Business

પાંચ વર્ષમાં ખાનગી ધિરાણ માર્કેટ બમણી થઈને ૨૫ અબજ ડોલર પહોંચી

By GS Team
3 Jul 20261 min read
પાંચ વર્ષમાં ખાનગી ધિરાણ માર્કેટ બમણી થઈને ૨૫ અબજ ડોલર પહોંચી

ભંડોળની આવશ્યકતા માટે વૈકલ્પિક ધિરાણ સ્રોતો પર નજર
મુંબઈ : ભંડોળની આવશ્યકતા માટે દેશના વેપારગૃહો વૈકલ્પિક ધિરાણ સ્રોતો તરફ નજર દોડાવી રહ્યા હોવાથી ભારતની ખાનગી ધિરાણ બજાર સતત વિસ્તરણના પંથે છે. સાનુકૂળ આર્થિક સ્થિતિને પગલે વેપારગૃહો પણ વિસ્તરણ યોજનાઓ હાથ ધરી રહ્યા છે.
૨૦૨૫ના અંતે સમાપ્ત થયેલા છેલ્લા પાંચ વર્ષમાં ભારતની ખાનગી ધિરાણ માર્કેટ બમણી થઈને ૨૫ અબજ ડોલર પર પહોંચી ગઈ છે. ૨૫ અબજ ડોલરની એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) ધરાવતી ખાનગી ધિરાણ માર્કેટનું વાર્ષિક વ્યવહાર મૂલ્ય ૧૧ અબજ ડોલરને પાર કરી ગયું છે, એમ રેટિંગ એજન્સી મૂડી'સના ક રિપોર્ટમાં જણાવાયું હતું.
વૈશ્વિક ધોરણની સરખામણીએ ભારતની ખાનગી ધિરાણ બજાર કદમાં નાની છે અને વિસ્તરણ માટે વ્યાપક અવકાશ ધરાવે છે.પરંપરાગત બેન્ક લોનની સાથોસાથ ખાનગી ધિરાણ પણ ભંડોળ માટે વૈકલ્પિક સ્રોત બની રહ્યો છે અને તેની લોકપ્રિયતા પણ વધી રહી છે.
રિઅલ એસ્ટેટ ક્ષેત્ર ખાનગી ધિરાણનો વ્યાપક ઉપયોગ કરી રહ્યું છે. એકંદર ખાનગી ધિરાણમાં ૪૦ ટકા હિસ્સો રિઅલ એસ્ટેટ ક્ષેત્રનો રહેલો છે.
ભારતનમાં ઈન્સોલવન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) ઉપરાંત અન્ય નિયમનકારી માળખાઓને પરિણામે ખાનગી ધિરાણ કંપનીઓના વિશ્વાસમાં તાજેતરના વર્ષોમાં વધારો થયો છે.
બેન્કો તથા નોન-બેન્કિંગ ફાઈનાન્સિઅલ કંપનીઓની મર્યાદાઓને કારણે ખાનગી ધિરાણ ક્ષેત્રને લાભ થઈ રહેવાની પણ મૂડી'સ અપેક્ષા રાખી રહી છે.
ખાનગી ધિરાણ ક્ષેત્રની સરખામણીએ બેન્કો પર નિયમનકારી ધોરણોનો વધુ સખતાઈથી અમલ થતો હોય છે.