Business

મૂડીબજારના UPI વ્યવહારો પર રૂ.પાંચ નિશ્ચિત MDR લાવવા માટે દરખાસ્ત

By GS Team
20 Sep 20262 mins read
TukuTouch Logo
મુંબઈ: શેરબજારના વ્યવહારો માટે UPI દ્વારા થતી ચૂકવણી પર MDR (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) માં મોટા ફેરફારની દરખાસ્ત કરાઈ છે. હાલના 0.02% MDR, જે રૂ.300 સુધી મર્યાદિત છે, તેની જગ્યાએ હવે દરેક પાત્ર વ્યવહાર પર આશરે રૂ.5નો ફ્લેટ ચાર્જ લાગી શકે છે. બ્રોકરોની ચિંતાને પગલે આ વિકલ્પ વિચારણા હેઠળ છે. સેબી, કેન્દ્ર સરકાર અને RBIની મંજૂરી બાદ જ આ નિયમ અમલમાં આવશે.

Summarized by AI; it may make mistakes. Check important info

મૂડીબજારના UPI વ્યવહારો પર રૂ.પાંચ નિશ્ચિત MDR લાવવા માટે દરખાસ્ત

હાલના ૦.૦૨ ટકાની જગ્યાએ લગભગ રૂ.૫ નિશ્ચિત ચાર્જ લાવવાની ચર્ચા
મુંબઈ : શેર બજાર અને અન્ય મૂડી બજાર સંબંધિત વ્યવહારો-સોદા માટે યુપીઆઈ મારફતે કરવામાં આવતી ચૂકવણી પર લાગતા મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર)માં ફેરફાર લાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. આ અંતર્ગત હાલના ૦.૦૨ ટકા એમડીઆર, જે લગભગ રૂ.૩૦૦ સુધી મર્યાદિત છે, તેની જગ્યાએ દરેક પાત્ર વ્યવહાર માટે આશરે રૂ.૫નો ફ્લેટ-નિશ્ચિત ચાર્જ લાવવાની વિચારણા ચાલી રહી છે.
આ બાબતથી પરિચિત સૂત્રોના જણાવ્યા મુજબ, કેટલાક બ્રોકરોએ હાલના રૂ.૩૦૦ના કેપ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમના વાંધાઓને ધ્યાનમાં રાખીને ફ્લટ ફી વિકલ્પ ચર્ચામાં આવ્યો છે. આ દરખાસ્તને અમલમાં મૂકવા માટે સીધી રીતે નિયમ બદલાશે નહીં.
પ્રથમ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) તરફથી ઔપચારિક રજૂઆત કરવાની જરૂર પડી શકે છે. ત્યારબાદ દરખાસ્ત પર કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની મંજૂરી પણ લેવાની જરૂર પડી શકે છે. આ સાથે બાદમાં નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) દ્વારા સત્તાવાર નોટિફિકેશન જેવી પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. અર્થાત, હાલમાં આ દરખાસ્તના તબક્કે છે અને અંતિમ નિયમ તરીકે અમલમાં આવી નથી.
અત્યારે ક્યા ક્ષેત્રોમાં પહેલેથી ફ્લેટ યુપીઆઈ ચાર્જ છે, એ જાણીએ ત
ો, આ કેટેગરીઓમાં મુખ્યત્વે વીમા, શિક્ષણ, બિલ પેમેન્ટ, સરકારી ચૂકવણી, ઈંધણ, કૃષિ જેવા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. જો આ ફેરફાર મંજૂર થાય છે, તો મૂડી બજારના વ્યવહારોને યુપીઆઈની એવી કેટેગરીઓ સાથે સમાન ગણવામાં આવશે, જ્યાં ફ્લેટ ફીનું માળખું લાગુ પડી શકે છે.
હાલના માળખામાં એમડીઆર વ્યવહારની રકમના ચોક્કસ ટકા તરીકે ગણવામાં આવે છે અને તેની ઉપર કેપ હોય છે. નવી દરખાસ્ત હેઠળ, પાત્ર મૂડી બજાર યુપીઆઈ વ્યવહાર માટે રકમને ધ્યાનમાં લીધા વિના આશરે રૂ.૫નો નિશ્ચિત ચાર્જ રાખવામાં આવી શકે છે. ઉદ્દાહરણ તરીકે, જો દરખાસ્ત મંજૂર થાય અને રૂ.૫ ફ્લેટ ફી લાગુ થાય, તો રૂ.૧૦,૦૦૦ કે રૂ.૧ લાખના પાત્ર વ્યવહાર માટે એમડીઆરની ગણતરી ટકાવારી પ્રમાણે નહીં, પરંતુ નિશ્ચિત ફી પ્રમાણે થઈ શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ હજુ દરખાસ્ત છે, સેબી અને આરબીઆઈ તેમ જ સરકારની જરૂરી પ્રક્રિયા તથા મંજૂરીઓ બાદ જ અંતિમ નિર્ણય અને એનપીસીઆઈનું નોટિફિકેશન આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ યુપીઆઈ થકી મોટી રકમના ફંડ ટ્રાન્સફર માટે નવા એમડીઆર મામલે ચિંતા વ્યક્ત કરવામાં આવતાં આ મામલે સેબી દ્વારા વિચારણા કરવાની હૈયાધારણા આપવામાં આવી હતી.