ઓકટોબરમાં ઉત્પાદન પ્રવૃત્તિનો વૃદ્ધિ દર ધીમો પડયો: પીએમઆઈ ઘટીને ૫૪.૭૦
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

આંતરરાષ્ટ્રીય બજારમાં મજબૂત માંગના કારણે માલસામાનના નિકાસ ઓર્ડરમાં જોવા મળેલી વૃદ્ધિ
મુંબઈ : સપ્ટેમ્બરમાં રિકવરી બાદ સમાપ્ત થયેલા ઓકટોબરમાં દેશના ખાનગી ક્ષેત્રની ઉત્પાદન પ્રવૃત્તિનો વૃદ્ધિ દર ધીમો પડયો હતો. ઉત્પાદન તથા નવા ઓર્ડરમાં નબળી વૃદ્ધિ જોવા મળી હતી, એમ એક સર્વે રિપોર્ટમાં જણાવાયુ હતું.
એચએસબીસી ઈન્ડિયા મેન્યુફેકચરિંગ પરચેઝિંગ મેનેજર્સ' ઈન્ડેકસ (પીએમઆઈ) જે સપ્ટેમ્બરમાં ૫૫.૧૦ હતો તે ઓકટોબરમાં સાધારણ ઘટી ૫૪.૭૦ રહ્યો છે. ૫૦થી ઉપરના ઈન્ડેકસને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે મજબૂત માગને પરિણામે નિકાસ ઓર્ડરમાં વૃદ્ધિ છ મહિનાની ટોચે જોવા મળી છે જેને પરિણામે ઉત્પાદન પ્રવૃત્તિને ટેકો મળ્યો હતો, એમ સર્વે રિપોર્ટમાં જણાવાયું હતું. જો કે ઘરઆંગણે ઓર્ડરમાં મંદ વૃદ્ધિ રહી હતી.
બાંગલાદેશ, ઈન્ડોનેશિયા, શ્રીલંકા, સાઉદી અરેબિયા, કેનેડા, અમેરિકા, યુકે તથા યુએઈ ખાતેથી નિકાસ ઓર્ડરમાં વધારો થયો હતો. કાચા માલનો ફુગાવામાં પીછેહઠ થઈ હતી અને ફેબુ્રઆરી બાદ તેમાં નીચી વૃદ્ધિ રહી હતી.
ભારતની કંપનીઓએ ફિનિશ્ડ પ્રોડકટસની કિંમતમાં વધારો કર્યો હતો, પરંતુ તે સામાન્ય રહ્યો હતો. માર્જિન જાળવી રાખવા આ વધારો આવી પડયો હતો, એમ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું હતું.કામકાજનો ભાર વધતા ગત મહિને ફેકટરીમાં રોજગારમાં વધારો થયો હતો. જો કે સપ્ટેમ્બરની સરખામણીએ રોજગાર નિર્માણ મંદ રહ્યુ હતું. કાચા માલની અછત પડવાની શકયતાને ધ્યાનમાં રાખી ઉત્પાદકોએ કાચા માલની ઈન્વેન્ટરી ઊભી કરી હતી જે આઠ મહિનાની સૌથી ઊંચી હતી.
અમેરિકા દ્વારા ઈરાન પર મોટા હુમલાની ધમકી વચ્ચે અનિશ્ચિત વૈશ્વિક વાતાવરણને ધ્યાનમાં રાખી ઉત્પાદકોએ કાચા માલની ઈન્વેન્ટરી ઊભી કરવાનો વ્યૂહ અપનાવ્યો હતો.




