સોના-ચાંદીમાં બેતરફી ઉછળકૂદ વચ્ચે ભાવમાં પીછેહટ

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ આરંભમાં ઉંચા ખુલ્યા પછી ઝડપી ગબડયા હતા તથા ભાવમાં મોટી અફડાતફડી દેખાતાં બજારના ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. વિશ્વ બજારના સમાચાર પણ ભાવમાં બેતરફી મોટી ઉછળકુદ બતાવી રહ્યા હતા. અને તેની અસર ઘરઆંગણાના ઝવેરી બજારો પર જોવા મળી હતી.
વિશ્વ બજારાં સોનાના ભાવ ઔંશના ૨૩૫૮થી ૨૩૫૯ ડોલર વાળા ઉંચામાં ૨૩૮૭થી ૨૩૮૮ ડોલર થયા પછી ભાવ ગબડી નીચામાં ૨૩૧૪થી ૨૩૧૫ થઈ ૨૩૨૦થી ૨૩૨૧ ડોલર રહ્યાના નિર્દેશો હતા. ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૩૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૭૪૩૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૪૫૦૦ રહ્યા હતા.
અમદાવાદ ચાંદીના ભાવ કિલોના ૯૨ હજારના મથાળે રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ અન્ય કિંમતી ધાતુઓના ભાવમાં પણ બેતરફી ખાસ્સી વધઘટ જોવા મળી હતી. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૦.૧૭થી ૩૦.૧૮ વાળા ઉંચામાં ૩૧.૫૩થી ૩૧.૫૪ થયા પછી નીચામાં ભાવ ૨૯.૭૭થી ૨૯.૭૮ થઈ ૨૯.૯૯થી ૩૦.૦૦ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાંથી મળતા સમાચાર મુજબ ચીન દ્વારા સોનામાં નવી ખરીદી હાલ તુરંત અટકાવી દેવામાં આવી છે અને તેની અસર વિશ્વ બજાર પર જોવા મળી હતી.
દરમિયાન, અમેરિકાના જોબગ્રોથના ડેટા ૧ લાખ ૮૫ હજાર આવવાની અપેક્ષા હતી તેના બદલે હકીકતમાં આ ડેટા ૨ લાખ ૭૨ હજાર આવતાં ત્યાં જોબ માર્કેટમાં મજબુતાઈ દેખાઈ હતી અને આના પગલે ત્યાં આગળ ઉપર વ્યાજના દરમાં ઘટાડો થવાની શક્યતા ઘટયાના વાવડ હતા જેની અસર પણ સોનાના ભાવ પર આજે જોવા મળી હતી. જો કે ત્યાં બેરજોગારીનો દર ૩.૯૦થી વધી ૪.૦૦ ટકા થયાના પણ સમાચાર મળ્યા હતા.
વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૯૯૮થી ૯૯૯ વાળા ઉંચામાં ૧૦૧૨ તથા નીચામાં ૯૮૧ થઈ ૯૮૭થી ૯૮૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૯૩૨થી ૯૩૩ વાળા ઉંચામાં ૯૩૮ તથા નીચામાં ૯૧૩ થઈ ૯૧૯થી ૯૨૦ ડોલર રહ્યા હતા.વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૫૮ ટકા તૂટયા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૭૨૪૬૬ વાળા રૂ.૭૨૭૪૧ થઈ રૂ.૭૧૬૨૫ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૨૭૫૭ વાળા રૂ.૭૩૦૩૩ થઈ રૂ.૭૧૯૧૩ના મથાળે બંધ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૪૦૭ વાળા રૂ.૯૨૩૭૫ થઈ રૂ.૯૦૫૩૫ બંધ રહ્યા હતા.
વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના ૭૯.૧૦ વાળા ઉંચામાં ૮૦.૩૭ થઈ ૮૦.૧૯ ડોલર રહ્યા હતા. ચીનના આયાત-નિકાસના આંકડા સારા આવતાં ક્રૂડતેલના ભાવ ઉંચકાયા હતા.
દરમિયાન, મુંબઈ કરન્સી બજારાં આજે રૂપિયા સામે ડોલરના ભાવ ૧૦ પૈસા ઘટી રૂ.૮૩.૩૮ રહેતાં રૂપિયો ઉંચકાયો હતો. શેરબજાર ઉછળતાં રૂપિયો આજે ઉંચકાયો હતો.




