Business

PE અને પ્રમોટર્સે બજારમાંથી 2.1 બિલિયન ડોલરનું ભંડોળ પાછું ખેંચ્યું

By GS Team
8 Jun 20242 mins read
This article was originally published on 8 Jun 2024
PE અને પ્રમોટર્સે બજારમાંથી 2.1 બિલિયન ડોલરનું ભંડોળ પાછું ખેંચ્યું

અમદાવાદ : મુખ્ય વૈશ્વિક ખાનગી ઇક્વિટી (પીઈ) ફર્મ્સ અને પ્રમોટરો આશ્ચર્યજનક ચૂંટણી પરિણામોને કારણે શેરબજારમાં કડાકા પહેલા ૨ બિલિયન ડોલરથી વધુનું ભંડોળ પાછું ખેંચવામાં સફળ રહ્યા હતા. તા. ૧૫ મે અને ૩૧ મેની વચ્ચે, ૧૪ કંપનીઓએ $50 મિલિયન (રૂ. ૪૨૦ કરોડ) કરતાં વધુના બ્લોક ડીલ સોદા કર્યા હતા. આ સોદા મુખ્યત્વે પીઈ ફંડ્સ અને પ્રમોટરો દ્વારા કરવામાં આવ્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળશે તેવી અપેક્ષાએ બજારમાં આવેલી તેજી વચ્ચે આ વેચાણ થયું હતું. ૨૭ મેના રોજ સેન્સેક્સે પ્રથમ વખત ૭૬,૦૦૦નો આંકડો પાર કર્યો હતો.

એક્ઝિટ પોલમાં ભાજપની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એનડીએ)ને ૫૪૩ બેઠકોમાંથી બે તૃતીયાંશ બેઠકો મળશે તેમ જણાવાયું હતું. પરંતું ૪ જૂને જ્યારે ભાજપ બહુમતીનો આંકડો પાર કરી શક્યો ન હતો ત્યારે શેરના ભાવ તૂટયા હતા. જેના કારણે બ્લોક ડીલની ગતિવિધિઓ પણ બંધ થઈ ગઈ હતી.

ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ક્ષેત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, ચૂંટણીના થોડા અઠવાડિયા પહેલા, અસ્થિરતા અંગે ચિંતા હતી અને તે સમયે બજારોમાં ઘણી તેજી હતી. પીઈ કંપનીઓ અને પ્રમોટર્સે પરિસ્થિતિનો લાભ લીધો અને તેમનો હિસ્સો ઘટાડયો હતો.

બજાર સર્વકાલીન ઊંચાઈ પર હતા અને પ્રમોટર્સ અને પીઈ કંપનીઓ તેમનો હિસ્સો વેચવા માગતી હતી. લોકોએ ચૂંટણી પહેલા જ વેચવાનું નક્કી કર્યું હશે જેથી કરીને તેમને શ્રેષ્ઠ ભાવ મળી શકે.

જે કંપનીઓમાં પ્રમોટર એકમોએ તેમનો હિસ્સો ઘટાડયો તેમાં ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લા (રૂ. ૨,૭૨૫ કરોડથી વધુનો સોદો), રોડ ડેવલપર IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપર્સ (રૂ. ૧,૪૪૫ કરોડ) અને ટીમકેન ઇન્ડિયા (રૂ. ૧,૨૫૩ કરોડ)નો સમાવેશ થાય છે. મોટાભાગના વ્યવહારોમાં ખરીદદારો મુખ્યત્વે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ, વીમા કંપનીઓ અને વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો જેવા કે પેન્શન ફંડ્સ અને સોવરિન વેલ્થ ફંડ્સ હતા.