સપ્ટેમ્બરમાં ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રમાં નવા વેપારમાં ઝડપી વૃદ્ધિ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

વર્તમાન મહિનાનો પ્રારંભિક સંયુકત પીએમઆઈ ૫૬.૫૦ સાથે જૂન બાદ ઊંચી સપાટીએ
મુંબઈ : ઉત્પાદન ક્ષેત્રના સારા દેખાવની આગેવાનીએ સપ્ટેમ્બરમાં દેશમાં ખાનગી ક્ષેત્રની વેપાર પ્રવૃત્તિમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. એચએસબીસી ફલેશ ઈન્ડિયા પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) સર્વે રિપોર્ટમાં સપ્ટેમ્બરની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરીનો પ્રારંભિક અંદાજ અપાયો છે.
ઓગસ્ટમાં ઉત્પાદન તથા સેવા ક્ષેત્રનો સંયુકત અંતિમ પીએમઆઈ જે ૫૪.૩૦ રહ્યો હતો તેની સરખામણીએ સપ્ટેમ્બરનો સંયુકત પ્રારંભિક પીએમઆઈ વધી ૫૬.૫૦ જોવા મળી રહ્યો છે, જે જૂન બાદ સપ્ટેમ્બરમાં ખાનગી ક્ષેત્રની પ્રવૃત્તિમાં મજબૂત વિસ્તરણ થયાનું સૂચવે છે.
ઉત્પાદન તથા સેવા ક્ષેત્રમાં કામગીરી ઝડપી રહી છે અને નવા ઓર્ડરોમાં પણ ઝડપી વધારો થયો છે.
ઓગસ્ટનો ઉત્પાદન ક્ષેત્રનો ફલેશ (પ્રારંભિક) પીએમઆઈ જે ૫૨.૮૦ રહ્યો હતો તેની સરખામણીએ સપ્ટેમ્બરનો આ આંક ૫૫.૭૦ રહ્યો હતો. છેલ્લા સાત મહિનામાં સપ્ટેમ્બરમાં ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ મજબૂત જોવા મળી રહી છે. સેવા ક્ષેત્રનો ફલેશ પીએમઆઈ ૫૪.૧૦ પરથી વધી ૫૫.૮૦ રહ્યો છે.
ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રમાં મજબૂત માગને પરિણામે નવા વેપારમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી છે.
સેવા ક્ષેત્રમાં વેપારમાં વધારો થવા પાછળનું કારણ માર્કેટિંગ પ્રયાસો રહેલું છે. ખાસ કરીને પ્રોપર્ટીસ, પરિવહન સેવાઓ તથા ટ્રાવેલ બુકિંગ્સમાં પ્રવૃત્તિમાં વધારો થયો છે. બીજી ઉત્પાદન ક્ષેત્રમાં એલ્યુમિનિયમ પ્રોડકટસ, ઈલેકટ્રોનિક ચીજવસ્તુઓ, ફાર્મા ગુડસમાં મજબૂત માગ જોવા મળી રહી છે.
જો કે નવા નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિ ધીમી પડી છે. ઓર્ડરોમાં વધારો થયો છે પરંતુ આ વૃદ્ધિ ત્રણ વર્ષની નીચી સપાટીએ રહી હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે.
આઉટપુટ તથા નવા ઓર્ડરોમાં વધારાને ધ્યાનમાં રાખી કંપનીઓએ વર્તમાન મહિનામાં કર્મચારીઓની જોરદાર ભરતી કરી છે. ઉત્પાદન તથા સેવા બન્ને ક્ષેત્રમાં રોજગાર નિર્માણનો દર લગભગ સરખો રહ્યો છે.
ઉદ્યોગોમાં વેપાર બાબતે વિશ્વાસમાં સુધારો થયો છે. ઉત્પાદકો દ્વારા કાચા માલની ખરીદીમાં પણ ઝડપ રહી છે. ફિનિશ્ડ ગુડસની ઈન્વેન્ટરી સાડાઅગિયાર વર્ષની ઊંચી સપાટીએ રહી છે.




