Get The App

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
Anil Ambani Reaches CBI Headquarters for Questioning
(IMAGE - IANS)

Anil Ambani Reaches CBI Headquarters for Questioning: અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન્સ(આરકોમ) સાથે જોડાયેલા કથિત બેન્ક લોન કૌભાંડ મામલે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતની આગેવાની હેઠળની બેન્ચે સ્પષ્ટ કર્યું છે કે આ મામલાની તપાસ નિષ્પક્ષ, પારદર્શક અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂર્ણ થવી જોઈએ. કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન(CBI) જેવી તપાસ એજન્સીઓને પરસ્પર સંકલન સાધીને સત્ય સામે લાવવા આદેશ આપ્યો છે, જેથી ન્યાયતંત્ર અને સામાન્ય જનતાનો વિશ્વાસ જળવાઈ રહે. તપાસમાં થતી કોઈપણ પ્રકારની ઢીલાશ સામે નારાજગી વ્યક્ત કરતા કોર્ટે કહ્યું કે અત્યાર સુધી શું કાર્યવાહી થઈ અને તેના શું તારણો નીકળ્યા તે સ્પષ્ટ થવું મહત્ત્વનું છે.

તપાસમાં અત્યાર સુધી 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત

આ કેસની સુનાવણી દરમિયાન અરજદાર પક્ષના વકીલ વકીલ પ્રશાંત ભૂષણે દલીલ કરી હતી કે પૂરતા પુરાવા ઉપલબ્ધ હોવા છતાં તપાસ એજન્સીઓ દ્વારા હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. તેની સામે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તપાસ યોગ્ય રીતે ચાલી રહી છે અને અત્યાર સુધીમાં અંદાજે 15,000 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તેમજ કેટલીક ધરપકડ પણ થઈ છે. જોકે, સુપ્રીમ કોર્ટે તપાસની ધીમી ગતિને લઈને ચિંતા વ્યક્ત કરી હતી, પણ સાથે જ સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ પોતાની રીતે કોઈની ધરપકડ કરવાનો સીધો આદેશ આપી શકે નહીં. અંતે કોર્ટે EDને આ મામલે બીજો સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવાની મંજૂરી આપી છે અને તમામ બેન્કો તથા નાણાકીય સંસ્થાઓને તપાસમાં પૂરો સહયોગ આપવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચો: તળીયાની શોધમાં સેન્સેક્સ, 1837 પોઈન્ટ ખાબકી 72696

અનિલ અંબાણી ગ્રુપના ટોચના અધિકારીઓની પૂછપરછ

આ સમગ્ર મામલો વર્ષ 2013થી 2017 દરમિયાન આરકોમ અને તેની સહયોગી કંપનીઓ દ્વારા લેવામાં આવેલી લોનના નાણાંના કથિત દુરુપયોગ સાથે જોડાયેલો છે. આક્ષેપ છે કે જટિલ નાણાકીય વ્યવહારો દ્વારા લોનના પૈસાનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો, જેના કારણે બેન્કોને મોટું નુકસાન થયું છે. આ દિશામાં CBIએ પોતાની તપાસ તેજ કરી દીધી છે અને તાજેતરમાં જ અનિલ અંબાણી ગ્રુપના ઉચ્ચ અધિકારીઓ ગૌતમ દોશી, સતીશ સેઠ અને અમિતાભ ઝુનઝુનવાલાની પૂછપરછ કરવામાં આવી છે. ખુદ અનિલ અંબાણીની પણ આ કેસમાં અગાઉ ઘણી વખત પૂછપરછ થઈ ચૂકી છે. હવે આ મામલે આગામી સુનાવણી ચાર અઠવાડિયા પછી હાથ ધરવામાં આવશે.

અનિલ અંબાણીની મુશ્કેલી વધી: ED-CBIને સુપ્રીમ કોર્ટનો આદેશ- કૌભાંડ કેસમાં ઢીલાશ નહીં ચાલે 2 - image