ક્રિપ્ટો કરન્સીના ચાહકોની આશા પર નિર્મલાએ પાણી ફેરવ્યું

અમદાવાદ, મુંબઈ : ક્રિપ્ટો કરન્સીસના વેપાર પરની વેરા પદ્ધતિમાં બદલાવ અને વેરા દરમાં ઘટાડો થાય તેવી દેશના ક્રિપ્ટો ખેલાડીઓની અપેક્ષા પૂરી થઈ નથી ઊલટાનું નાણાં પ્રધાને ક્રિપ્ટો એસેટસના વેપારની માહિતી પૂરી પાડવાની સંબંધિત હિસ્સેદારો પર જવાબદારી લાદી છે. જોકે વર્ચ્યુલ ડિજિટલ એસેટસના વહીવટને ફાઈનાન્સ બિલમાં સમાવી લેવાની દરખાસ્ત હકારાત્મક હોવાનો મત વ્યકત કરાયો છે.
નાણાં પ્રધાને રજૂ કરેલા બજેટમાં આવક વેરા ધારામાં સુધારો કરવાની દરખાસ્ત રજૂ કરી છે જે હેઠળ ક્રિપ્ટો એકસચેન્જો સહિત ક્રિપ્ટો ટ્રેડરોએ ક્રિપ્ટો એસેટસના કરાતા ટ્રાન્ઝકશનની માહિતી પૂરી પાડવાની રહેશે.
ક્રિપ્ટોકરન્સીને સરકારે હજી સુધી માન્યતા નથી આપી પરંતુ સરકાર આ વર્ચ્યુઅલ કરન્સીઓ પરથી નજર નથી હટાવવા માંગતી અને તેનો વ્યાપ ભારતમાં નથી વધવા દેવા માંગતી. ક્રિપ્ટોકરન્સી પર ફોકસ વધારતા સરકારે બજેટ ૨૦૨૫માં આવકવેરા અધિનિયમ, ૧૯૬૧માં નવી કલમ ઉમેરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ભારતમાં ક્રિપ્ટો એક્સચેન્જ અને રોકાણકારોએ ફરિજ્યાતપણે ક્રિપ્ટો એસેટ ટ્રાન્જેક્શનની માહિતી સરકારને આપવી પડશે. સરકારે ગત બજેટમાં લાગુ કરેલો ૩૦ ટકાનો ટેક્સ આ નવા બજેટમાં પણ યથાવત રાખ્યો છે.
ક્રિપ્ટો એસેટ રિપોર્ટિંગ ફ્રેમવર્કના હેતુ માટે બાવન સુસંગત જ્યુરિસ્ડીકશનની યાદીમાં ભારતના સમાવેશને ધ્યાનમાં રાખી આ દરખાસ્ત આવી પડી છે. વર્ચ્યુલ ડિજિટલ એસેટસના વેરા માળખાને વ્યવહારુ બનાવાશે તેવી અપેક્ષા રખાતી હતી પરંતુ તે ફળીભૂત થઈ નથી એમ ક્રિપ્ટો ઈન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ કોઈનસ્વીચના સુત્રોએ નિરાશ સ્વરે જણાવ્યું હતું. જો કે ક્રિપ્ટોસના વહીવટને ફાઈનાન્સ બિલમાં સમાવી લેવાનું પગલું નિયમનકારી સ્પષ્ટતા તરફનું હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ક્રિપ્ટોના વેપાર મારફતના નફા પર ૩૦ ટકા જેટલો ઊંચો ટેકસ એક સૌથી મોટી નિરાશાજનક બાબત હોવાનું બજેટ પૂર્વે હાથ ધરાયેલા સર્વેમાં ક્રિપ્ટોસ ખેલાડીઓએ મત વ્યકત કર્યો હતો. ૨૦૨૨થી ક્રિપ્ટો વેપાર ઊંચા ટેકસને કારણે વેપાર વોલ્યુમમાં જંગી ઘટાડો થયો છે.
ક્રિપ્ટોના વેપાર મારફત થતા નફા પર વસૂલવામાં આવતા ૩૦ ટકા ટેકસ અને ટ્રાન્ઝકશન્સ પરનો ૧ ટકા ટીડીએસ બજેટમાં ઘટાડવો જોઈએ એમ ૮૫ ટકા લોકોએ મત વ્યકત કર્યો હોવાનું સર્વે રિપોર્ટમાં અગાઉ જણાવાયું હતું.
વિશ્વમાં ક્રિપ્ટોસના સ્વીકારમાં ભારત પણ આગેવાન રહ્યું છે, પરંતુ વેરાબોજને કારણે દેશના ખેલાડીઓ વિદેશના એકસચેન્જો પર વેપાર કરી રહ્યા છે, જેને કારણે પારદર્શીતા રહેતી નથી અને ઘરઆંગણે ક્રિપ્ટો કરન્સીસનો વિકાસ અપેક્ષા પ્રમાણે જોવા મળતો નથી.




