Business

તમારી લોન મોંઘી થઈ ગઈ, RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે

By GS Team
7 Oct 20263 mins read
TukuTouch Logo
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ રેપો રેટમાં 0.25% નો વધારો કર્યો છે. હવે નવો રેપો રેટ 5.50% થયો છે. ઊંચા ફુગાવા અને રૂપિયાની નબળાઈ જેવા કારણોસર આ નિર્ણય લેવાયો છે. આશરે સાડા ત્રણ વર્ષ બાદ વ્યાજદરમાં વધારો થયો છે. તમારા હોમ લોનના EMI વધી શકે છે, જ્યારે FD પર વધુ વળતર મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

તમારી લોન મોંઘી થઈ ગઈ, RBIએ રેપો રેટ 0.25 ટકા વધાર્યો, દર મહિનાના EMI પણ વધી જશે

RBI REPO RATE : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ની મોનિટરી પોલિસી કમિટી (એમપીસી) ત્રણ દિવસની બેઠકના અંતે રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કરી દીધો છે. ઊંચા ફુગાવા, રૂપિયામાં નબળાઈ, ઊંચા વૈશ્વિક બોન્ડ યીલ્ડસ તથા ક્રુડ ઓઈલના ભાવમાં ફરી ઉછાળાને ધ્યાનમાં રાખી લગભગ સાડા ત્રણ વર્ષના ગાળા બાદ વ્યાજ દરમાં પહેલી જ વખત વધારો જોવા મળ્યો છે. આરબીઆઈના રેપો રેટમાં 0.25% ના વધારા સાથે નવો રેપો રેટ 5.25% થી વધીને 5.50% પર પહોંચી ગયો છે. તેની સીધી અસર તમારા હોમ લોનની ઈએમઆઈ અને એફડીના રિટર્ન પર થવાની છે. તમારા ઈએમઆઈ વધી શકે છે. ઉલ્લેખનીય છે કે અગાઉની ત્રણ બેઠકમાં રેપો રેટ યથાવત્ રાખવામાં આવ્યો હતો.

આ સાથે SDF રેટ (સ્ટેન્ડિંગ ડિપોઝિટ ફેસિલિટી) પણ 5.25% પર પહોંચી ગયો છે. જ્યારે MSF રેટ (માર્જિનલ સ્ટેન્ડિંગ ફેસિલિટી રેટ) પણ વધીને 5.75% પર પહોંચાડી દેવાયો છે. ઊંચા ફુગાવાને પરિણામે એશિયાના વિવિધ દેશોએ પણ તાજેતરમાં વ્યાજ દરમાં વધારો કર્યો છે. વ્યાજ દરમાં વધારો કરીને એમપીસી ન્યુટ્રલ પોલિસિ સ્ટાન્સ જાળવી રાખી નજીકના ભવિષ્યમાં પણ રેપો રેટમાં વધારો કરવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. એમપીસીની ઓગસ્ટની બેઠક બાદ ફુગાવામાં વધુ વધારો થયો છે અને ક્રુડ ઓઈલના ભાવ પણ બેરલ દીઠ ફરી 100 ડોલર નજીક પહોંચી ગયા છે. રિઝર્વ બેન્કે ફેબ્રુઆરી 2023માં રેપો રેટ 0.25 ટકા વધારી 6.50 ટકા કર્યો હતો અને ત્યાર બાદ તેમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં ફુગાવો હાલમાં પાંચ ટકાની નજીક છે અને ટૂંક સમયમાં રિઝર્વ બેન્કની છ ટકાની મહત્તમ રેન્જ સુધી પહોંચી જવા સંભવ છે.

