NPS New Rule : કેન્દ્ર સરકારે નેશનલ પેન્શન સિસ્ટમ(NPS)માં મોટો ફેરફાર કર્યો છે. નવા નિયમ મુજબ હવે ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ નિવૃત્તિ સમયે પોતાના ‘રિટાયરમેન્ટ ફંડ’માંથી એકસાથે 80 ટકા રકમ ઉપાડી શકશે, જ્યારે બાકીની 20 ટકા રકમમાંથી એન્યુઇટી(માસિક પેન્શન) ખરીદવી પડશે. અગાઉ ઉપાડવાનો નિયમ 60 ટકા અને માસિક પેન્શન રાખવાનો સમય 40 ટકા હતો. પેન્શન ફંડ રેગ્યુલેટરી ઍન્ડ ડેવલપમેન્ટ ઑથોરિટી(PFRDA)એ સત્તાવાર જાહેરાત કરીને નવો નિયમ ડિસેમ્બર-2025થી લાગુ કરી દીધો છે. આ નિયમ ઓલ સિટીઝન મોડલ અને કોર્પોરેટ NPS હેઠળ આવતાં કર્મચારીઓ પર લાગુ પડશે.
એન્યુઇટી 20% કરવાથી મળતી પેન્શન રકમ ઘટશે
અગાઉ કર્મચારીઓની બચતની 40 ટકા રકમ માસિક પેન્શનમાં જતી હતી, જેના આધારે પેન્શન આપવામાં આવતું હતું. જોકે હવે એન્યુઇટી 20 ટકા કરી દેવાઈ છે, તેથી હવે તમારી પેન્શન રકમ અગાઉ કરતાં ઘટી જશે. જ્યારે કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય છે, પછી તેને એન્યુઇટીમાંથી દર મહિને નિયમિત પેન્શન મળે છે.
આ પણ વાંચો : પુતિનની દિલ્હી મુલાકાત બાદ અમેરિકાની શાન ઠેકાણે આવી! ટ્રમ્પે કર્યા PM મોદીના વખાણ
NPS ઉપાડ નિયમ હેઠળ કેટલી રકમ ઉપાડી શકાશે?
નિયમમાં ફેરફાર થયા બાદ NPS ખાતાધારકો માટે ઉપાડના જુદા જુદા નિયમો લાગુ કરાયા છે.
- જો નિવૃત્તિ સમયે તમારા ખાતામાં કુલ રકમ રૂ. 8 લાખથી ઓછી હોય, તો તમે તે તમામ રકમ એકસાથે ઉપાડી શકો છો. આવા કિસ્સામાં એન્યુઇટી (માસિક પેન્શન) ખરીદવી ફરજિયાત નથી, તે તમારી મરજી પર આધારિત (વૈકલ્પિક) રહેશે.
- જો તમારા ખાતામાં કુલ રકમ રૂ.8 લાખથી રૂ.12 લાખની વચ્ચે હોય, તો તમે એકસાથે વધુમાં વધુ રૂ.6 લાખ ઉપાડી શકશો. બાકીની રકમનો ઉપયોગ તમારે ફરજિયાત પણે એન્યુઇટી(માસિક પેન્શન) ખરીદવા માટે અથવા આગામી 6 વર્ષ સુધી વ્યવસ્થિત રીતે પૈસા ઉપાડવા માટે કરવો પડશે.
- જો તમારા ખાતામાં કુલ રકમ રૂ.12 લાખથી વધુ હોય, તો તમે કુલ રકમના 80 ટકા સુધીની રકમ એકસાથે ઉપાડી શકો છો. જોકે, તમારે બાકીના ઓછામાં ઓછા 20 ટકા હિસ્સામાંથી ફરજિયાત પણે એન્યુઇટી (માસિક પેન્શન) ખરીદવી પડશે.
- જો એનપીએસ ખાતાધારક 60 વર્ષની ઉંમર પહેલા પેન્શન યોજનામાંથી નીકળવા ઇચ્છે અને તેમના પાંચ લાખ રૂપિયા ડિપોઝિટ હોય તો તેઓ તમામ રકમ ઉપાડી શકે છે, પરંતુ જો પાંચ લાખથી વધુ રકમ હોય તો ડિપોઝિટ રકમમાંથી એક સાથે 20 ટકા ઉપાડી શકશે, બાકીની 80 ટકા રકમ એન્યુઇટીમાં જમા થઈ જશે.
- NPSમાં સામેલ 60 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓના ખાતામાં 12 લાખ રૂપિયાથી ઓછી ડિપોઝિટ હોય તો તેઓ એક સાથે 100 ટકા રકમ ઉપાડી શકે છે. તેઓને એન્યુઇટી ખરીદવા ફરજિયાત નથી. પરંતુ જો 12 લાખથી વધુ ડિપોઝિટ રકમ હોય તો તેઓ એક સાથે 80 ટકા રકમ ઉપાડી શકશે. એટલે કે તેઓ 20 ટકા રકમ એન્યુઇટીમાં રોકી શકે છે.
- જો કોઈ ખાતાધારકનું મૃત્યુ થાય તો 100 રકમ નોમિનીને મળશે અને જો નોમિની ઇચ્છે તો તેમની પાસે એન્યુઇટી ખરીદવાનો પણ વિકલ્પ છે.
આ પણ વાંચો : પંજાબના મોહાલીમાં એન્કાઉન્ટર: કબડ્ડી ખેલાડીનો હત્યારો શૂટર ઠાર મરાયો, 2 પોલીસ જવાન ઘાયલ


