PF ઉપાડના નિયમો બદલાયા, જાણો શું છે 12 અને 36 મહિનાનો વેઇટિંગ પીરિયડ અને બીજા મહત્ત્વના ફેરફાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

EPFO New Rules: એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઑર્ગેનાઇઝેશન એટલે કે EPFO દ્વારા પીએફ અને પેન્શન ફંડ ઉપાડના નિયમોમાં ધરખમ ફેરફારો કરાયા છે. હવે અગાઉની જેમ નોકરી છોડતાંની સાથે જ પૂરેપૂરી રકમ ઉપાડવી શક્ય નથી. કર્મચારીઓની બચતને સુરક્ષિત રાખવા અને નિયમોને વ્યવસ્થિત કરવા માટે સરકારે કેટલાક નવા પ્રોટોકોલ અમલમાં મૂક્યા છે. ચાલો, આ નવા ફેરફારોને સરળ ભાષામાં સમજીએ.
નવા નિયમોમાં શું છે મુખ્ય ફેરફાર
EPFOએ પીએફ બેલેન્સના આંશિક અને સંપૂર્ણ ઉપાડ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. નવા નિયમો મુજબ, જો કોઈ કર્મચારી નોકરી છોડે છે, તો તે તરત જ પોતાનું પીએફ બેલેન્સ સંપૂર્ણપણે ઉપાડી શકશે નહીં. તેના માટે સરકારે રાહ જોવાનો સમયગાળો(Waiting Period) નક્કી કર્યો છે.
- EPF ફાઇનલ સેટલમેન્ટ માટે: 12 મહિનાનો રાહ જોવાનો સમયગાળો.
- EPS (પેન્શન) ઉપાડ માટે: 36 મહિનાનો રાહ જોવાનો સમયગાળો.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ ફેરફારો કર્મચારી ભવિષ્ય નિધિ યોજના 2026 હેઠળ લાવવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં કર્મચારીઓની નાણાકીય સ્થિતિ સુરક્ષિત રહે.
શું આ દરમિયાન પૈસા બિલકુલ ઉપાડી નહીં શકાય?
ઘણાં કર્મચારીઓને ચિંતા છે કે શું જરૂરિયાતના સમયે તેમને પૈસા નહીં મળે? જવાબ છે- ના, એવું નથી. સરકારે પીએફ ઉપાડના નિયમોને વધુ સરળ પણ બનાવ્યા છે. જો તમને અચાનક નાણાકીય જરૂરિયાત પડે, તો તમે આંશિક રીતે (Partial Withdrawal) પૈસા ઉપાડી શકો છો. તમે નીચે મુજબની પરિસ્થિતિઓમાં પીએફમાંથી પૈસા મેળવી શકો છો.
- તબીબી કટોકટી (Medical Emergency)
- શિક્ષણ અને રહેઠાણની જરૂરિયાત
- બેરોજગારી કે અન્ય આવશ્યક સંજોગો
વર્ષમાં બે વાર 75% ઉપાડની સુવિધા
EPFO સભ્યોને એક મોટી રાહત પણ આપવામાં આવી છે. જો કોઈ કર્મચારીને તાત્કાલિક મોટા ફંડની જરૂર હોય, તો તે કોઈ પણ સ્પષ્ટ કારણ આપ્યા વિના પણ વર્ષમાં 2 વાર પોતાના કુલ પીએફ બેલેન્સના 75% સુધીની રકમ ઉપાડી શકે છે. તેમણે 36 મહિનાની રાહ નહીં જોવી પડે. અલબત્ત, તેમણે 36 મહિના પૂરા થાય ત્યાં સુધી કમસેકમ 25% લઘુત્તમ બેલેન્સ જાળવવું પડશે.
નિયમો પાછળની તૈયારી
આ ફેરફારો અચાનક લેવાયેલો નિર્ણય નથી. સરકારના જણાવ્યા અનુસાર, કર્મચારી સંગઠનો, ટ્રેડ યુનિયનો અને નોકરીદાતાઓ સાથેની મંત્રણા પછી જ આ નિર્ણયો લેવાયા છે. સેન્ટ્રલ બોર્ડ ઑફ ટ્રસ્ટીઝ(CBT)ની 238મી બેઠકમાં આ બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
EPFO ડિજિટલ સેવા વધુ મજબૂત બનશે
નવા નિયમો સાથે, EPFO ડિજિટલ સેવાઓને વધુ મજબૂત બનાવી રહ્યું છે. જે ત્રણ મુખ્ય મોરચે કામ થઈ રહ્યું છે, એ નીચે મુજબ છે.
- હવે ફરિયાદ નિવારણ સિસ્ટમમાં સુધારો કરવામાં આવ્યો છે જેથી કર્મચારીઓને તેમના દાવાઓની ચુકવણીમાં કોઈ મુશ્કેલી ન પડે.
- ઍડવાન્સિસની ચુકવણી ઝડપથી થાય તે માટે પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
- નવા નિયમો વિશે સભ્યોને જાગૃત કરાઈ રહ્યા છે.
પીએફના નાણાં સંપૂર્ણપણે ઉપાડવા માટે હવે અમુક સમયની રાહ જોવી પડશે, પરંતુ આપત્તિના સમયમાં આંશિક ઉપાડ અને ઍડ્વાન્સ ઉપાડના વિકલ્પો પહેલાની જેમ જ ઉપલબ્ધ છે. કર્મચારીઓએ નવા નિયમો અને પાત્રતાની શરતોને બરાબર સમજી લેવી જોઈએ જેથી જરૂર પડે ત્યારે કોઈપણ ગૂંચવણ વગર તેઓ પોતાની બચતનો લાભ લઈ શકે.









