૨.૪૫ વધીને રૂ.૪૧.૧૮, કોલગેટ પામોલીવ રૂ.૪૪.૪૦ વધીને રૂ.૨૭૯૧.૧૫, પરાગ મિલ્ક રૂ.૨.૩૦ વધીને રૂ.૧૮૪, ડાબર ઈન્ડિયા રૂ.૪.૫૫ વધીને રૂ.૫૧૩.૭૦, ટાટા કન્ઝયુમર રૂ.૫.૬૫ વધીને રૂ.૯૬૧.૦૫, બ્રિટાનીયા રૂ.૧૭.૯૦ વધીને રૂ.૪૮૫૫.૦૫, મનોરમા રૂ.૨૮.૩૦ વધીને રૂ.૧૦૪૯ રહ્યા હતા.
સેન્સેક્સ, નિફટી આંચકા બાદ રિકવરીથી વિપરીત સ્મોલ, મિડ કેપ શેરો તૂટયા : ૨૫૮૬ શેરો નેગેટીવ
સેન્સેક્સ, નિફટી બેઝડ આરંભિક કડાકા બાદ ઘટાડો પચાવ્યા છતાં આજે સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી વ્યાપક ગાબડાં પડતાં માર્કેટબ્રેડથ ખરાબ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૦૬૬ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા માત્ર ૧૩૮૬ અને ઘટનારની સંખ્યા ૨૫૮૬ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૧૬ લાખ કરોડ ઘટીને રૂ.૪૩૯.૫૯ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીના કડાકા સાથે અનેક શેરોમાં હેમરિંગે ભાવો પત્તાના મહેલની માફક તૂટવાના પરિણામે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૨.૧૬ લાખ કરોડ ધોવાઈ જઈને રૂ.૪૩૯.૫૯ લાખ કરોડ રહ્યું હતું.
FPIs/FIIની કેશમાં રૂ.૩૩૬૨ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૭૧૬ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે બુધવારે કેશમાં રૂ.૩૩૬૨.૧૮ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૯૯૪૪.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૩,૩૦૬.૩૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૭૧૬.૨૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૪,૨૫૧.૫૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૫૩૫.૨૨ કરોડની વેચવાલી થઈ હતી.




