પહેલી નવેમ્બરથી બદલાઈ જશે GST રજિસ્ટ્રેશનની પ્રક્રિયા, 96 ટકા અરજદારોને સીધો ફાયદો

New GST Registration Process 2025 : કેન્દ્ર સરકાર પહેલી નવેમ્બરથી જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયામાં મહત્ત્વના ફેરફાર કરવાની છે. આ નવા ફેરફારથી 96 ટકા અરજદારોને સીધો ફાયદો થશે. આ નવી અને સરળ સિસ્ટમના કારણે નવા અરજદારોને કામકાજના ત્રણ દિવસોમાં મંજૂરી મળી જશે. જીએસટી કાઉન્સિલે આ નવા સુધારાને મંજૂરી આપી દીધી છે.
બે પ્રકારના અરજદારોને ઓટોમેટિક મલશે રજિસ્ટ્રેશન
આ સુધારો અગાઉની પ્રક્રિયાથી વધુ સરળ હશે અને તેમાં માનવ હસ્તક્ષેપ ઘટી જશે. નવી સિસ્ટમ હેઠળ બે પ્રકારના અરજદારોને ઓટોમેટિક રીતે રજિસ્ટ્રેશન મળી શકશે. પહેલા પ્રકાર હેઠળ, ઓટોમેટિક સિસ્ટમ અરજદારના ડેટા અને જોખમ વિશ્લેષણના આધારે રજિસ્ટ્રેશન આપશે. જ્યારે બીજા પ્રકાર હેઠળ, જે અરજદારનો આઉટપુટ ટેક્સ રૂપિયા 2.5 લાખથી ઓછો છે, તેમને રજિસ્ટ્રેશન આપશે. આ પ્રક્રિયા પુરી થયા બાદ અરજદારને માત્ર ત્રણ દિવસમાં મંજૂરી મળી જશે.
96 ટકા અરજદારોને સીધો ફાયદો થશે : સીતારમણ
ગાઝિયાબાદમાં નવા CGST ભવનનું ઉદ્ઘાટન કર્યા બાદ નાણાં મંત્રી નિર્મલા સીતારમણે (Finance Minister Nirmala Sitharaman) કહ્યું કે, આ નવી પ્રક્રિયાથી લગભગ 96 ટકા નવા અરજદારોને સીધો ફાયદો થશે. આવકવેરા રિટર્ન (ITR) ભરવાની પ્રક્રિયાને પણ સરળ બનાવવામાં આવી છે, જેના માટે સ્વયંસંચાલિત રિફંડ અને જોખમ આધારિત ઓડિટ સિસ્ટમની શરૂઆત કરવામાં આવી છે.

