Business

જાન્યુઆરીમાં દેશની વેપાર પ્રવૃત્તિ મંદ પડયાનો પ્રાથમિક અંદાજમાં સંકેત

By GS Team
25 Jan 20252 mins read
This article was originally published on 25 Jan 2025
જાન્યુઆરીમાં દેશની વેપાર પ્રવૃત્તિ મંદ પડયાનો પ્રાથમિક અંદાજમાં સંકેત

મુંબઈ : વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં દેશની વેપાર પ્રવૃત્તિ મંદ પડીને ૧૪ મહિનાની નીચી સપાટીએ રહી છે, જે દેશનો આર્થિક વિકાસ દર વધુ મંદ પડવાના સંકેત આપે છે. એચએસબીસી દ્વારા તૈયાર કરાયેલા જાન્યુઆરી માટેના સેવા તથા ઉત્પાદન ક્ષેત્રના સંયુકત પ્રાથમિક એસએન્ડપી ગ્લોબલ  પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) નવેમ્બર ૨૦૨૩ બાદ સૌથી નીચો રહીને ૫૯.૨૦ જોવા મળ્યો છે.

દેશના અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવતા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ પડતા આર્થિક વિકાસ દર સામે જોખમ કહી શકાય એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. જો કે વેપાર આશાવાદને લઈને કંપનીઓ દ્વારા કર્મચારીઓની ભરતીમાં જોરદાર વધારો જળવાઈ રહ્યો છે.

વર્તમાન નાણાં વર્ષ માટે સરકારે આર્થિક વિકાસ દરનો અંદાજ ૬.૪૦ ટકા મૂકયો છે જે ગયા નાણાં વર્ષમાં આઠ ટકાથી વધુ હતો.

ગયા વર્ષના ડિસેમ્બરનો સંયુકત પીએમઆઈ ૫૯.૨૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. છેલ્લા સાડાત્રણ વર્ષથી દેશનો સંયુકત પીએંમઆઈ સતત પ૦થી ઉપર જોવા મળી રહ્યો છે.

જાન્યુઆરીમાં ઉત્પાદન ક્ષેત્રની સ્થિતિ મજબૂત રહી છે, પરંતુ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ મંદ પડી છે. સેવા ક્ષેત્રનો પ્રાથમિક ઈન્ડેકસ ઘટી ૫૬.૮૦ રહ્યો છે જે ૨૬ મહિનાની નીચી સપાટીએ હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત રહી છે જ્યારે સેવા ક્ષેત્રમાં મંદ ગતિ ચિંતાનો વિષય બની શકે, કારણ કે દેશના આર્થિક વિકાસમાં સેવા ક્ષેત્રનો હિસ્સો નોંધપાત્ર રહેલો છે, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું. ઉત્પાદન ક્ષેત્રમાં નવા ઓર્ડરોમાં વધારો જોવા મળ્યો છે. નિકાસ ઓર્ડરમાં છ મહિનાની ઊંચી સપાટી જોવા મળી છે. જાન્યુઆરીમાં ફુગાવાજન્ય દબાણ વધ્યું છે. ઉત્પાદન ક્ષેત્રની સરખામણીએ ફુગાવાનું દબાણ સેવા ક્ષેત્રમાં વધુ જોવા મળી રહ્યું હોવાનું પણ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.