રૂપિયાની નબળાઈને પરિણામે કોલસાની આયાત વધારવાની યોજના પડતી મુકાઈ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઘરઆંગણે કોલસાનું ઉત્પાદન વધારી પૂરવઠામાં ઝડપ લાવવા નિર્દેશ
મુંબઈ : દેશના કોલસા આધારિત વીજ પ્લાન્ટસ ખાતે ઘટી રહેલા કોલસાના સ્ટોકસને વધારવા કોલસાની આયાત વધારવાની દરખાસ્તને સરકારે પડતી મૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે. આયાતી કોલસાને ઘરેલુ કોલસા સાથે મિકસ કરી ઉત્પાદનમાં વાપરવા વીજ કંપનીઓને સૂચના આપવાની સરકારની યોજના હતી.
જો કે તાજેતરમાં કોલસાના વૈશ્વિક ભાવમાં ઉછાળા ઉપરાંત રૂપિયાની નબળાઈને કારણે કોલસાની આયાત મોંઘી પડી રહી હોવાનું જણાતા સરકારે પોતાની યોજના પડતી મૂકવી પડી હોવાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
આ યોજના પડતી મૂકી સરકારી ઉપક્રમ કોલ ઈન્ડિયામાં ઉત્પાદન વધારવા તથા રેલવે મારફત કોલસાના પૂરવઠાને ઝડપી બનાવવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
વર્તમાન વર્ષમાં ચોમાસુ નબળુ રહેતા અને તાપમાન ઊંચુ રહેતા વીજ માગમાં વધારો થયો છે જેને પરિણામે વીજ પ્લાન્ટસ ખાતે કોલસાનો સ્ટોકસ પાંચ વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યો હતો.
વરસાદ પણ સરેરાશ કરતા નીચો રહેતા હાઈડ્રોપાવર પ્લાન્ટસ ખાતે પણ ઉત્પાદન પર અસર પડી છે જ્યારે વીજ માગમાં સતત વધારો થઈ રહ્યો છે.
દેશના પચાસ ટકા કોલસા આધારિત વીજ પ્લાન્ટસ ખાતે કોલસાનો સ્ટોકસ નીચી સપાટીએ પહોંચી ગયો છે અને આવશ્યકતાના ૨૫ ટકાથી પણ નીચે જોવાઈ રહ્યો છે. દેશના અનેક ભાગોમાં હજુ શિયાળો બેઠો નહીં હોવાથી કુલિંગ માટે વીજની માગ ઊંચી રહ્યા કરે છે.
આગામી દિવસોમાં કોલસાનો પૂરવઠો વધારવામાં નહીં આવે તો વીજ સંકટ ઊભુ થવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.
ઓકટોબરના બીજા પખવાડિયામાં કોલસા આધારિત વીજ પ્લાન્ટસ ખાતે કોલસાનો સ્ટોકસ ૫.૭૨ કરોડ ટનની આવશ્યકતા સામે ૧.૮૨ કરોડ ટન રહ્યો હતો એમ સેન્ટ્રલ ઈલેકટ્રિસિટી ઓથોરિટીના ડેટામાં જણાવાયું હતું.
નીચા સ્ટોકસને કારણે ૭૯ પ્લાન્ટસ ખાતે સ્ટોકનું સ્તર ચિંતાજનક નીચી સપાટીએ રહ્યું હતું. વીજ પ્લાન્ટો ખાતે મુખ્ય પડકાર પૂરવઠા ઉપરાંત કોલસાનો બફર સ્ટોક ઊભો કરવા બાબતનો પણ રહ્યો હોવાનું એક વીજ કંપનીના સુત્રોએ જણાવ્યું હતું.
વર્તમાન વર્ષના એપ્રિલથી ઓગસ્ટના ગાળામાં કોલસાનો વપરાશ વાર્ષિક ધોરણે ૮ ટકા વધી ૩૯.૫૦ કરોડ ટન રહ્યાનું પણ અગાઉ એક અહેવાલમાં જણાવાયું હતું.




