મંદ માગને પગલે ડિસેમ્બરમાં જાહેર થયેલા નવા પ્રોજેકટસમાં 22 ટકા ઘટાડો

મુંબઈ : ૨૦૨૪ના સપ્ટેમ્બર ત્રિમાસિકમાં નવા પ્રોજેકટસ જાહેર થવાની માત્રા વાર્ષિક ધોરણે જે ૬૪ ટકા ઊંચી રહી હતી તે ડિસેમ્બર ત્રિમાસિકમાં ૨૨.૧૦ ટકા જેટલી નીચી જોવા મળી હતી. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ)ના ડેટા પ્રમાણે, ડિસેમ્બર ત્રિમાસિકમાં કુલ રૂપિયા ૬ લાખ કરોડના પ્રોજેકટસ શરૂ થયા હતા જે ડિસેમ્બર, ૨૦૨૩માં જાહેર થયેલા રૂપિયા ૭.૭૦ લાખ કરોડના પ્રોજેકટસની સરખામણીએ ઘણાં નીચા છે. સપ્ટેમ્બર, ૨૦૨૪ના ત્રિમાસિકમાં જાહેર થયેલા પ્રોજેકટસનો આંક રૂપિયા ૭.૨૦ લાખ કરોડ રહ્યો હતો.
નબળી ઉપભોગ માગ તથા દેશના શહેરી વિસ્તારોમાં માગમાં રિકવરીના અભાવ ખાનગી ક્ષેત્ર તરફથી નવા ઈન્વેસ્ટમેન્ટસમાં ઉદાસીનતાના કારણ રહ્યાનું માનવામાં આવે છે. જો કે કેટલાક રાજ્યોમાં ચૂંટણીને કારણે પ્રોજેકટસ જાહેર થવાની માત્રા ધીમી પડી હોવાનું માનવામાં આવે છે.
સરકાર તથા જાહેર ક્ષેત્રની કંપનીઓ તરફથી પ્રોજેકટસ હાથ ધરવાની જાહેરાતો મંદ પડી છે જે મૂડીખર્ચમાં વધારો થવાની અપેક્ષાને નબળી પાડે છે.
રિન્યુએબલ ઊર્જા તથા કેપિટલ ગુડસ ક્ષેત્રમાં અનેક કંપનીઓ રોકાણ કરી રહી છે ત્યારે ઈન્વેસ્ટમેન્ટસ ઊંચુ રહેવાની અપેક્ષા રખાતી હતી.
સરકાર તથા ખાનગી ક્ષેત્ર દ્વારા પૂરા કરાયેલા પ્રોજેકટસનું મૂલ્ય પણ અનુક્રમે ૫૭.૧૦ ટકા અને ૪૦ ટકા નીચુ રહ્યું હતું. વર્તમાન નાણાં વર્ષના ત્રીજા ત્રિમાસિકમાં પૂરા થયેલા પ્રોજેકટસની સંખ્યા પણ ૫૨.૬૦ ટકા નીચી રહી છે.
એપ્રિલથી નવેમ્બર, ૨૦૨૪ના ગાળામાં કેન્દ્રના મૂડીખર્ચમાં વાર્ષિક ધોરણે ૧૨.૩૦ ટકા ઘટાડો થઈ રૂપિયા ૫.૧૩ લાખ કરોડ રહ્યો છે. વર્તમાન નાણાં વર્ષના બજેટમાં નિશ્ચિત કરાયેલા રૂપિયા ૧૧.૧૧ લાખ કરોડના ટાર્ગેટને પહોંચી વળવા ખર્ચમાં ઝડપી વધારો થવો જરૂરી છે.
નાણાં મંત્રાલયના આર્થિક સ્થિતિ પરના માસિક રિવ્યૂ રિપોર્ટમાં જણાવાયું હતું કે, નાણાં વર્ષ ૨૦૨૫ના પાછલા છ મહિનાના પ્રારંભમાં કેપિટલ ફોરમેશનની વૃદ્ધિ ગતિ પકડી રહી છે. કેન્દ્ર સરકારના મૂડી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. માળખાકીય તથા કેપિટલ ગુડસ ક્ષેત્રની કંપનીની ઓર્ડર બુકમાં વધારો થઈ રહ્યો છે.જો કે માર્ચ ત્રિમાસિકમાં પ્રોજેકટસની જાહેરાત તથા તે પેટેના કરાર કરવામાં ઝડપ જોવા મળવાની એક વિશ્લેષકે અપેક્ષા વ્યકત કરી હતી.




