GSTના નવા સ્લેબ અંગે નિર્મલા સીતારમણની જાહેરાત, જાણો શું સસ્તું થશે અને મોંઘું
GST Rate Cuts Announced: GST કાઉન્સિલની 56મી બેઠકમાં ખૂબ મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં થયેલી આ બેઠકમાં જીએસટીના સ્લેબ ત્રણથી ઘટાડીને બે જ કરી દેવાયા છે. જીએસટી પરિષદની બેઠક બાદ નિર્મલા સીતારમણે કહ્યું કે, આપણે સ્લેબ ઓછા કરી દીધા છે. હવે માત્ર બે સ્લેબ હશે અને આપણે કમ્પેન્સેશન સેસના મુદ્દા પર પણ વિચાર કરી રહ્યા છીએ. હવે GSTના માત્ર બે જ સ્લેબ હશે- 5 ટકા અને 18 ટકા, જ્યારે ત્રીજો સ્લેબ સ્પેશિયલ હશે. તેમણે કહ્યું કે, 28 ટકાનો સ્લેબ જીએસટીથી હટાવી દેવાયો છે. નવા જીએસટી દર 22 સપ્ટેમ્બર 2025થી લાગુ થશે.
નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, 'આ સુધારો સામાન્ય લોકોને ધ્યાનમાં રાખીને કરાયો છે. સામાન્ય લોકો દૈનિક ઉપયોગમાં વસ્તુઓ પર લાગતા દરેક ટેક્સની સમીક્ષા કરાઈ છે અને વધુ પડતાં કેસોમાં ટેક્સોમાં ભારે અછત આવી છે. ખેડૂતો અને કૃષિ ક્ષેત્રની સાથો સાથે સ્વાસ્થ્ય ક્ષેત્રને પણ લાભ થશે. રોટલી, પરાઠા, છેના પનીર પર કોઈ ટેક્સ નહીં લાગે. નમકીન, ભુજિયા, ચટણી, પાસ્તા, ચોકલેટ, કોફી પર 18% ના બદલે 5% ટેક્સ લાગશે. એર કન્ડિશનર, ટીવી, નાના વાહનો અને મોટરસાયકલ પર 18% ટેક્સ લાગશે.'
આ પણ વાંચો: 5% અને 18%... હવે માત્ર 2 ટેક્સ સ્લેબ હશે, GST કાઉન્સિલની બેઠકમાં લેવાયો નિર્ણય
શું સસ્તું થશે?
• અલ્ટ્રા હાઇ ટેમ્પ્રેચર દૂધ, છેના પનીર, પિત્ઝા બ્રેડ, રોટી અને પરોઠા ઉપરાંત કેન્સરની સારવારમાં ઉપયોગી 3 દવાઓ સહિત 33 દવાઓને ઝીરો GST સ્લેબમાં મુકાયા છે એટલે કે હવે આ પ્રોડક્ટ્સ પર કોઇ GST નહીં લાગે.
• માખણ, ઘી, ડ્રાય-ફ્રુટ્સ, કન્ડેન્સ્ડ મિલ્ક, નારિયેળ પાણી, ફ્રુટ જ્યુસ, મિલ્ક ડ્રિંક્સ, આઇસક્રીમ, ટ્રેક્ટર, કોર્ન ફ્લેક્સ તેમજ અનાજ અને અન્ય કૃષિ ઉત્પાદનો પર ટેક્સનો દર 18% થી ઘટાડીને 5% કરાયું છે.
• ટૂથ પેસ્ટ, વાસણ, સાયકલ, વાંસના ફર્નિચર, હેલ્થ-લાઇફ ઇન્શ્યોરન્સ, બૂટ, કપડાં, શેમ્પૂ, હેર ઓઇલ સહિત અન્ય ઘરગથ્થું ચીજવસ્તુઓ પર હવે માત્ર 5% GST વસૂલાશે.
• સિમેન્ટ, નાના પેટ્રોલ-ડીઝલ કાર, 350 cc બાઇક, ટીવી, એર કન્ડિશનર, ડિશ વોશર પર ટેક્સ 28%થી ઘટાડીને 18% કરાયો છે.
શું મોંઘું થશે?
• લક્ઝરી વસ્તુઓ, લકઝરી કાર-બાઇક, તંબાકુ ઉત્પાદન, સિગારેટ, ફાસ્ટફૂડ અને કોલ્ડ ડ્રિંક્સને 40%ના સ્પેશિયલ સ્લેબ હેઠળ GST વસૂલવામાં આવશે.
આ પણ વાંચો: પાન મસાલા, સિગારેટ, ગુટખા મોંઘા થયા, જાણો કંઈ વસ્તુઓ પર લાગ્યો ‘40% સ્પેશિયલ GST’