Business

'ગભરાવાની જરૂર નથી...', UPI પેમેન્ટ પર ચાર્જ વસૂલીના બિલ અંગે RBI ગર્વનરે આપ્યો જવાબ

By GS Team
6 Aug 20262 mins read
TukuTouch Logo
સંસદમાં રજૂ થયેલા નવા વિધેયક બાદ UPI ટ્રાન્ઝેક્શન પર MDR ચાર્જની ચર્ચાએ જોર પકડ્યું છે. 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ચાર્જ લાગવાની વાત છે, પણ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટતા કરી કે હાલ કોઈ નિર્ણય લેવાયો નથી. આ નિયમ માત્ર વેપારીઓ માટે છે, સામાન્ય ગ્રાહકો પર કોઈ બોજ નહીં પડે. 95% વ્યવહારો 2000થી ઓછા હોવાથી, માત્ર 5% મર્યાદિત વ્યવહારો પર અસર થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ગભરાવાની જરૂર નથી...', UPI પેમેન્ટ પર ચાર્જ વસૂલીના બિલ અંગે RBI ગર્વનરે આપ્યો જવાબ

UPI transaction MDR charges over 2000 rupees 2027 : સંસદમાં હાલમાં જ રજૂ થયેલા નવા વિધેયક બાદ યુપીઆઈ (UPI) ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાના પ્રસ્તાવને લઈને દેશભરમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ નવા પ્રસ્તાવ મુજબ 2000 રૂપિયાથી વધુના પેમેન્ટ પર ચાર્જ લાગવાની વાત સામે આવી છે. જેને લઈને સામાન્ય નાગરિકોમાં મૂંઝવણ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતા આનાથી કંઈક અલગ છે.

RBI ગવર્નરનું નિવેદન અને સ્પષ્ટતા

આ મામલે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના ગવર્નર સંજય મલ્હોત્રાએ સ્પષ્ટ કર્યું છે કે હાલના તબક્કે આ અંગે કોઈ પણ નિવેદન આપવું ખૂબ જ ઉતાવળભર્યું સાબિત થશે. પેમેન્ટ સિસ્ટમ અને સંશોધનો પર હજુ ઉચ્ચ સ્તરીય વિચાર-વિમર્શ ચાલી રહ્યો છે. તેમણે જણાવ્યું કે ઇલેક્ટ્રોનિક પેમેન્ટ સિસ્ટમનો ખર્ચ કોઈકે તો ઉઠાવવો જ પડે છે, પરંતુ RBIનું મુખ્ય ધ્યાન ડિજિટલ લેવડ-દેવડને સુરક્ષિત અને વધુમાં વધુ પ્રોત્સાહન આપવા પર જ છે.

સામાન્ય ગ્રાહકો પર નહીં પડે કોઈ વધારાનો બોજ

આ નવા વિધેયક અને પ્રસ્તાવને લઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની ભ્રામક માહિતી ફેલાઈ રહી છે, પરંતુ હકીકત એ છે કે આ નિયમ માત્ર વેપારીઓ અને મોટા વ્યવસાયિક સંસ્થાનો માટે જ છે. દૂધ, શાકભાજી, કરિયાણા અને ઓટો-ટેક્સીના સામાન્ય રોજિંદા વ્યવહારો પર તેની કોઈ જ અસર નહીં થાય. ગ્રાહકો અગાઉની જેમ જ 1 લાખ રૂપિયા સુધીની દૈનિક મર્યાદામાં નિશ્ચિંત થઈને પેમેન્ટ કરી શકશે.

માત્ર પાંચ ટકા મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર થશે લાગુ

આપણા દેશમાં થતા કુલ ડિજિટલ વ્યવહારોમાંથી 95 ટકા ટ્રાન્ઝેક્શન 2000 રૂપિયાની મર્યાદાથી ઓછા હોય છે, જ્યારે માત્ર 5 ટકા ટ્રાન્ઝેક્શન જ આ મર્યાદાથી ઉપર થાય છે. તેથી આ પ્રસ્તાવિત શુલ્ક માત્ર તે મર્યાદિત વેપારી વ્યવહારો પર જ લાગુ પડશે. આ શુલ્ક 0.25 ટકાથી 0.4 ટકા સુધી હોઈ શકે છે, પરંતુ તેના અમલીકરણ અને સમયસીમા અંગે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.