પ્રથમ વખત ધિરાણ મેળવતા ગ્રાહકોમાં ૪૭ ટકા જેટલો હિસ્સો NBFCsનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

એનબીએફસી દ્વારા સતત વિસ્તરણ, રિટેલ લોન વિતરણમાં તેમનો હિસ્સો વધીને ૪૩% પર પહોંચ્યો
અમદાવાદ : જૂન ૨૦૨૬ સુધીમાં પ્રથમ વખત ધિરાણ મેળવતા (ન્યૂ-ટુ-ક્રેડિટ) ગ્રાહકોમાં નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (એનબીએફસી)નો હિસ્સો લગભગ અડધોઅડધ (૪૭%) રહ્યો છે, જે ભારતમાં ઔપચારિક ધિરાણ માટેનું એક મુખ્ય પ્રવેશદ્વાર બની રહી છે તેમ ફાઇનાન્સ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ અને ટ્રાન્સયુનિયન સિબિલના સંયુક્ત અહેવાલમાં જણાવાયું હતું.
છેલ્લા એક દાયકામાં એનબીએફસી એ સતત વિસ્તરણ કર્યું છે. તેમના સક્રિય ધિરાણ ગ્રાહકોનો આધાર લગભગ સાત ગણો વધ્યો છે. એ જ રીતે, રિટેલ લોન વિતરણમાં તેમનો હિસ્સો ૩૩% થી વધીને ૪૩% પર પહોંચ્યો છે.
જોકે, એનબીએફસીના લોન વિતરણમાં પ્રથમ વખત લોન લેનારાઓનો હિસ્સો જૂન ૨૦૨૬ માં ઘટીને ૧૬% થઈ ગયો છે, જે અગાઉના વર્ષના સમાન સમયગાળામાં ૨૮% હતો. આ દર્શાવે છે કે શેડો બેંકો (એનબીએફસી) હવે સ્થાપિત ક્રેડિટ હિસ્ટ્રી ધરાવતા ગ્રાહકોને વધુ પ્રમાણમાં ધિરાણ આપી રહી છે.
નાના મૂલ્યના ધિરાણમાં એનબીએફસીનો દબદબો યથાવત છે, જેમાં વોલ્યુમની દ્રષ્ટિએ રૂ. ૨ લાખ સુધીની લોનનો ગ્રાહક ધિરાણમાં ૮૨% હિસ્સો છે. અહેવાલ મુજબ, આ પ્રકારના વિતરણમાં બેંકોના ૧૭%ની સરખામણીએ એનબીએફસીનો હિસ્સો ૪૭% છે.
એનબીએફસી જેમ જેમ વિસ્તરી રહી છે તેમ તેમ તેમની લોન બુકમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. એનબીએફસીના ક્રેડિટ-એક્ટિવ કન્ઝયુમર વૉલેટ્સમાં વપરાશલક્ષી ધિરાણનો હિસ્સો જૂન ૨૦૧૬ ના ૫૧% થી વધીને જૂન ૨૦૨૬માં ૬૨% થયો છે. દરમિયાન, આ જ સમયગાળામાં વેપારલક્ષી ધિરાણનો હિસ્સો ૪%થી વધીને ૧૧% થયો છે.
નોન-બેંક ધિરાણકર્તાઓ કોમર્શિયલ ક્રેડિટ (વ્યાપારી ધિરાણ)માં પણ પોતાનો વ્યાપ વધારી રહ્યા છે. ક્રેડિટ-એક્ટિવ કોમર્શિયલ એકમોમાં તેમનો હિસ્સો જૂન ૨૦૨૧ના ૧૦%થી વધીને જૂન ૨૦૨૬માં ૧૮% થયો છે.
એનબીએફસીની પહોંચ હવે માત્ર પ્રથમ વખત લોન લેનારાઓ પૂરતી મર્યાદિત નથી રહી. હવે પછીનો તબક્કો ગ્રાહકોની બદલાતી ક્રેડિટ જરૂરિયાતો અનુસાર તેમની સાથે વધુ ઊંડા અને લાંબા ગાળાના સંબંધો બાંધવાનો રહેશે.




