Business

ઈક્વિટી ફંડોમાં રૂ.34,697 કરોડનો રેકોર્ડ રોકાણ પ્રવાહ

By GS Team
11 Jun 20242 mins read
This article was originally published on 11 Jun 2024
ઈક્વિટી  ફંડોમાં  રૂ.34,697 કરોડનો  રેકોર્ડ રોકાણ પ્રવાહ

મુંબઈ : ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં મે ૨૦૨૪ મહિનામાં રોકાણકારોનો રોકાણ પ્રવાહ ૮૩.૪૨ ટકા વધીને રેકોર્ડ રૂ.૩૪,૬૯૭ કરોડ નોંધાયો હોવાનું એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના આજે જાહેર થયેલા આંકડામાં જાહેર કરાયું છે. ઓપન એન્ડેડ ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ મે મહિનામાં સતત ૩૯માં મહિને પોઝિટીવ જળવાયો છે.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં પ્રથમ વખત મે ૨૦૨૪ મહિનામાં નેટ રોકાણ પ્રવાહ રૂ.૩૦,૦૦૦ કરોડથી વધુ નોંધાયો છે, અગાઉ આ રેકોર્ડ માર્ચ ૨૦૨૨માં રૂ.૨૮,૪૬૩ કરોડનો હતો. સેકટરલ અને થીમેટિક ફંડોમાં રોકાણમાં વેગ થકી ઓપન એન્ડેડ ઈક્વિટી ફંડોમાં ચોખ્ખું રોકાણ તીવ્ર વધ્યું છે. જે મે મહિનામાં રૂ.૧૯,૨૧૩.૪૩ કરોડ થયું છે. ઉલ્લેખનીય છે કે, એચડીએફસી મેન્યુફેકચરીંગ ફંડ મે મહિનામાં રજૂ થવા સાથે આ નવી ફંડ ઓફરમાં રૂ.૯૫૬૩ કરોડનો રોકાણ પ્રવાહ નોંધાયો છે.

એમ્ફીના ચીફ એક્ઝિક્યુટીવ વેંકટ ચેલાસાનીએ જણાવ્યું હતું કે, રાજકીય સ્થિરાતાને કારણે આર્થિક વૃદ્વિ જળવાઈ રહેવાના સર્જાયેલા માહોલને લઈરોકાણ આકર્ષણ અને લાંબાગાળાના રોકાણનો ઉત્સાહ જોવાયો છે. વર્ષ ૨૦૨૪માં વૈશ્વિક વૃદ્વિની ગતિ જળવાઈ છે અને આગળ પણ જળવાઈ રહેવાની શકયતા છે. 

સ્મોલ કેપ ફંડોમાં મે મહિનામાં રૂ.૨૭૨૪.૬૭ કરોડ અને મિડ કેપ ફંડોમાં રૂ.૨૬૦૫.૭૦ કરોડના મજબૂત રોકાણ થકી આકર્ષણ જોવાયું છે. લાર્જ કેપ ફંડોમાં રોકાણકારોનું આકર્ષણ એકંદર નબળું  રહી મે ૨૦૨૪ મહિનામાં રૂ.૬૬૩.૦૯ કરોડનું રોકાણ નોંધાયું છે.

સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન્સ (એસઆીપી) થકી રોકાણ એપ્રિલ ૨૦૨૪ના રૂ.૨૦,૩૭૧ કરોડની તુલનાએ મે ૨૦૨૪માં રૂ.૨૦,૯૦૪ કરોડ રહ્યું છે. એસઆઈપીઝ થકી માસિક રોકાણ પ્રથમ વખત એપ્રિલ ૨૦૨૪માં રૂ.૨૦,૦૦૦ કરોડનો આંક પાર કરી ગયું હતું. નવી એસઆઈપીઝ સંખ્યામાં મે મહિનામાં ૪૯,૭૪,૪૦૦ નોંધાઈ છે, જ્યારે એસઆઈપી એયુએમ એપ્રિલ ૨૦૨૪ના રૂ.૧૧.૨૬ લાખ કરોડની તુલનાએ મે ૨૦૨૪માં સૌથી વધુ રૂ.૧૧.૫૩ લાખ કરોડ નોંધાયું છે.

ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણ પ્રવાહ એપ્રિલ ૨૦૨૪માં ૧૬.૪૨ ટકા વધીને રૂ.૧૮,૯૧૭.૦૮ કરોડ નોંધાયો હતો. ફિકસ્ડ ઈન્કમ કેટેગરીમાં ચોખ્ખું રોકાણ ૭૭.૭૩ ટકા વધીને રૂ.૪૨,૨૯૪.૯૯ કરોડ નોંધાયું છે. લિક્વિડ ફંડ કેટેગરીમાં મજબૂત રોકાણ પ્રવાહ રૂ.૨૫,૮૭૩.૩૮ કરોડ નોંધાયો છે.

જ્યારે મની માર્કેટ ફંડમાં રૂ.૮૨૭૧.૭૫ કરોડ નોંધાયો છે. હાઈબ્રિડ ફંડ કેટગરીમાં રૂ.૧૭,૯૯૦.૬૭ કરોડ રોકાણ નોંધાયું છે. અન્ય સ્કિમોમાં ઈન્ડેક્સ ફંડોમાં ચોખ્ખું રોકાણ રૂ.૪૪૯૦.૩૫ કરોડ અને ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડો(ઈટીએફ)માં રૂ.૮૨૭.૪૩ કરોડ ચોખ્ખું રોકાણ નોંધાયું છે.

મ્યુચ્યુઅલ ફંડોના એક્ત્રિત વહીવટ હેઠળની અસ્કયામતો (એયુએમ) ઓપન એન્ડેડ અને ક્લોઝ્ડ એન્ડેડ ફંડો સહિત એપ્રિલ ૨૦૨૪ના રૂ.૫૭.૨૬  લાખ કરોડની તુલનાએ વધીને મે ૨૦૨૪ના અંતે રૂ.૫૮.૯૧ લાખ કરોડ પહોંચી છે.