પેસેન્જર વાહનોની નિકાસમાં ૧૭ ટકાનો ઘટાડો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ઘરઆંગણે ડીસ્પેચમાં ૩૬ ટકા વધારો:તહેવારો નિમિત્તે માંગ ઊંચી રહેવાની ધારણાએ ડીલરો દ્વારા નોંધપાત્ર સ્ટાક ઊભો કરાયા
મુંબઈ : ઓગસ્ટમાં ભારતમાંથી પેસેન્જર વાહનોની નિકાસ વાર્ષિક ધોરણે ૧૭ ટકા ઘટી છે જ્યારે ઘરઆંગણે ઉત્પાદન એકમો ખાતેથી ડીલરોને ઊતારૂ વાહનોની રવાનગીમાં ૩૬ ટકાથી વધુનો નોંધપાત્ર વધારો થયો છે. તહેવારોની મોસમને ધ્યાનમાં રાખી વાહનોના સ્ટોકિંગને કારણે રવાનગીમાં વધારો જોવા મળ્યો હોવાનું સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ)ના સુત્રો જણાવી રહ્યા છે.
ઘરઆંગણે ઊતારૂ વાહનોનું ડિસ્પેચ જે ગયા વર્ષના ઓગસ્ટમાં ૩૨૧૯૦૧ એકમ રહ્યુ હતું તે વર્તમાન વર્ષના સમાન મહિનામાં ૩૬.૫૦ ટકા વધી ૪૩૯૩૦૯ એકમ રહ્યું છે. કોઈ ઓગસ્ટમાં અત્યારસુધીની આ સૌથી વધુ રવાનગી છે.
આનાથી વિપરીત ગત મહિને પેસેન્જર વ્હીકલ્સની નિકાસ ૧૭ ટકા ઘટી ૬૮૨૩૦ એકમ રહી છે જે ગયા વર્ષના ઓગસ્ટમાં ૮૨૨૪૬ રહી હતી એમ સિઅમના ડેટા જણાવે છે. નિકાસ ડેટામાં ટાટા મોટર્સ સહિત કેટલીક કંપનીના આંકનો સમાવેશ કરાયો નથી.પેસેન્જર કાર્સની નિકાસ ૫૧.૫૦ ટકા ઘટી ૨૧૧૮૧ રહી છે જે ગયા વર્ષના ઓગસ્ટમાં ૪૩૬૫૦ કાર્સ રહી હતી.
ઊતારૂ વાહન સેગમેન્ટસમાં ઘરઆંગણે માગ મજબૂત રહી છે. ઊતારૂ કારની રવાનગી ૨૩.૮૦ ટકા વધી ૧૧૨૦૧૧ રહી છે. ઊતારૂ વાહનોનું ઉત્પાદન ૨૫ ટકાથી વધુ વધી ૪૫૪૨૬૬ એકમ રહ્યું છે જે ગયા વર્ષના ઓગસ્ટમાં ૩૬૧૪૮૯ વાહન રહ્યું હતું.
તંદૂરસ્ત માગને કારણે ઓગસ્ટના આંકડા મજબૂત રહેવા પામ્યા હોવાનું સિઅમના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું. દેશનો ઓટો ઉદ્યોગ હાલમાં વૃદ્ધિના મજબૂત તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે એમ સિઅમના ડાયરેકટર જનરલ રાજેશ મેનને એક નિવેદનમાં જણાવ્યું હતું.
મક્કમ ગ્રાહક વિશ્વાસ, ગ્રામ્ય બજારોમાં સ્થિતિસ્થાપકતા તથા ફાઈનાન્સિંગની સાનુકૂળ સ્થિતિને કારણે માગને ટેકો મળી રહ્યો છે. તહેવારોની મોસમ માગને વધુ ટેકો પૂરો પાડી રહી છે.
આ અગાઉ જાહેર થયેલા રિટેલ વેચાણ આંક પણ પ્રોત્સાહક રહ્યા હતા. વર્તમાન વર્ષના ઓગસ્ટમાં વાહનોના રિટેલ વેચાણમાં ૧૮ ટકા વધારો થયો છે. ઊતારૂ વાહનો, ટુ વ્હીલર્સ, થ્રી વ્હીલર્સ તથા કમર્સિઅલ વાહનોની આગેવાની હેઠળ એકંદર રિટેલ વેચાણ આંક ૨૪,૨૩,૨૦૧ સાથે કોઈ ઓગસ્ટ મહિનાનું સૌથી ઊંચો આંક રહ્યો છે.