રિઝર્વ બેંકના વલણમાં બદલાવનો અર્થ શું? : ગવર્નર સંજય મલ્હોત્રાનો ખુલાસો

'આરબીઆઈ (RBI) દ્વારા ઓક્ટોબરમાં કરવામાં આવેલો રેટ હાઇક એ વાતની સ્પષ્ટ સાક્ષી પૂરે છે કે ચક્રીય મોંઘવારી (Cyclical Inflation) ના જોખમો હવે સામાન્ય નથી રહ્યા. વલણમાં ફેરફાર (Change in Stance) એ પણ દર્શાવે છે કે આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી (MPC) નો ઈરાદો સખત (Hawkish Intent) છે.' ઊંચા તેલના ભાવો, વૈશ્વિક સ્તરે કડક પરિસ્થિતિઓ અને પ્રતિકૂળ હવામાનને કારણે ખાદ્ય ફુગાવા પર તોળાતા જોખમોની પૃષ્ઠભૂમિમાં, નીતિઘડવૈયાઓએ જોખમો વધુ ઊંડા ઉતરે તે પહેલાં મોંઘવારી અંગેની વિશ્વસનીયતાને મજબૂત કરવાનું પસંદ કર્યું છે." રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ એ વાતની પણ જાહેરાત કરી છે કે એમપીસી (MPC) નું નીતિગત વલણ હવે તટસ્થ (Neutral) થી ખસીને 'કેલિબ્રેટેડ ટાઈટનિંગ' (મપાયેલું અને કડક વલણ) તરફ શિફ્ટ થઈ ગયું છે.'

  • સંજય મલ્હોત્રા, ગવર્નર, આરબીઆઈ

આરબીઆઈના આ નિર્ણય સાથે હોમ લોન, કાર લોન લેનારા ગ્રાહકોના ઈએમઆઈ વધી શકે છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ તેમના સંબોધનમાં વેસ્ટ એશિયાના સંઘર્ષ, ક્રૂડ ઓઈલની કિંમતમાં વધારાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે ગ્લોબલ સ્તરે મોંઘવારી વધવા, એનર્જીની કિંમતો મોંઘી થવા અને ખાણી-પીણી વસ્તુઓના ભાવ પણ વધવા સામે ચિંતા વ્યક્ત કરી હતી.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ વ્યાજદરો (રેપો રેટ) માં વધારો કરવાની સાથે નાણાકીય વર્ષ 2026-27 (FY27) માટે મોંઘવારી દરના અંદાજમાં પણ વધારો કર્યો છે. રિઝર્વ બેંકે કોર ફુગાવાનો અંદાજ અગાઉના 4.3% થી વધારીને 4.4% કર્યો છે. આ સિવાય કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) આધારિત મોંઘવારીનો અંદાજ પણ 5% થી વધારીને 5.2% કરવામાં આવ્યો છે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ આ વધારા પાછળ રબી સિઝન પર નબળા ચોમાસા અને 'અલ નીનો' ના ખરાબ પ્રભાવને જવાબદાર ગણાવ્યો છે.

દેશનો આર્થિક વિકાસ દર ઝડપી રહેશે: જીડીપી ગ્રોથનો અંદાજ વધારી 7.1% કરાયો
ફુગાવાના દરમાં વધારાની સાથે જ આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ દેશના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ના વિકાસ દર અંગે પણ પ્રોત્સાહક અંદાજો જાહેર કર્યા છે. કેન્દ્રીય બેંકે નાણાકીય વર્ષ 2026-27 માટે રિયલ જીડીપી ગ્રોથનો અંદાજ 6.7% થી વધારીને 7.1% કરી દીધો છે.

બીજા ત્રિમાસિક ગાળા (Q2) માટે: જીડીપી અંદાજ 6.4% થી વધારીને 7.2% કરાયો.

ત્રીજા ત્રિમાસિક ગાળા (Q3) માટે: જીડીપી અંદાજ 6.5% થી વધારીને 6.9% કરાયો.

ચોથા ત્રિમાસિક ગાળા (Q4) માટે: જીડીપી ગ્રોથનો અંદાજ 6.8% પર યથાવત રખાયો છે.