Get The App

પોલિમરના ભાવમાં વધારો, પ્લાસ્ટિક ઉદ્યોગ ઠપ

- કાચા માલના ખર્ચમાં ૭૮ ટકા સુધીનો વધારો થતા ઉત્પાદન અટકી ગયું

- અનેક મોટા એકમોમાં ઉત્પાદનમાં ૫૦ થી ૭૦ ટકાનો ઘટાડો : મોટા પાયે બેરોજગારી વધશે

Updated: Mar 19th, 2026

GS TEAM

Google News
Google News
પોલિમરના ભાવમાં વધારો, પ્લાસ્ટિક ઉદ્યોગ ઠપ 1 - image

દેશભરના ૫૦ ટકાથી વધુ એકમોએ ઉત્પાદન બંધ કરી દીધું

અમદાવાદ : અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષની હવે ભારતની પેટ્રોકેમિકલ સપ્લાય ચેઇન પર ગંભીર અસર પડી રહી છે. પોલિમર (પ્લાસ્ટિક કાચા માલ) ના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે, અને ઓડિશા સહિત અનેક રાજ્યોમાં પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઉદ્યોગ વર્ચ્યુઅલ રીતે સ્થગિત થઈ ગયો છે. અહેવાલો અનુસાર, દેશભરના ૫૦ ટકાથી વધુ એકમોએ ઉત્પાદન બંધ કરી દીધું છે. હજારો એમએસએમઈ  યુનિટ્સ ઉત્પાદન ચાલુ રાખવામાં અસમર્થ છે, અને દેશભરના ૫૦ ટકાથી વધુ નાના યુનિટ્સે ઉત્પાદન બંધ કરી દીધું છે.

ઉદ્યોગ સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીપ્રોપીલીન (PP), હાઈ-ડેન્સિટી પોલિઇથિલિન (HDPE), લીનિયર લો-ડેન્સિટી પોલિઇથિલિન (LLDPE), પોલીવિનાઇલ ક્લોરાઇડ (PVC) અને PET રેઝિન જેવા મુખ્ય પોલિમરના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જે ૬૮ થી ૭૮ ટકા સુધીનો છે. વધુમાં, કાચા માલની ઉપલબ્ધતા પણ અનિશ્ચિત બની ગઈ છે.

HDPE ની કિંમત, જે ૨૮ ફેબુ્રઆરીએ પ્રતિ ટન રૂ. ૯૧,૪૫૨ ની આસપાસ હતી, તે ૧૧ માર્ચ સુધીમાં વધીને રૂ. ૧,૩૪,૪૫૨ થઈ ગઈ (લગભગ ૬૮% નો વધારો). તેવી જ રીતે, LLDPE ની કિંમત રૂ. ૯૦,૯૫૨ થી વધીને રૂ. ૧,૩૩,૯૫૨, PVC ની કિંમત રૂ. ૮૯,૦૦૦ થી વધીને રૂ. ૧,૧૪,૦૦૦ (૭૮% નો વધારો) અને PP ની કિંમત રૂ. ૧,૦૦,૩૮૪ થી વધીને રૂ. ૧,૪૬,૩૮૪ (૬૯% નો વધારો) થઈ ગઈ છે.

કિંમતોમાં અચાનક વધારો અને પુરવઠાની અનિશ્ચિતતાએ ઉદ્યોગને ગંભીર કટોકટીમાં મૂક્યો છે. ભારતમાં પ્લાસ્ટિક પ્રોસેસિંગ ક્ષેત્રમાં આશરે ૫૦,૦૦૦ એકમો છે, જેમાંથી ૮૫% સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ) છે. આ ઉદ્યોગ આશરે ૫ મિલિયન લોકોને સીધો રોજગાર પૂરો પાડે છે અને આશરે ૧૨.૫ બિલિયન ડોલરની નિકાસ કરે છે.

ઉદ્યોગના સૂત્રોએ જણાવ્યું હતું કે,  થોડા દિવસોમાં પોલિમરના ભાવમાં ૭૦ ટકાથી વધુનો વધારો અભૂતપૂર્વ છે.  પૂર્વ-આયોજિત સપ્લાય કોન્ટ્રાક્ટને કારણે ઘણી ઉત્પાદક કંપનીઓ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખવામાં અસમર્થ છે.

ઓડિશા રાજ્યમાં ત્રણ-ચતુર્થાંશથી વધુ કાર્યરત યુનિટ્સે ઉત્પાદન બંધ કરી દીધું છે કારણ કે કાચો માલ કાં તો ઉપલબ્ધ નથી અથવા એટલો મોંઘો છે કે ઉત્પાદન પોસાય તેમ નથી. કેટલાક યુનિટોમાં પાંચ મશીનોમાંથી ફક્ત એક જ ચાલી રહી છે, અને દરરોજ એક ટનથી પણ ઓછું ઉત્પાદન થાય છે. આ પ્રતિકુળતાની એસરથી મોટી કંપનીઓ પણ મુક્ત નથી. અનેક મોટા એકમોમાં ઉત્પાદનમાં ૫૦ થી ૭૦ ટકાનો ઘટાડો થયો છે.

પ્લાસ્ટિક પ્રોસેસિંગ ઉદ્યોગ, એફએમસીજી, આરોગ્યસંભાળ, ઓટોમોટિવ, કૃષિ, માળખાગત સુવિધાઓ, ગ્રાહક ટકાઉ વસ્તુઓ અને ઔદ્યોગિક અને એન્જિનિયરિંગ ઘટકોનો મુખ્ય સપ્લાયર છે. જો આ કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તે સપ્લાય ચેઇન, ફુગાવા અને ઔદ્યોગિક ઉત્પાદન પર નકારાત્મક અસર કરશે. આમ આ ઉદ્યોગ અત્યારે  અભૂતપૂર્વ દબાણ હેઠળ છે.  તાત્કાલિક સહાય વિના, ઘણા એકમો આ તબક્કામાં ટકી શકશે નહીં. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં, ઓલ ઇન્ડિયા પ્લાસ્ટિક મેન્યુફેક્ચરર્સ એસોસિએશને કેન્દ્ર સરકાર પાસેથી તાત્કાલિક રાહતની માંગ કરી છે.