કેતન પારેખના અસાધારણ ફ્રન્ટ-રનિંગ કૌભાંડનો પર્દાફાશ : રૂ.65.77 કરોડ જપ્ત

અમદાવાદ : એક સમયના શેર બજારનો મોટાગજાના ઓપરેટર અને અગાઉ વર્ષ ૨૦૦૦ના કૌભાંડમાં ભૂમિકા માટે સિક્યુરિટીઝ માર્કેટથી ૧૪ વર્ષ માટે પ્રતિબંધિત કરાયેલા કેતન પારેખની ફરી માર્કેટમાં કથિત સક્રિયતા અને સંડોવણીના અસાધારણ ફ્રન્ટ-રનિંગ કૌભાંડનો મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ પર્દાફાશ કર્યો છે. આ કથિત કૌભાંડમાં સિંગાપુર સ્થિત ટ્રેડર રોહિત સલગાંવકર સહિતની પણ સંડોવણી હોવા મામલે સેબીએ પગલાં લીધા છે.
બીજી, જાન્યુઆરીના જારી કરાયેલા વચગાળાના આદેશમાં સેબીએ તપાસની વિસ્તૃત વિગતો આપી હતી, જે ૨૦થી વધુ સ્થળોને આવરી લેતી છે અને આશરે રૂ.૬૫.૭૭ કરોડ ગેરકાયદેસર લાભને જપ્ત કરવામાં આવ્યો છે. આ આદેશ ૨૨ કંપનીઓ સામે પસાર કરવામાં આવ્યો છે.
સેબીના પૂર્ણકાલીન મેમ્બર કમલેશ વાર્શની દ્વારા બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે, 'નોટિસી નંબર ૧ અને ૨ એટલે કે રોહિત સાલગાંવકર અને કેતન પારેખે ફ્રન્ટ રનિંગ પ્રવૃતિઓનું આયોજન કરીને બિગ ક્લાયન્ટને લગતી નોન-પબ્લિક ઈન્ફોર્મેન્શન(એનપીઆઈ) એટલે કે, બિન-જાહેર માહિતી થકી ગેરકાયદે લાભ લેવાની આખી યોજના ઘડવામાં આવી હતી. નોટિસી નંબર ૧૦ (અશોકકુમાર પોદ્દાર)એ ફ્રન્ટ રનિંગ પ્રવૃતિઓમાં સહાયક હોવાનું કબૂલ્યું છે.
વધુમાં નોટીસી નંબર ૨ અને ૧૦ એટલે કે કેતન પારેખ અને અશોકકુમાર પોદ્દારને સિક્યુરિટીઝના કામકાજ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને ભૂતકાળમાં પણ સિક્યુરિટીઝ માર્કેટ સાથે સંકળાવવા પર પ્રતિબંધ મૂકાયેલો હતો. આ બાબતને ધ્યાનમાં લઈને નોટિસી નંબર ૧, ૨ અને ૧૦ને તાત્કાલિક અસરથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સેબીમાં રજીસ્ટર્ડ કોઈપણ ઈન્ટરમીડિયરીઝ સાથે ખરીદ, વેચાણ કે વ્યવહાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
સેબીના આદેશ મુજબ બિગ ક્લાયન્ટના ટ્રેડરો (એક ફંડ હાઉસ જ્યાં સાલગાંવકરના નજીકના સંબંધો હતા) એ સોદા કરતાં પહેલા રોહિત સાલગાંવકર સાથે ચર્ચા કરતાં હતા અને આવી માહિતી રોહિત સાલગાંવકર દ્વારા કેતન પારેખ સાથે આપલે કરી પ્રથમદર્શી એન્કેશ કરવામાં આવી હતી.
જ્યારે બિગ ક્લાયન્ટના ટ્રેડરો રોહિત સાલગાંવકર સાથે તેમના સોદા માટે કાઉન્ટર પાર્ટીઓ સુનિશ્ચિત કરવા માટે ટ્રેડીંગની ચર્ચા કરી રહ્યા હતા, ત્યારે રોહિત સાલગાંવકર તે માહિતીનો ઉપયોગ કેતન પારેખને માહિતી આપીને ગેરકાયદેસર નફો કમાવવા માટે કરી રહ્યા હતા.
જ્યારે આ માહિતી કેતન પારેખ સુધી પહોંચી ત્યારે તેણે વ્યસ્થિત રીતે કામ ક્રયું અને જુદા જુદા ખાતાઓમાં ટ્રેડીંગ કરવામાં આવ્યું હતું, જે કુલ મળીને ગેરકાયદેસર નફો રળતા હતા.મોબાઈલ ડેટા સાથે એક્સચેન્જોના ડેટા થકી સેબીની આ સઘન તપાસ બાદ કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે.
માહિતીના પ્રવાહ માટે સમગ્ર કામગીરી અને તપાસ નવીન હતી, પારેખે કેવી રીતે કોલકાતા સ્થિત કંપનીઓના તેમના અગાઉના નેટવર્કનો ટ્રેડિંગમાં ફ્રન્ટ રનિંગ માટે ઉપયોગ કર્યો હતો અને મુખ્ય ખેલાડીઓ કેવી રીતે નિયમનકારી કાર્યક્ષેત્રની બહાર કામ કરતા હતા એનો ઘટસ્ફોટ થયો છે.




