Business

ડિસેમ્બરમાં ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ઘટી 12 મહિનાના તળિયે ઉતરી આવ્યો

By GS Team
3 Jan 20252 mins read
This article was originally published on 3 Jan 2025
ડિસેમ્બરમાં ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ઘટી 12 મહિનાના તળિયે ઉતરી આવ્યો

મુંબઈ : ૨૦૨૪ના અંતિમ મહિના એટલે કે ડિસેમ્બરમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિનું ચિત્ર દર્શાવતા એચએસબીસી પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) ઘટી ૫૬.૪૦ સાથે ૧૨ મહિનાની નીચી સપાટીએ રહ્યો હતો. નવેમ્બરનો પીએમઆઈ ૫૬.૫૦ રહ્યો હતો.ડિસેમ્બરમાં સતત બીજા મહિને ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી પડી હોવાનું એચએસબીસી દ્વારા તૈયાર કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. જાન્યુઆરી ૨૦૨૪માં ૫૪.૯૦ બાદ ડિસેમ્બરનો પીએમઆઈ સૌથી નીચો રહ્યો છે.

ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈની ૨૦૨૪ના સંપૂર્ણ વર્ષની સરેરાશ ૫૭.૫૦ રહી હતી જે ૨૦૨૩માં ૫૬.૮૦ જોવા મળી હતી. 

૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે. આમ ૨૦૨૪ના વર્ષમાં એકંદર પ્રવૃત્તિ મજબૂત રહી છે, એમ એચએસબીસી ખાતેના એક અર્થશાસ્ત્રીએ રિપોર્ટમાં નોંધ્યું હતું. 

ઘધરઆંગણે નવા ઓર્ડરની ગતિ એક વર્ષની મંદ રહી હતી પરંતુ નિકાસ મોરચે સ્થિતિ હકારાત્મક જોવા મળી છે. જુલાઈ બાદ નિકાસ ઓર્ડરમાં ઊંચી સપાટી રહી હતી. 

નવેમ્બરની સરખામણીએ ડિસેમ્બરમાં કાચા માલના ફુગાવામાં ઘટાડો જોવા મળતા ઉત્પાદકોએ રાહત અનુભવી છે. માગમાં સ્થિતિસ્થાપકતાને કારણે કિમત નિર્ધારણ કરવામાં ટેકો મળી રહે છે, એમ રિપોર્ટમાં જણાવાયું હતું.

દર દસમાંથી એક કંપનીએ વધારાના કર્મચારીની ભરતી કરી હતી જ્યારે સર્વમાં ભાગ લેનારી કંપનીઓમાંથી બે ટકાથી પણ ઓછી કંપનીઓએ કર્મચારીઓની છટણી કરી હોવાનું જોવા મળ્યું હતું.

સર્વેમાં અંદાજે ૪૦૦ જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. 

 ઓકટોબરની સરખામણીએ નવેમ્બરનો ફુગાવો ઘટીને આવ્યો છે,  છતાં વધી રહેલી સ્પર્ધા તથા ઊંચા ફુગાવા ચિંતાની બાબત હોવાનો કંપનીઓનો મત રહ્યો છે. 

સપ્ટેમ્બર ત્રિમાસિકમાં ભારતનો આર્થિક વિકાસ દર ૫.૪૦ ટકા સાથે સાત ત્રિમાસિકની નીચી સપાટીએ રહ્યો હતો. ઉત્પાદન ક્ષેત્રના પીએમઆઈમાં ડિસેમ્બરમાં સતત બીજા મહિને ઘટાડો થતાં ભારતના ઉત્પાદન ક્ષેત્રનું ભાવિ સારુ જણાતું નથી.