લિક્વિડિટી ઠાલવવાના પગલાંથી વ્યાજ દરમાં કપાતની શકયતા વધી

મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની બેઠકના દસ દિવસ પહેલા જ બેન્કિંગ વ્યવસ્થામાં રૂપિયા ૧.૫૦ ટ્રિલિયનની લિક્વિડિટી ઠાલવવાના રિઝર્વ બેન્કના નિર્ણયને પરિણામે એમપીસી દ્વારા વ્યાજ દરમાં કપાત આવશે તેવી શકયતા વધી ગઈ હોવાનું બેન્કિંગ ક્ષેત્રના વર્તુળો જણાવી રહ્યા છે.
એમપીસીની હવે પછીની બેઠક ૫થી ૭ ફેબુ્રઆરીના યોજાનાર છે. વ્યાજ દરમાં ઘટાડો જે અગાઉ એપ્રિલમાં જોવા મળવાની શકયતા હતી તે હવે આવતા મહિને જોવા મળશે.
રિઝર્વ બેન્કના નિર્ણયને કારણે કેશ રિઝર્વ રેશિયો (સીઆરઆર)માં વધુ કપાતની શકયતા નથી જોવાતી. આ અગાઉની બેઠકમાં સીઆરઆર અડધો ટકો ઘટાડી ૪ ટકા કરાયો હતો, જેને કારણે બેન્કિંગ વ્યવસ્થામાં રૂપિયા ૧.૧૬ ટ્રિલિયન ઠલવાયા હતા.
લિક્વિડિટીની ખેંચ અનુભવતી દેશની બેન્કિંગ વ્યવસ્થામાં લિક્વિડિટી પૂરી પાડવા આરબીઆઈએ સરકારી સિક્યોરિટીસની ખરીદી સહિત વિવિધ પગલાંની સોમવારે જાહેરાત કરી હતી. તાજેતરના પખવાડિયામાં દેશની બેન્કિંગ વ્યવસ્થામાં લિક્વિડિટીની ખાધ રૂપિયા ૨.૩૯ ટ્રિલિયન જોવા મળી હતી.
બેન્કિંગ વ્યવસ્થામાં લિક્વિડિટી વધવા સાથે રેપો રેટમાં કપાતની શકયતા વધી ગઈ છે, એમ એક બેન્કરે જણાવ્યું હતું. રિઝર્વ બેન્કના પગલાંને કારણે બેન્કોમાં લિક્વિડિટી વધી જશે. વ્યાજ દર કપાતની શકયતા જે અગાઉ એપ્રિલમાં જણાતી હતી તે હવે ફેબુ્રઆરીમાં જોવા મળશે અને રિઝર્વ બેન્ક ૨૫ બેઝિસ પોઈન્ટથી કપાત કરવાનું શરૂ કરશે એમ અન્ય એક બેન્કરે જણાવ્યું હતું. બીજી બાજુ રિટેલ ફુગાવો પણ ઘટી રહ્યો હોવાથી રેપો રેટમાં કપાત માટે સ્થિતિ સાનુકૂળ બની રહી છે.




