Business

મ્યુ. ફંડોની ખરીદી જ્યારે FIIની વેચવાલી

By GS Team
17 Jul 20262 mins read
TukuTouch Logo
જૂનમાં શેરબજારમાં FIIs વેચવાલ રહ્યા છતાં, સ્થાનિક મ્યુચ્યુઅલ ફન્ડોએ નાણાંકીય, IT, FMCG અને હેલ્થકેર શેરોમાં રૂ. 9296 કરોડથી વધુનું રોકાણ વધાર્યું છે. ખાસ કરીને કોટક મહિન્દ્રા બેન્ક, HCL ટેક અને બજાજ ફાઈનાન્સ જેવા શેરોમાં ફન્ડોનું આકર્ષણ જોવા મળ્યું. મુંબઈના શેરબજારમાં આ ક્ષેત્રોમાં સ્થાનિક રોકાણકારોની મજબૂત ખરીદી જોવા મળી.

Summarized by AI; it may make mistakes. Check important info

મ્યુ. ફંડોની ખરીદી જ્યારે FIIની વેચવાલી

જૂનમાં નાણાંકીય, આઈટી, એફએમસીજી તથા આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ઘરેલું ફન્ડોનું આકર્ષણ: વિદેશી રોકાણકારોની આ ક્ષેત્રોમાં નોંધપાત્ર વેચવાલી
મુંબઈ : દેશના શેરબજારોમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ) જૂનમાં ભલે નેટ વેચવાલ રહ્યા હોય પરંતુ મ્યુચ્યુઅલ ફન્ડસ દ્વારા નાણાંકીય, આઈટી, એફએમસીજી તથા આરોગ્યસંભાળ ક્ષેત્રના શેરોમાં પોતાના ઈન્વેસ્ટમેન્ટમાં વધારો કરાયો હોવાનું ડીપોઝિટરીના ડેટા પરથી જણાય છે.
નાણાંકીય સેવા ક્ષેત્રમાં ઈન્વેસ્ટમેન્ટ ટ્રેન્ડસ વિરોધાભાષી જોવા મળી રહ્યો છે. આ ક્ષેત્રમાં એફઆઈઆઈએ ગયા મહિને રૂપિયા ૧૨૪૫૩ કરોડના શેરોની વેચવાલી કરી હોવાનું એનએસડીએલના ડેટા જણાવે છે. બીજી બાજુ મ્યુચ્યુઅલ ફન્ડોએ આ ક્ષેત્રમાં રૂપિયા ૯૨૯૬ કરોડની ખરીદી કરી હોવાનું એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફન્ડસની ઈન્ડિયા (એમ્ફી)ના ડેટા જણાવે છે.
નાણાંકીય સેવા ક્ષેત્રમાં ફન્ડોએ કોટક મહિન્દ્રા બેન્ક, ફેડરલ બેન્ક, બજાજ ફાઈનાન્સ જેવા શેરોમાં પોતાના હોલ્ડિંગમાં વધારો કર્યો છે.
આવીજ સ્થિતિ આઈટી ક્ષેત્રમાં જોવા મળી રહી છે જેમાં એફઆઈઆઈએ રૂપિયા ૭૪૪૦ કરોડના શેરો વેચ્યા છે જ્યારે ફન્ડોની આ ક્ષેત્રમાં રૂપિયા ૧૭૦૦ કરોડની ખરીદી રહી છે. આઈટી ક્ષેત્રમાં એચસીએલ ટેક, ટાટા કેટનોલોજીસ તથા ટેક મહિન્દ્રા વગેરે ફન્ડો માટે પસંદગીના રહ્યા છે. જો કે તેમણે એલએન્ડટી, સિયેન્ટ, પરસિસ્ટન્ટ સિસ્ટમ્સમાં ઓફ્ફલોડિંગ કર્યું હોવાનું પણ પ્રાપ્ત ડેટા જણાવે છે.
એફએમસીજીમાં પણ ફન્ડોની રૂપિયા ૩૫૪૫ કરોડની લેવાલી રહી છે જ્યારે એફઆઈઆઈની રૂપિયા ૫૬૦૦ કરોડની વેચવાલી આવી છે. આવી જ સ્થિતિ આરોગ્યસંભાળ ક્ષેત્રના શેરોમાં જોવા મળી છે. હેલ્થકેરમાં મ્યુચ્યુઅલ ફન્ડોની રૂપિયા ૫૧૪૦ કરોડની ખરીદી રહી છે, જ્યારે વિદેશી ફન્ડોની રૂપિયા ૪૯૭૫ કરોડની વેચવાલી આવી હોવાનું પણ પ્રાપ્ત ડેટામાં જણાવાયું છે.
જો કે સર્વિસીઝ તથા ટેલિકોમ એવા ક્ષેત્ર રહ્યા છે જેમાં ફન્ડો તથા એફઆઈઆઈ બન્ને નેટ ખરીદદાર રહ્યા છે. સર્વિસ ક્ષેત્રમાં ફન્ડોએ રૂપિયા ૫૩૫૦ કરોડ જ્યારે વિદેશી રોકાણકારોએ રૂપિયા ૩૩૫ કરોડની નેટ ખરીદી કરી છે.
ટેલિકોમમાં મ્યુચ્યુઅલ ફન્ડોએ રૂપિયા ૧૮૬૦ કરોડની જ્યારે એફઆઈઆઈની રૂપિયા ૪૧૦ કરોડની નેટ ખરીદી રહી છે.