Business

નિફટી સ્પોટ 182 પોઈન્ટ ઉછળી 26328 નવી વિક્રમી ટોચે

By GS TEAM
3 Jan 20261 min read
નિફટી સ્પોટ 182 પોઈન્ટ ઉછળી 26328 નવી વિક્રમી ટોચે

- શેરોમાં ફરી સાર્વત્રિક તેજીના મંડાણ : એફએમસીજી-સિગારેટ કંપનીઓ સિવાય ફરી અન્ય તમામ સેક્ટર શેરોમાં સાર્વત્રિક તેજી

- નવા વર્ષ 2026માં ફરી વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતમાં મોટાપાયે રોકાણકાર બનવાની અપેક્ષા

મુંબઈ : સપ્તાહના અંતિમ દિવસે આજે ભારતીય શેર બજારોમાં એફએમસીજી-સિગારેટ કંપનીઓ સિવાય ફરી અન્ય તમામ સેક્ટર શેરોમાં સાર્વત્રિક વિક્રમી તેજીના મંડાણ થયા હતા. કેન્દ્ર સરકારે તંબાકુ ઉત્પાદનો સિગારેટ પરની એક્સાઈઝમાં તીવ્ર વધારો ઝીંકતા સિગારેટ કંપનીઓના શેરોમાં સતત ધોવાણ સામે આજે ઓલ રાઉન્ડ તોફાની તેજી થઈ હતી.

 નવા વર્ષ ૨૦૨૬માં ફરી વિદેશી સંસ્થાકીય રોકાણકારો ભારતમાં મોટાપાયે રોકાણકાર બનવાની અપેક્ષા અને ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં ટ્રેડ ડિલ થવાની અપેક્ષા સાથે ગ્રોથ સ્ટોરી ફરી પટરી પર આવવાની અપેક્ષાએ આજે લોકલ ફંડોએ મોટી ખરીદી કરી હતી. 

વૈશ્વિક બજારોમાં પણ યુરોપના બજારોમાં રેકોર્ડ ઊંચાઈ સાથે વૈશ્વિક એલ્યુમીનિયમ, કોપર સહિતના ભાવોમાં તેજી પાછળ મેટલ-માઈનીંગ શેરો તેમ જ ઓટોમોબાઈલ, બેંકિંગ, કેપિટલ ગુડઝ, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ, આઈટી, ઓઈલ-ગેસ શેરોમાં તેજી આક્રમક રહી હતી. સેન્સેક્સ ૫૭૩.૪૧ પોઈન્ટની છલાંગે ૮૫૭૬૨.૦૧ અને નિફટી ૫૦ સ્પોટ ૧૮૨ પોઈન્ટ ઉછળીને ૨૬૩૨૮.૫૫ની નવી વિક્રમી ઊંચાઈએ બંધ રહ્યા હતા.