Get The App

નવા પ્રીમિયમની આવક રૂ.ચાર લાખ કરોડને પાર

- જીએસટીમાં રાહતથી જીવન વીમા ઉદ્યોગમાં નવો રેકોર્ડ

- જીવન વીમા પોલિસીનું વેચાણ પણ ગત નાણાં વર્ષમાં વધી ૨.૮૩ કરોડ રહ્યું

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
નવા પ્રીમિયમની આવક રૂ.ચાર લાખ કરોડને પાર 1 - image

મુંબઈ : વીમા પ્રોડકટસ પર ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) ૧૮ ટકા પરથી ઘટાડી શૂન્ય ટકા કરાતા તેનો નોંધપાત્ર લાભ વીમા કંપનીઓને ગત નાણાં વર્ષમાં થયાનું જોવા મળે છે. સમાપ્ત થયેલા નાણાં વર્ષમાં નવા બિઝનેસ પ્રીમિયમ આવક ઉપરાંત પોલિસીના વેચાણમાં જોરદાર વધારો થયો છે. 

સતત બે નાણાં વર્ષ સુધી નબળી કામગીરી દર્શાવ્યા બાદ દેશમાં જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક નાણાં વર્ષ ૨૦૨૬માં વાર્ષિક ધોરણે ૧૫.૭૦ ટકા વધી પહેલી જ વખત રૂપિયા ૪ લાખ કરોડથી વધુ રહી છે.

લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના ડેટા પ્રમાણે, નાણાં વર્ષ ૨૦૨૫માં નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક જે રૂપિયા ૩.૯૭ ટ્રિલિયન રહી હતી તે ગત નાણાં વર્ષમાં નોંધપાત્ર વધી રૂપિયા ૪.૫૯ લાખ કરોડ રહી છે.

જીવન વીમા કંપનીઓમાં એલઆઈસીની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ૧૪.૯૦ ટકા વધી છે જયારે ખાનગી વીમા કંપનીઓની આવકમાં ૧૬.૭૫ ટકા વૃદ્ધિ જોવા મળી છે. 

નવી પોલિસી પેટે આવતા પ્રીમિયમને નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ગણવામાં આવે છે. નાણાં વર્ષ ૨૦૨૬માં   ેએલઆઈસીની નવા બિઝનેસ પ્રીમિયમ આવક નાણાં વર્ષ  ૨૦૨૫ની  રૂપિયા ૨.૨૭ લાખ કરોડની સરખામણીએ વધી રૂપિયા ૨.૬૦ લાખ કરોડ રહી છે જ્યારે ખાનગી જીવન વીમા કંપનીઓમાં આ આંક રૂપિયા  ૧.૭૧ લાખ કરોડથી વધી રૂપિયા ૧.૯૯ લાખ કરોડ રહ્યો છે. 

જીએસટીમાં ઘટાડા ઉપરાંત નવા પ્રોડકટસ લોન્ચ તથા નીચા વ્યાજદરની સ્થિતિમાં સ્થિર વળતર મેળવવાના ગ્રાહકોના રસને કારણે જીવન વીમા પોલિસી ઊતારવામાં વધારો થયો છે. 

પોલિસીનું વેચાણ ૪.૭૦ ટકા વધી ૨.૮૩ કરોડ રહ્યું છે, જેમાં એલઆઈસીએ ૧.૮૫ કરોડ જ્યારે ખાનગી વીમા કંપનીઓએ ૯૮.૭૦ લાખ પોલિસી વેચી હોવાનું પણ કાઉન્સિલના ડેટા જણાવે છે. 

જીએસટીમાં ઘટાડાને કારણે વીમા પોલિસી ઊતારવામાં લોકોના રસમાં વધારો થયાનું પણ વીમા ઉદ્યોગના વર્તુળોએ જણાવ્યું હતું. જીએસટીમાં ઘટાડાથી વીમા પ્રોડકટસ પરવડી શકે તેવા પ્રીમિયમે ઉપલબ્ધ બન્યા છે.