Business

સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી સપાટીએ

By GS TEAM
2 Oct 20251 min read
સપ્ટેમ્બરમાં ઉત્પાદન પ્રવૃત્તિઓ ધીમી,ચાર માસની નીચી  સપાટીએ

મુંબઈ : સમાપ્ત થયેલા સપ્ટેમ્બરમાં દેશની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ધીમી પડીને ચાર મહિનાની નીચી  સપાટીએ રહી હતી. પ્રવૃત્તિ ધીમા પડવા સાથે રોજગાર નિર્માણનો આંક પણ એક વર્ષની નીચી સપાટીએ રહ્યો હતો. 

એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પરચેઝિંદ મેનેજર્સ' ઈન્ડેકસ જે ઓગસ્ટમાં ૫૯.૩૦ હતો તે સપ્ટેમ્બરમાં ઘટી ૫૭.૭૦ રહ્યો હતો. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ થયાનું કહેવાય છે. ઓગસ્ટની સરખામણીએ સપ્ટેમ્બરમાં થયેલો ઘટાડો સ્પર્ધાત્મક સ્થિતિને કારણે જોવા મળ્યો હોવાનું પીએમઆઈ તૈયાર કરવા કરાયેલા સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું.

અમેરિકા દ્વારા ઊંચા ટેરિફ લાગુ કરાયા હોવા છતાં ભારના નિકાસ ઓર્ડરમાં વધારો જોવા મળ્યો છે જે અન્ય દેશો ખાતેથી ઓર્ડરો મળી રહ્યાનું સૂચવે છે. 

એશિયા, યુરોપ, મધ્ય પૂર્વના દેશો ખાતેથી ભારતના માલસામાન તથા સેવા પેટેની માગમાં વધારો થયાનું જણાય રહ્યું છે. 

સપ્ટેમ્બરમાં નવા નિકાસ ઓર્ડરમાં ઝડપી ગતિએ વધારો થયો છે, જેને કારણે અમેરિકા ખાતેથી ઘટેલી માગ ભરપાઈ થઈ ગયાનું કહી શકાય એમ છે. ભાવ મોરચે કાચા માલ તથા વેચાણ કિંમતમાં વધારો થયો છે.

કર્મચારી, કાચા માલ તથા પરિવહન ખર્ચમાં વધારો થતા અંતિમ પ્રોડકટસના ભાવમાં વધારો કરવાની ફરજ પડી હોવાનું સર્વેમાં ભાગ લેનારા ઉત્પાદકોએ જણાવ્યું હોવાનું રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે. 

આગામી ૧૨ મહિના માટે ભારતીય કંપનીઓના ઉત્પાદનમાં વૃદ્ધિના સંકેત આપી રહ્યા છે અને એકંદર વેપાર વિશ્વાસ સાત મહિનાની ટોચે રહ્યો છે.