રતન ટાટાના મિત્ર શાંતનુ નાયડુને મળી મોટી જવાબદારી, ખુદ ફોટો શેર કરીને લખી ઈમોશનલ પોસ્ટ
Shantanu Naidu : દિવંગત રતન ટાટાના સૌથી યુવા સહયોગી શાંતનુ નાયડુને ટાટા મોટર્સમાં મોટી જવાબદારી મળી છે. શાંતનુને ટાટા મોટર્સમાં જનરલ મેનેજર અને સ્ટ્રેટેજિક ઇનિશિએટિવ્સનો પ્રમુખ બનાવવામાં આવ્યો છે. શાંતનુએ પોતે લિંક્ડઇન પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી છે અને ખુશી વ્યક્ત કરી છે.
શું બોલ્યો શાંતનુ?
શાંતનુએ લિંક્ડઇન પર પોસ્ટ કરી લખ્યું કે, 'મને આ વાત જણાવતા ખૂબ જ આનંદ થઇ રહ્યો છે કે હું ટાટા મોટર્સમાં જનરલ મેનેજર અને સ્ટ્રેટેજિક ઇનિશિએટિવ્સ તરીકે મારી સફર શરૂ કરી રહ્યો છું. મને યાદ છે કે જ્યારે મારા પિતા ટાટા મોટર્સના પ્લાન્ટમાંથી સફેદ શર્ટ અને નેવી પેન્ટ પહેરીને ઘરે પાછા ફરતા અને હું બારી પાસે તેમની રાહ જોતો. હવે આ સર્કલ પૂર્ણ થઇ ગયું છે.'
કોણ છે શાંતનુ નાયડુ?
32 વર્ષીય શાંતનુ નાયડુ મુંબઈનો રહેવાસી છે અને તેણે કોર્નેલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. તેનો જન્મ 1993માં પુણેમાં થયો હતો. તે એક પ્રખ્યાત ભારતીય ઉદ્યોગપતિ, એન્જિનિયર, જુનિયર આસિસ્ટન્ટ, ડીજીએમ, સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને લેખક છે. શાંતનુએ રતન ટાટાને ખૂબ પ્રભાવિત કર્યા હતા. શાંતનુ નાયડુ ટાટા ટ્રસ્ટનો ડેપ્યુટી જનરલ મેનેજર પણ હતો.
રતન ટાટાને 2014માં મળ્યો
શાંતનુ વર્ષ 2014માં રતન ટાટાને પહેલી વાર મળ્યો હતો. હકીકતમાં, તે સમયે નાયડુએ રખડતા કૂતરાઓને રાત્રિના સમયે થતાં ટ્રાફિક અકસ્માતોથી બચાવવા માટે પ્રતિબિંબિત કોલર વિકસાવ્યા હતા. જે પછી પ્રાણીપ્રેમી રતન ટાટાના શાંતનુની કામગીરીથી પ્રભાવિત થયા હતા. ત્યારબાદ રતન ટાટાએ નાયડુને પોતાની ટીમમાં સામેલ કર્યો. છેલ્લા 10 વર્ષમાં શાંતનુ રતન ટાટાના નજીકનો અને વિશ્વાસુ મિત્ર બન્યો હતો.
આ પણ વાંચોઃ પોતાના નહીં, ઘરના વડીલના નામે કરાવો FD, વ્યાજ પર મળશે બમણી કમાણી કરવાની તક
શાંતનુએ શરૂ કરેલા સ્ટાર્ટઅપ્સ
શાંતનુ નાયડુએ સપ્ટેમ્બર 2022માં 'ગુડફેલો' નામે સ્ટાર્ટઅપ શરૂ કર્યો હતો. આ સ્ટાર્ટઅપ ભારતમાં એકલા રહેતા વૃદ્ધ લોકોની મદદ કરે છે. પ્રાણીપ્રેમ અને સમાજ સેવાનો જુસ્સો ધરાવતા શાંતનુએ 'મોટોપોવ્સ' નામની સંસ્થા બનાવી છે, જે શેરીઓમાં રખડતા કૂતરાઓને મદદ કરે છે. નાયડુના નેતૃત્વ હેઠળ, 'મોટોપોવ્સ' 17 શહેરોમાં વિસ્તર્યો અને 250 કર્મચારીઓને રોજગારી આપી છે. આ ઉપરાંત શાંતનુ નાયડુ વિવિધ સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવા માટે રતન ટાટાને બિઝનેસ ટિપ્સ પણ આપતો હતો.