Business

LICનો OFS આવ્યો, રોકાણકારો માટે કમાણીની તક : પોલિસી ધારકો પર શું થશે અસર?

By GS Team
4 Aug 20262 mins read
TukuTouch Logo
કેન્દ્ર સરકાર LICમાં 6.5% સુધીનો હિસ્સો OFS દ્વારા વેચશે, જેનાથી રૂ. 31,000 કરોડનો ભંડોળ મળશે. SEBIના નિયમો મુજબ પબ્લિક શેરહોલ્ડિંગ 10% કરવા આ પગલું ભરાયું છે. રોકાણકારો માટે 382 રૂપિયાની ફ્લોર પ્રાઇસ સાથે શેર ખરીદવાની તક છે. રિટેલ રોકાણકારોને રૂ. 15ની છૂટ મળશે. પોલિસીધારકોની સુરક્ષા અને બોનસ પર કોઈ અસર નહીં થાય.

Summarized by AI; it may make mistakes. Check important info

LICનો OFS આવ્યો, રોકાણકારો માટે કમાણીની તક : પોલિસી ધારકો પર શું થશે અસર?

Life Insurance Corporation of India OFS : દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LICને લઈને એક મહત્વના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકાર ઓફર ફોર સેલ (OFS) દ્વારા LICમાં પોતાની 6.5% સુધીની ભાગીદારી (લગભગ 82.22 કરોડ શેર) વેચવા જઈ રહી છે. જો તમામ શેર વેચાઈ જશે તો સરકારના વિનિવેશ ભંડોળમાં આશરે રૂ.31,000 કરોડ ઉમેરાશે. જો તમારું રોકાણ LICના શેરમાં હોય કે તમારી પાસે LICની પોલિસી હોય, તો આ નિર્ણયની સીધી અસર અને તમામ વિગતો સરળ ભાષામાં નીચે મુજબ છે.

સરકાર LICના શેર કેમ વેચી રહી છે?

શેરબજારનું નિયમન કરતી સંસ્થા SEBIના નિયમ મુજબ દરેક લિસ્ટેડ કંપનીમાં ઓછામાં ઓછો 25% હિસ્સો પબ્લિક પાસે હોવો જરૂરી છે. સેબીએ LICમાં પબ્લિક શેરહોલ્ડિંગ ઓછામાં ઓછું 10% સુધી પહોંચાડવા માટે સરકારને 16 મે 2027 સુધીનો સમય આપ્યો છે. હાલમાં LICમાં સરકારનો હિસ્સો 96.5% છે અને પબ્લિક પાસે માત્ર 3.5% હિસ્સો છે. આ નિયમનું પાલન સમયસર કરવા માટે DIPAM સચિવ અરુણિશ ચૌધરીના જણાવ્યા મુજબ સરકાર 2.5% ઈક્વિટી વેચશે અને વધુ માંગ રહે તો 4% વધારાનો હિસ્સો વેચશે.

સસ્તા ભાવે શેર ખરીદવાની ઉત્તમ તક

શેરબજારના રોકાણકારો માટે આ સસ્તા ભાવે શેર ખરીદવાની ઉત્તમ તક છે, જ્યાં સોમવાર, 3 ઑગસ્ટે BSE પર LICનો શેર રૂ.391 પર બંધ થયો હતો ત્યારે સરકારે તેની ફ્લોર પ્રાઈસ રૂ. 382 નક્કી કરી છે. આ બે દિવસીય ઓફર ફોર સેલ(OFS)ના ટાઇમટેબલ મુજબ ગેર-રિટેલ રોકાણકારો માટે મંગળવાર, 4 ઑગસ્ટ 2026ના રોજ આ ઓફર ખૂલી છે, જ્યારે રિટેલ રોકાણકારો અને LIC કર્મચારીઓ માટે આ ઓફર બુધવાર, 5 ઑગસ્ટ 2026ના રોજ ખુલશે, જેમને અંતિમ કિંમત પર રૂ.15ની વધારાની છૂટ પણ આપવામાં આવશે.

પોલિસીધારકો પર શું થશે અસર?

LICની પોલિસી ધરાવતા કરોડો ગ્રાહકોએ ગભરાવાની સહેજ પણ જરૂર નથી. સરકારના શેર વેચવાથી તમારી પોલિસી, તેના પર મળતા બોનસ, પાકતી મુદતની રકમ કે સુરક્ષા પર કોઈ વિપરીત અસર પડશે નહીં. તમારા પૈસા સંપૂર્ણ સુરક્ષિત છે અને સરકારની ગેરંટી પહેલાની જેમ જ યથાવત્ રહેશે. આ પ્રક્રિયા માત્ર શેરબજારના નિયમો પૂર્ણ કરવા માટે છે.

LICની હાલની સ્થિતિ અને સરકારની કમાણી

LICની વર્તમાન માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 5.36 લાખ કરોડથી વધુ છે. આ અગાઉ મે 2022માં સરકારે IPO દ્વારા 3.5% હિસ્સો રૂ. 902-949ના પ્રાઇસ બેન્ડ પર વેચીને રૂ. 21,000 કરોડ એકત્ર કર્યા હતા. ચાલુ નાણાકીય વર્ષમાં સરકારે અત્યાર સુધીમાં 7 જાહેર ક્ષેત્રના સાહસો(PSUs)માં હિસ્સો વેચીને અને SUUTIના ટ્રાન્સફર દ્વારા રૂ. 21,082 કરોડ મેળવી લીધા છે.

ડિસ્ક્લેમર : અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સમાચાર અને જાણકારીના હેતુથી આપવામાં આવી છે. આ માહિતીને શેર ખરીદવા કે વેચવાની નાણાકીય સલાહ તરીકે ન ગણવી. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. કોઈ પણ પ્રકારનું રોકાણ કરતાં પહેલા તમારા નાણાકીય નિષ્ણાતની સલાહ જરૂર લેવી.